મુંબઈ એરપોર્ટ પર મોટો ફેરફાર: ઈન્ડિગો અને એર ઈન્ડિયાની ફ્લાઈટ્સ હવે નવી મુંબઈ શિફ્ટ થશે, જાણો શું છે પ્લાન?
ડિસેમ્બર 2026 થી ઈન્ડિગો અને એર ઈન્ડિયાની અનેક ઈન્ટરનેશનલ અને ડોમેસ્ટિક ફ્લાઈટ્સ નવી મુંબઈ એરપોર્ટ પર શિફ્ટ થવા જઈ રહી છે. જાણો મુંબઈ એરપોર્ટના ટર્મિનલ-1 ના રિડેવલપમેન્ટને કારણે યાત્રીઓને શું અસર થશે.
એરલાઈન્સ કંપનીઓ અને એરપોર્ટ ઓપરેટર્સના જણાવ્યા અનુસાર, ફ્લાઈટ્સને એકસાથે નવી મુંબઈ ટ્રાન્સફર કરવામાં આવશે નહીં.
જો તમે અવારનવાર મુંબઈથી હવાઈ મુસાફરી કરો છો, તો આવનારા મહિનાઓમાં તમને એરપોર્ટને લઈને મોટો ફેરફાર જોવા મળી શકે છે. ખાનગી એરલાઈન્સ કંપનીઓ ઈન્ડિગો અને એર ઈન્ડિયા ગ્રુપે તેમની કેટલીક ફ્લાઈટ્સ મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી હટાવીને નવા બની રહેલા નવી મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર શિફ્ટ કરવાનો મોટો નિર્ણય લીધો છે.
આ ફેરફાર ડિસેમ્બર 2026 થી તબક્કાવાર રીતે શરૂ કરવામાં આવશે અને વર્ષ 2027ની ઉનાળાની સિઝન સુધીમાં આ પ્રક્રિયા પૂરી થવાની શક્યતા છે. આ નિર્ણય પાછળનો મુખ્ય હેતુ મુંબઈ એરપોર્ટના ટર્મિનલ-1નું રિડેવલપમેન્ટ કરવાનું અને બંને એરપોર્ટ વચ્ચે ફ્લાઈટ્સનું યોગ્ય રીતે વિતરણ કરવાનું છે.
તબક્કાવાર થશે ફ્લાઈટ્સનું શિફ્ટિંગ
એરલાઈન્સ કંપનીઓ અને એરપોર્ટ ઓપરેટર્સના જણાવ્યા અનુસાર, ફ્લાઈટ્સને એકસાથે નવી મુંબઈ ટ્રાન્સફર કરવામાં આવશે નહીં.આ કામ ધીમે-ધીમે અલગ-અલગ તબક્કામાં થશે, જેથી હાલના મુંબઈ એરપોર્ટ પર કામગીરી ખોરવાય નહીં અને મુસાફરોને કોઈ તકલીફ ન પડે. ટર્મિનલ-1 નું કામ પૂરું થયા પછી, જો એરલાઈન્સ ઈચ્છશે તો તેઓ તેમના જૂના સ્લોટ પર પાછી આવી શકશે તે માટેની વ્યવસ્થા પણ રાખવામાં આવશે. જોકે, કઈ ફ્લાઈટ કઈ તારીખથી શિફ્ટ થશે, તેનો અંતિમ નિર્ણય મંજૂરી અને તૈયારીઓ પર આધારિત રહેશે.
ઈન્ડિગોની આ ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ નવી મુંબઈથી ઉડાન ભરશે
ઈન્ડિગોએ ખાસ કરીને તેની ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ નવી મુંબઈ શિફ્ટ કરવાનો પ્લાન બનાવ્યો છે. દરરોજ ઉડાન ભરતી 12 ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ શિફ્ટ થશે. તેમાં બહેરીન, રિયાધ, દમામ, જેદ્દાહ, મદીના, કુવૈત, રાસ અલ ખૈમાહ, ફુજૈરાહ, મસ્કત, ઢાકા અને જકાર્તા જતી ફ્લાઈટ્સ સામેલ છે. ફેબ્રુઆરીથી જુલાઈ 2027 ની વચ્ચે કાઠમંડુ માટે પણ દૈનિક ફ્લાઈટ શરૂ કરવાની યોજના છે. આંતરરાષ્ટ્રીય મુસાફરોને સારી કનેક્ટિવિટી આપવા માટે કંપની પોતાની અમુક ડોમેસ્ટિક ફ્લાઈટ્સ પણ નવી મુંબઈ શિફ્ટ કરશે. વર્ષ 2027 માં એશિયા, આફ્રિકા અને યુરોપ માટે નવી ફ્લાઈટ્સ શરૂ કરવાનું પણ કંપનીનું આયોજન છે.
એર ઈન્ડિયા એક્સપ્રેસની ફ્લાઈટ્સ પણ બદલાશે
ઈન્ડિગોની જેમ જ એર ઈન્ડિયા ગ્રુપે પણ પોતાની 'એર ઈન્ડિયા એક્સપ્રેસ' સેવાઓને નવી મુંબઈ એરપોર્ટ પર શિફ્ટ કરવાની જાહેરાત કરી છે. આમાં મુખ્યત્વે મિડલ ઈસ્ટની ફ્લાઈટ્સ સામેલ છે, જેમ કે જેદ્દાહ, રિયાધ, દમામ, દોહા, મસ્કત અને શારજાહ. આ તમામ ફ્લાઈટ્સ 2027ના ઉનાળા સુધીમાં શિફ્ટ કરી દેવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.
ટર્મિનલ-1 ના વિકાસથી શું ફાયદો થશે?
હાલના મુંબઈ એરપોર્ટના ટર્મિનલ-1 નું મોટું રિડેવલપમેન્ટ થવા જઈ રહ્યું છે. અત્યારે આ ટર્મિનલની વાર્ષિક ક્ષમતા 1.5 કરોડ મુસાફરોને હેન્ડલ કરવાની છે, જે કામ પૂરું થયા બાદ વધીને 2 કરોડ થઈ જશે.રિડેવલપમેન્ટનું કામ ચાલી રહ્યું હોય ત્યારે મુસાફરોની ભીડ ઓછી કરવા માટે શરૂઆતમાં લગભગ 50 લાખ મુસાફરોનો ટ્રાફિક નવી મુંબઈ એરપોર્ટ તરફ વાળવામાં આવશે. બીજી તરફ, નવી મુંબઈ એરપોર્ટનો પહેલો તબક્કો એવી રીતે તૈયાર કરાયો છે કે તે શરૂઆતથી જ વાર્ષિક 2 કરોડ મુસાફરોને હેન્ડલ કરી શકશે. ભવિષ્યમાં તેની ક્ષમતા 9 કરોડ મુસાફરો સુધી વધારવાની મહત્વાકાંક્ષી યોજના છે.