શું તમે પણ ફ્રિજની ઉપર સામાન મૂકો છો? સાવધાન! આ 5 વસ્તુઓ ભૂલથી પણ ન રાખતા, થઈ શકે છે મોટું નુકસાન
ઘરમાં ફ્રિજની ઉપર જગ્યા ખાલી જોઈને સામાન મૂકતા હોવ તો ચેતી જજો. ફ્રિજની ગરમીથી આ 5 વસ્તુઓ બગડી શકે છે અને મોટું નુકસાન થઈ શકે છે. જાણો કામની કિચન ટિપ્સ.
ઘણા લોકો જગ્યા બચાવવા નાસ્તાના પેકેટ ફ્રિજ પર મૂકી દેતા હોય છે. પરંતુ ફ્રિજની ગરમીથી બ્રેડ અને સીરિયલ જલ્દી નરમ પડી જાય છે અને તેની ક્રિસ્પીનેસ ખતમ થઈ જાય છે.
kitchen safety tips: રસોડામાં ઘણીવાર જગ્યા ઓછી પડતી હોય છે. આવા સમયે મોટાભાગના લોકો ફ્રિજની ઉપરની ખાલી જગ્યાનો ઉપયોગ ડબ્બા, તેલની બોટલો કે નાસ્તો મૂકવા માટે કરતા હોય છે. દેખીતી રીતે આ જગ્યા સામાન મૂકવા માટે ખૂબ અનુકૂળ લાગે છે, પરંતુ વાસ્તવમાં તે મોટું નુકસાન કરી શકે છે.
ફ્રિજ ચાલુ હોય ત્યારે તેના કમ્પ્રેસરમાંથી સતત ગરમી નીકળતી હોય છે. આ ગરમી અને બદલાતા તાપમાનના કારણે ફ્રિજ પર મૂકેલી વસ્તુઓ બગડી જાય છે અને ક્યારેક આગ લાગવા જેવું મોટું જોખમ પણ ઊભું થાય છે.
આવો સરળ ભાષામાં જાણીએ એવી 5 વસ્તુઓ વિશે, જે તમારે ભૂલથી પણ ફ્રિજની ઉપર ન રાખવી જોઈએ.
1. ખાવાનું તેલ અને મસાલા
રસોઈમાં વપરાતું તેલ અને રોજિંદા મસાલા ક્યારેય ફ્રિજની ઉપર ન રાખવા જોઈએ. ખાસ કરીને જો તેલ પ્લાસ્ટિકની કે પારદર્શક બોટલમાં હોય, તો ફ્રિજની ગરમી અને પ્રકાશના સંપર્કમાં આવવાથી તે જલ્દી બગડી જાય છે. આ ઉપરાંત સતત ગરમીની અસરથી મસાલાનો અસલી સ્વાદ અને તેની સુગંધ પણ ગાયબ થઈ જાય છે.
2. બ્રેડ, સીરિયલ અને ચિપ્સ
ઘણા લોકો જગ્યા બચાવવા નાસ્તાના પેકેટ ફ્રિજ પર મૂકી દેતા હોય છે. પરંતુ ફ્રિજની ગરમીથી બ્રેડ અને સીરિયલ જલ્દી નરમ પડી જાય છે અને તેની ક્રિસ્પીનેસ ખતમ થઈ જાય છે. વળી, પેકેટની અંદર ભેજ જમા થવાથી બ્રેડમાં ફૂગ લાગવાની શક્યતા ઘણી વધી જાય છે. ચિપ્સ અને કુરકુરે જેવા સ્નેક્સ પણ ગરમીથી સોફ્ટ થઈને સ્વાદહીન બની જાય છે.
3. સફાઈનો સામાન અને દવાઓ
રસોડાને સાફ રાખવા માટેના લિક્વિડ કે અન્ય ક્લીનરને બાળકોથી દૂર રાખવા માટે લોકો તેને ફ્રિજની ઉપર મૂકે છે, જે બિલકુલ ખોટું છે. આવા પ્રોડક્ટ્સ હંમેશાં હવાઉજાસવાળી અને ઠંડી જગ્યાએ રાખવા જોઈએ. આ ઉપરાંત મોટાભાગની દવાઓને પણ એક ચોક્કસ તાપમાનની જરૂર હોય છે. ફ્રિજની ગરમીમાં દવાઓ રાખવાથી તેની અસર અને ગુણવત્તા ઓછી થઈ જાય છે.
4. પ્લાસ્ટિકના ડબ્બા અને ભારે સામાન
જો તમે ફ્રિજની ઉપર પ્લાસ્ટિકના કન્ટેનર રાખો છો, તો સતત ગરમી લાગવાથી તે નબળા પડી જાય છે. તેનાથી ડબ્બા વળી શકે છે અથવા તૂટી શકે છે. આ સિવાય ફ્રિજની ઉપર ક્યારેય ભારે વજનવાળો સામાન ન મૂકવો જોઈએ. તેનાથી ફ્રિજના કમ્પ્રેસર પર વધારાનું દબાણ આવે છે અને જો વજનદાર સામાન નીચે પડે તો ઘરમાં કોઈને ઈજા પણ થઈ શકે છે.
5. ઇલેક્ટ્રિક ઉપકરણો અને સળગી જાય તેવી વસ્તુઓ
ફ્રિજ પર મીણબત્તી, માચિસ કે લાઈટર જેવી જ્વલનશીલ વસ્તુઓ ભૂલથી પણ ન રાખવી. ફ્રિજની ગરમીથી તેમાં અચાનક આગ લાગવાનું મોટું જોખમ રહેલું છે. આ સિવાય ઘણા લોકો માઈક્રોવેવ કે ટોસ્ટર પણ ફ્રિજની ઉપર જ ગોઠવી દેતા હોય છે. આ બંને ઇલેક્ટ્રિક ઉપકરણોની ગરમી ભેગી થવાથી ફ્રિજ જલ્દી ખરાબ થઈ શકે છે અને તેની લાઈફ ઘટી જાય છે.