Monsoon Deficit Alert: ચોમાસાની વિદાય શરૂ,દેશના 14 રાજ્યોમાં દુકાળ જેવી સ્થિતિ, આ વર્ષે 10% ઓછો વરસાદ નોંધાશે
ચોમાસું 2026ની વિદાય શરૂ થઈ ગઈ છે. 14 રાજ્યોમાં 20% થી ઓછો વરસાદ પડતા દુકાળ જેવી સ્થિતિ સર્જાઈ છે. ખેડૂતો અને પાક પર શું થશે અસર? જાણો IMD ની લેટેસ્ટ આગાહી.
વરસાદના આંકડા નિરાશાજનક છે. 1 જૂનથી 19 સપ્ટેમ્બર સુધીમાં દેશભરમાં સામાન્ય કરતા 15% ઓછો વરસાદ નોંધાયો છે. સૌથી વધુ ચિંતાની વાત એ છે કે દેશના 14 રાજ્યોમાં વરસાદની ઘટ 20% કરતા પણ વધુ છે.
Monsoon Deficit Alert: દેશમાંથી દક્ષિણ-પશ્ચિમ ચોમાસું હવે ધીમે ધીમે વિદાય લઈ રહ્યું છે. પરંતુ જતાં-જતાં તે ખેડૂતો માટે ચિંતાનો વિષય બની ગયું છે. રિપોર્ટ મુજબ, આ વર્ષે ચોમાસાની સિઝન સામાન્ય કરતા 10% ઓછા વરસાદ સાથે પૂરી થવાની પૂરેપૂરી સંભાવના છે. 19 સપ્ટેમ્બર સુધીના આંકડા દર્શાવે છે કે દેશમાં વરસાદની ભારે અછત છે, જેની સીધી અસર ખેતી પર પડશે.
પશ્ચિમ રાજસ્થાનથી ચોમાસાની વિદાય શરૂ
ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 19 સપ્ટેમ્બરથી પશ્ચિમ રાજસ્થાનના વિસ્તારોમાંથી ચોમાસાએ પરત ફરવાનું શરૂ કરી દીધું છે. સામાન્ય રીતે ચોમાસાની વિદાય 17 સપ્ટેમ્બરથી શરૂ થતી હોય છે, એટલે કે આ વર્ષે ચોમાસું 2 દિવસ મોડું વિદાય લઈ રહ્યું છે. આગામી 3 થી 4 દિવસમાં રાજસ્થાનના અન્ય વિસ્તારો, પંજાબ અને ગુજરાતના સૌરાષ્ટ્ર-કચ્છમાંથી પણ ચોમાસું પાછું ખેંચાઈ શકે છે. જોકે, 20 અને 21 સપ્ટેમ્બરે રાજસ્થાનના કોટા અને ઉદયપુરમાં છૂटोછવાયો વરસાદ પડી શકે છે.
14 રાજ્યોમાં 20% થી વધુ વરસાદની ઘટ
વરસાદના આંકડા નિરાશાજનક છે. 1 જૂનથી 19 સપ્ટેમ્બર સુધીમાં દેશભરમાં સામાન્ય કરતા 15% ઓછો વરસાદ નોંધાયો છે. સૌથી વધુ ચિંતાની વાત એ છે કે દેશના 14 રાજ્યોમાં વરસાદની ઘટ 20% કરતા પણ વધુ છે.
આ રાજ્યોમાં બિહાર, પંજાબ, હરિયાણાનો સમાવેશ થાય છે. દક્ષિણ ભારતના તમામ પાંચ રાજ્યોમાં પણ ઓછો વરસાદ પડ્યો છે.આ ઉપરાંત ઉત્તર-પશ્ચિમ અને પૂર્વોત્તરના કેટલાક રાજ્યોમાં પણ દુકાળ જેવો માહોલ જોવા મળી રહ્યો છે.
ખેડૂતોની ચિંતા વધી: ખરીફ અને રવી પાક પર મોટી અસર
વરસાદ ખેંચાવાને કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. જોકે ખરીફ પાકના કુલ વાવેતર વિસ્તારમાં ગયા વર્ષની સરખામણીએ માત્ર 1% નો જ ઘટાડો થયો છે, પરંતુ સૌથી વધુ પાણી માંગતા ડાંગરના વાવેતરમાં 4% નો મોટો ઘટાડો નોંધાયો છે.
કૃષિ નિષ્ણાતોના મતે, ભલે સરેરાશ વરસાદ સારો દેખાતો હોય, પરંતુ ક્યાંક વધુ તો ક્યાંક સાવ ઓછો વરસાદ પડવાથી પાકને નુકસાન થાય છે. ચોમાસું નબળું રહેવાથી જમીનમાં ભેજ ઘટશે અને ડેમોમાં પાણી નહીં રહે, જેની સીધી અસર આગામી શિયાળુ પાકની સિંચાઈ પર પડશે.
વિલન બન્યું 'અલ નીનો', પણ બંગાળની ખાડીથી આશા
આ વર્ષે નબળા ચોમાસા પાછળ અલ નીનો ની અસરને પણ જવાબદાર માનવામાં આવી રહી છે, જેના કારણે ગરમી વધી અને વરસાદ ઘટ્યો. જોકે, થોડી રાહતના સમાચાર એ છે કે બંગાળની ખાડીમાં એક લો-પ્રેશર (ડીપ ડિપ્રેશન) સિસ્ટમ બની રહી છે. આ સિસ્ટમને કારણે આવતા અઠવાડિયે પૂર્વ ભારત અને ખાસ કરીને ઓડિશાના દરિયાકાંઠાના વિસ્તારોમાં સારો વરસાદ પડી શકે છે.