સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનએ સૈયદ મુશ્તાક અલી ટ્રોફી માટે સૌરાષ્ટ્રની સિનિયર ટીમમાં મોહિત ઉલવાનો સમાવેશ કરવાનો નિર્ણય લીધો છે.
Mohit Ulwa Saurashtra team: ક્રિકેટના મેદાન પર જ્યારે કોઈ યુવા ખેલાડી દબાણમાં પણ હિંમત ન હારે અને છેલ્લા બોલે ચોગ્ગો ફટકારી દેશને ચેમ્પિયન બનાવી દે, તો તેની મહેનતનું ફળ ચોક્કસ મળે છે. ગુજરાતના સુરેન્દ્રનગરના 18 વર્ષીય મોહિત ઉલવા સાથે બરાબર આવું જ થયું છે. અંડર-19 એશિયા કપની ફાઈનલમાં પાકિસ્તાન સામે ઐતિહાસિક જીત અપાવનાર આ યુવા બેટ્સમેનને હવે સૌરાષ્ટ્રની સિનિયર ક્રિકેટ ટીમમાં જગ્યા મળી ગઈ છે.
SCA એ સૈયદ મુશ્તાક અલી ટ્રોફી માટે કરી પસંદગી
સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનએ સૈયદ મુશ્તાક અલી ટ્રોફી માટે સૌરાષ્ટ્રની સિનિયર ટીમમાં મોહિત ઉલવાનો સમાવેશ કરવાનો નિર્ણય લીધો છે. SCA ના પ્રમુખ જયદેવ શાહે આ વાતની પુષ્ટિ કરી છે. તેમણે જણાવ્યું કે મોહિતને સીધો ઈન્દોર પહોંચીને સૌરાષ્ટ્રની ટીમ સાથે જોડાવાની સૂચના આપી દેવામાં આવી છે. હાલમાં સૌરાષ્ટ્રની ટીમ ઈન્દોરમાં SMAT ના મુકાબલા રમી રહી છે.
જયદેવ શાહે કરી મોહિતના જુસ્સાની પ્રશંસા
SCA પ્રમુખ જયદેવ શાહે મોહિત વિશે વાત કરતા કહ્યું કે, "મેદાન પર તેણે જે જુસ્સો અને સંઘર્ષ બતાવ્યો તે ખરેખર અદભુત હતો." તેમણે ઉમેર્યું કે મોહિત સુરેન્દ્રનગરના એક સામાન્ય પરિવારમાંથી આવે છે અને હાલ રાજકોટમાં રહીને ક્રિકેટની તાલીમ લઈ રહ્યો છે. SCA હંમેશા યુવા પ્રતિભાઓને પ્રોત્સાહન આપવા માટે પ્રયત્નશીલ રહે છે અને મોહિત સિનિયર ટીમ માટે ખૂબ જ ઉપયોગી ખેલાડી સાબિત થશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો.
ફાઈનલમાં શું થયું હતું? યાદ કરીએ તે રોમાંચક પળો
શનિવારે સાંજે ઓમાનના મસ્કત ખાતે રમાયેલી અંડર-19 એશિયા કપની ફાઈનલ કોઈ થ્રિલર ફિલ્મથી ઓછી નહોતી. પાકિસ્તાની સમર્થકોની ભારે ભીડ વચ્ચે ભારતીય ટીમ ભારે દબાણમાં હતી. આવા સમયે મોહિત ઉલવાનીએ અદભુત ધીરજ અને હિંમત બતાવી.
મોહિતે માત્ર 26 બોલમાં 49 રન ફટકાર્યા. તેની ઈનિંગમાં 5 ચોગ્ગા અને 3 છગ્ગા સામેલ હતા.સૌથી રોમાંચક ક્ષણ ત્યારે આવી જ્યારે તેણે ઇનિંગ્સના છેલ્લા બોલ પર ચોગ્ગો ફટકારીને ભારતને 1 વિકેટથી ઐતિહાસિક જીત અપાવી.આ જીતની ઉજવણી સમગ્ર દેશમાં અને ખાસ કરીને ગુજરાતમાં ખૂબ જ ધામધૂમથી કરવામાં આવી હતી.
સામાન્ય પરિવારમાંથી આવેલો અસામાન્ય ખેલાડી
મોહિત ઉલવાની કહાની પ્રેરણાદાયી છે. સુરેન્દ્રનગરના એક સામાન્ય પરિવારમાંથી આવતો આ યુવાન હાલ રાજકોટમાં રહીને ક્રિકેટની તાલીમ લઈ રહ્યો છે. U-19 એશિયા કપમાં તેના પ્રદર્શને સાબિત કરી દીધું છે કે પ્રતિભા કોઈ પણ ખૂણામાંથી આવી શકે છે, બસ જરૂર છે તો સાચી તક અને મહેનતની.
18 વર્ષની ઉંમરે દેશને ચેમ્પિયન બનાવ્યા બાદ હવે મોહિત ઉલવા સિનિયર ક્રિકેટમાં પોતાની કારકિર્દીની નવી શરૂઆત કરવા જઈ રહ્યો છે. સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં સૌરાષ્ટ્રની ટીમ તરફથી રમવું તેના માટે એક મોટી તક છે. ગુજરાતના ક્રિકેટ ચાહકોને આશા છે કે આ યુવા ખેલાડી આગામી સમયમાં સિનિયર ક્રિકેટમાં પણ પોતાની છાપ છોડશે.