મહારાષ્ટ્રમાં ગરબામાં મુસ્લિમોની એન્ટ્રી પર મહાવિવાદ: VHP અને નિતેશ રાણેના પ્રતિબંધ સામે અમૃતા ફડણવીસનું મોટું નિવેદન | Moneycontrol Gujarati
Get App

મહારાષ્ટ્રમાં ગરબામાં મુસ્લિમોની એન્ટ્રી પર મહાવિવાદ: VHP અને નિતેશ રાણેના પ્રતિબંધ સામે અમૃતા ફડણવીસનું મોટું નિવેદન

Maharashtra Garba Controversy: મહારાષ્ટ્રના ગરબામાં મુસ્લિમોની એન્ટ્રી પર વિવાદ વકર્યો. નિતેશ રાણેએ VHPની માંગને ટેકો આપ્યો, જ્યારે અમૃતા ફડણવીસે કહ્યું- તહેવારો સૌના માટે છે. જાણો વિગત.

અપડેટેડ 01:06:56 PM Sep 09, 2026 પર
Story continues below Advertisement
વિશ્વ હિન્દુ પરિષદે ગરબા આયોજકોને સ્પષ્ટ અપીલ કરી છે કે મુસ્લિમોને આ પવિત્ર ઉત્સવથી દૂર રાખવામાં આવે. આ માટે VHP દ્વારા કેટલીક શરતો મૂકવામાં આવી છે, જેને મહારાષ્ટ્રના મંત્રી અને ભાજપના નેતા નિતેશ રાણેએ ખુલ્લું સમર્થન આપ્યું છે.

Maharashtra Garba Controversy: નવરાત્રિનો પવિત્ર તહેવાર નજીક આવી રહ્યો છે, ત્યારે મહારાષ્ટ્રમાં ગરબા અને દાંડિયાના આયોજનોમાં મુસ્લિમોના પ્રવેશને લઈને મોટો રાજકીય અને સામાજિક વિવાદ ઊભો થયો છે. ખાસ વાત એ છે કે આ મુદ્દે સત્તાધારી પક્ષ ભાજપમાં જ બે અલગ-અલગ સૂર જોવા મળી રહ્યા છે. વિશ્વ હિન્દુ પરિષદની કડક માંગ અને ભાજપના જ નેતાઓના સામસામે નિવેદનોથી રાજકારણ ગરમાયું છે.

VHP અને નિતેશ રાણેની કડક શરતો

વિશ્વ હિન્દુ પરિષદે ગરબા આયોજકોને સ્પષ્ટ અપીલ કરી છે કે મુસ્લિમોને આ પવિત્ર ઉત્સવથી દૂર રાખવામાં આવે. આ માટે VHP દ્વારા કેટલીક શરતો મૂકવામાં આવી છે, જેને મહારાષ્ટ્રના મંત્રી અને ભાજપના નેતા નિતેશ રાણેએ ખુલ્લું સમર્થન આપ્યું છે. તેમણે નીચે મુજબના નિયમો લાગુ કરવા પર ભાર મૂક્યો છે. ગરબા મંડપમાં પ્રવેશતા દરેક વ્યક્તિનું ID (આઈડી) કાર્ડ ફરજિયાત ચેક કરવું. પ્રવેશ આપતા પહેલા દરેકને તિલક કરવું અને હાથમાં લાલ-પીળો પવિત્ર દોરો બાંધવો. શંકાસ્પદ લોકો પાસે હનુમાન ચાલીસાનો પાઠ કરાવવો જોઈએ.

‘લવ જેહાદ' અને મૂર્તિપૂજાનો મુદ્દો

નિતેશ રાણેએ આકરા પ્રહારો કરતા ‘લવ જેહાદ'નો મુદ્દો ઉઠાવ્યો છે. તેમનો તર્ક છે કે હિન્દુ તહેવારો દરમિયાન લવ જેહાદની ઘટનાઓમાં વધારો થાય છે. તેમણે સ્પષ્ટ કહ્યું કે જે ધર્મના લોકો મૂર્તિપૂજામાં માનતા જ નથી, તેમને હિન્દુઓના ધાર્મિક કાર્યક્રમોમાં સામેલ થવાનો કોઈ જ અધિકાર નથી.


અમૃતા ફડણવીસનો અલગ અંદાજ: "તહેવારો સૌના માટે છે"

એક તરફ નિતેશ રાણે કડક પ્રતિબંધની માંગ કરી રહ્યા છે, તો બીજી તરફ વરિષ્ઠ નેતા દેવેન્દ્ર ફડણવીસના પત્ની અમૃતા ફડણવીસે તદ્દન અલગ અને સર્વસમાવેશી વિચાર રજૂ કર્યો છે. તેમણે ગરબામાં તમામ ધર્મના લોકોના પ્રવેશને યોગ્ય ગણાવ્યો છે.

અમૃતા ફડણવીસે જણાવ્યું કે, "તહેવારો હંમેશા સૌને સાથે રાખીને ઉજવવા માટે હોય છે. ગરબો આપણો રાષ્ટ્રીય ઉત્સવ છે અને હવે તો આંતરરાષ્ટ્રીય સ્તરે પણ તેની ઉજવણી થાય છે. જો કોઈ પણ જ્ઞાતિ કે ધર્મનો વ્યક્તિ શાંતિથી ગરબા જોવા કે માણવા આવે અને કોઈ વિવાદ ઊભો ન કરે, તો તેમાં કશું જ ખોટું નથી." જોકે, તેમણે એટલું ચોક્કસ કહ્યું કે જાહેર કાર્યક્રમોમાં નિયમોનું યોગ્ય પાલન થવું જોઈએ, જેથી અન્ય ખેલૈયાઓને કોઈ મુશ્કેલી ન પડે.

ભાજપમાં આંતરિક મતભેદ આવ્યા સામે

આ સમગ્ર વિવાદથી એ સ્પષ્ટ થઈ ગયું છે કે ગરબામાં મુસ્લિમોની એન્ટ્રી મામલે ભાજપના નેતાઓમાં જ બે ફાડ પડી ગયા છે. કટ્ટર હિન્દુત્વની છબી ધરાવતા નિતેશ રાણે VHPના કડક વલણ સાથે ઊભા છે. જ્યારે અમૃતા ફડણવીસ અને મહારાષ્ટ્રના સાંસ્કૃતિક બાબતોના મંત્રી આશિષ શેલાર જેવા નેતાઓ ગરબાને સર્વસમાવેશી રાખવાની તરફેણ કરી રહ્યા છે. હવે જોવું એ રહેશે કે નવરાત્રિના આયોજનોમાં આ વિવાદ શું નવો વળાંક લે છે.

આ પણ વાંચો- શું તમારી સેલરીમાંથી પણ PF કપાય છે? જાણો EPFOના 5 જબરદસ્ત ફાયદા જે તમારી નોકરી અને પરિવારને આપે છે 100% ગેરંટી

MoneyControl News

MoneyControl News

First Published: Sep 09, 2026 1:06 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચાર, પર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.