ભારતે 17 કરોડ લોકોને 'મહાગરીબી'માંથી બહાર કાઢ્યા, રોજગારમાં પણ સુધારો: વર્લ્ડ બેન્ક રિપોર્ટ
ગ્રામીણ વિસ્તારો અને મહિલાઓમાં રોજગાર વધી રહ્યો હોવા છતાં, પુરુષો અને મહિલાઓ વચ્ચે રોજગારનું અંતર હજુ પણ નોંધપાત્ર છે. હાલમાં પુરુષોની તુલનામાં 23.4 કરોડ વધુ પુરુષો આવક આપતા કામમાં સામેલ છે.
ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, બિહાર, પશ્ચિમ બંગાળ અને મધ્ય પ્રદેશે ગરીબી નાબૂદીમાં મહત્વનું યોગદાન આપ્યું છે.
ભારતે છેલ્લા એક દાયકામાં ગરીબી નાબૂદીના મોરચે નોંધપાત્ર સફળતા હાંસલ કરી છે. વર્લ્ડ બેન્કના તાજેતરના અહેવાલ 'પોવર્ટી એન્ડ ઇક્વિટી બ્રીફ' અનુસાર, ભારતે 2011-12થી 2022-23 દરમિયાન 17.1 કરોડ લોકોને અત્યંત ગરીબીમાંથી બહાર કાઢ્યા છે. આ સમયગાળા દરમિયાન અત્યંત ગરીબીનો દર 16.2%થી ઘટીને માત્ર 2.3% થયો છે. આ સાથે ભારત હવે લોઅર-મિડલ-ઇનકમ દેશોની શ્રેણીમાં સામેલ થયું છે. રોજગારની તકોમાં પણ વધારો થયો છે, ખાસ કરીને મહિલાઓ માટે, પરંતુ બેરોજગારી અને અસ્થાયી નોકરીઓ જેવી સમસ્યાઓ હજુ પણ યથાવત છે.
ગરીબીમાં નોંધપાત્ર ઘટાડો
વર્લ્ડ બેન્કના અહેવાલ મુજબ, ગ્રામીણ વિસ્તારોમાં અત્યંત ગરીબી 18.4%થી ઘટીને 2.8% થઈ છે, જ્યારે શહેરી વિસ્તારોમાં તે 10.7%થી ઘટીને 1.1% થઈ છે. આનાથી ગ્રામીણ અને શહેરી ગરીબી વચ્ચેનું અંતર 7.7 ટકા પોઈન્ટથી ઘટીને 1.7 ટકા પોઈન્ટ થયું છે, જે દેશની પ્રગતિનું મજબૂત સૂચક છે.
લોઅર-મિડલ-ઇનકમ શ્રેણીમાં ભારતનો પ્રવેશ
વર્લ્ડ બેન્કે જણાવ્યું કે ભારત હવે લોઅર-મિડલ-ઇનકમ દેશોની શ્રેણીમાં આવી ગયું છે. દરરોજ 3.65 ડોલરની લોઅર-મિડલ-ઇનકમ ગરીબી રેખાના આધારે દેશમાં ગરીબીનો દર 61.8%થી ઘટીને 28.1% થયો છે. આ ફેરફાર સાથે 37.8 કરોડ ભારતીયો ગરીબીમાંથી બહાર આવ્યા છે. ગ્રામીણ ગરીબી 69%થી ઘટીને 32.5% અને શહેરી ગરીબી 43.5%થી ઘટીને 17.2% થઈ છે.
પાંચ રાજ્યોની મહત્વની ભૂમિકા
ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, બિહાર, પશ્ચિમ બંગાળ અને મધ્ય પ્રદેશે ગરીબી નાબૂદીમાં મહત્વનું યોગદાન આપ્યું છે. 2011-12માં આ રાજ્યોમાં દેશના 65% અત્યંત ગરીબ રહેતા હતા. 2022-23 સુધીમાં ગરીબીમાં થયેલા ઘટાડાનો બે-તૃતીયાંશ હિસ્સો આ રાજ્યોમાંથી આવ્યો છે. જોકે, આ રાજ્યોમાં હજુ પણ 54% અત્યંત ગરીબ અને 51% બહુઆયામી ગરીબ (2019-21ના આંકડા) રહે છે.
રોજગારમાં સુધારો, ખાસ કરીને મહિલાઓ માટે
ભારતે રોજગારના મોરચે પણ નોંધપાત્ર પ્રગતિ કરી છે. 2021-22થી દેશમાં કામની ઉંમર (15-64 વર્ષ)માં આવતા લોકોની સંખ્યાની તુલનામાં રોજગારની તકો ઝડપથી વધી રહી છે. ખાસ કરીને, મહિલાઓના રોજગાર દરમાં ઝડપી સુધારો જોવા મળ્યો છે. શહેરી બેરોજગારી 2024-25ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં ઘટીને 6.6% થઈ છે, જે 2017-18 પછીનું સૌથી નીચું સ્તર છે.
2018-19 પછી પ્રથમ વખત મોટી સંખ્યામાં પુરુષો ગામડાઓથી શહેરો તરફ રોજગારની શોધમાં જઈ રહ્યા છે. બીજી તરફ, ગ્રામીણ વિસ્તારોમાં મહિલાઓ માટે ખેતી અને કૃષિ સાથે જોડાયેલી નોકરીઓમાં વધારો થયો છે.
રોજગારમાં હજુ પણ પડકારો
જોકે, રોજગારના મોરચે ભારત સામે હજુ પણ પડકારો છે. યુવાનોમાં બેરોજગારી દર 13.3% છે, જે ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત યુવાનોમાં વધીને 29% સુધી પહોંચે છે. ખેતી સિવાયના ક્ષેત્રો (જેમ કે ફેક્ટરી, દુકાન, ઓફિસ)માં ઉપલબ્ધ નોકરીઓમાંથી માત્ર 23% નોકરીઓ જ સ્થાયી છે, જ્યારે 77% નોકરીઓ અસ્થાયી કે અનૌપચારિક છે. ખેતી સાથે જોડાયેલી નોકરીઓ લગભગ સંપૂર્ણપણે અસ્થાયી છે.