ગુજરાતમાં મગફળીના ઉત્પાદનમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. SEAના લેટેસ્ટ ગ્રાઉન્ડ રિપોર્ટ મુજબ વર્ષ 2026-27માં મગફળીનું ઉત્પાદન 20.5% ઘટીને 33.30 લાખ ટન રહેવાનો અંદાજ છે.
SEA ના આંકડાઓ દર્શાવે છે કે, વર્ષ 2026-27 માં ગુજરાતમાં મગફળીનું કુલ ઉત્પાદન 33.30 લાખ મેટ્રિક ટન રહેવાનો અંદાજ છે.
Gujarat groundnut production: ગુજરાતમાં આ વર્ષે ચોમાસું સારું રહ્યું હોવાના અને મબલખ પાક થવાના સરકારી દાવાઓ વચ્ચે એક ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો છે. રાજ્ય સરકાર ભલે કાગળ પર બધું સારું હોવાનું ચિત્ર ઊભું કરતી હોય, પરંતુ ગ્રાઉન્ડ લેવલની વાસ્તવિકતા સાવ અલગ છે. દેશની અગ્રણી ઓઈલ ઈન્ડસ્ટ્રી સંસ્થા ધી સોલવન્ટ એક્સટ્રેક્શન એસોસિએશન ઓફ ઈન્ડિયાના નવા સરવે મુજબ, આ વર્ષે ગુજરાતમાં મગફળીના ઉત્પાદનમાં મોટો ઘટાડો નોંધાયો છે, જેનાથી ખેડૂતોને ભારે આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.
ઉત્પાદનમાં 20.5 ટકાનો તોતિંગ ઘટાડો
SEAના આંકડાઓ દર્શાવે છે કે, વર્ષ 2026-27 માં ગુજરાતમાં મગફળીનું કુલ ઉત્પાદન 33.30 લાખ મેટ્રિક ટન રહેવાનો અંદાજ છે. ગયા વર્ષે આ ઉત્પાદન 41.88 લાખ મેટ્રિક ટન હતું. આમ, સીધો જ 8.58 લાખ મેટ્રિક ટન એટલે કે આશરે 20.5 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે.
એસી ઓફિસનો નહીં, પણ ખેતરોનો રિયલ સરવે
આ રિપોર્ટ કોઈ એરકંડિશન ઓફિસમાં બેસીને તૈયાર કરાયેલો સરકારી કાગળ નથી. SEA સંસ્થા છેલ્લા 16 વર્ષથી આ પ્રકારનો સરવે કરે છે. સંસ્થાના 20 જેટલા અનુભવી સભ્યોની ટીમે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના ગામડે-ગામડે ફરીને આ ડેટા ભેગો કર્યો છે. ટીમે ખેતરોમાં જઈને વાવેતરની સ્થિતિ તપાસી અને વરસાદની પેટર્નનો અભ્યાસ કર્યો. આ ઉપરાંત 2000 થી વધુ પ્રગતિશીલ ખેડૂતો, તેલ મિલોના માલિકો અને માર્કેટિંગ યાર્ડની હરાજીમાંથી સીધી માહિતી મેળવીને આ તારણ કાઢ્યું છે.
દાણાનો ભરાવ ઓછો અને ઉતારામાં ભારે ઘટાડો
ઉત્પાદન ઘટવા પાછળનું મુખ્ય કારણ વરસાદની અનિયમિતતા છે. વરસાદ ખેંચાવાથી જમીનમાં પૂરતો ભેજ ન રહ્યો, પરિણામે મગફળીના દાણાનો યોગ્ય ભરાવ થઈ શક્યો નથી. ગયા વર્ષે 1 કિલો મગફળીમાંથી સરેરાશ 750 ગ્રામ દાણા નીકળતા હતા, જે આ વર્ષે ઘટીને 700 ગ્રામ કરતા પણ ઓછા થઈ ગયા છે.
દેવભૂમિ દ્વારકા: ગયા વર્ષે વીઘા દીઠ 17 મણ મગફળીનો ઉતારો આવતો હતો, જે આ વર્ષે ઘટીને માત્ર 3 મણ પ્રતિ વીઘે રહી ગયો છે.
પોરબંદર: અહીં પણ ઉતારો 20 મણથી ઘટીને સાવ 7 મણ પર આવી ગયો છે.
સરકારની નીતિ સામે ખેડૂતોમાં ભારે આક્રોશ
આ વર્ષે વરસાદની ભારે વિષમતા રહી છે. એક જ જિલ્લાના કોઈ એક તાલુકામાં સારો વરસાદ પડ્યો, તો બાજુનો તાલુકો સાવ કોરોધાકોડ રહ્યો. જે ખેડૂતો પાસે સિંચાઈની સુવિધા નથી, તેમના ખેતરોમાં મગફળીનો પાક સાવ સુકાઈ ગયો છે. આમ છતાં, સરકાર વાસ્તવિકતા સ્વીકારીને આવા વિસ્તારોને અછત કે દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા તૈયાર નથી. ખેડૂતોનો સીધો આરોપ છે કે સરકાર આંખ આડા કાન કરી રહી છે, જેથી ખેડૂતોને પાક વીમો કે દુષ્કાળ રાહતની કોઈ સહાય ચૂકવવી ન પડે.