Vande Bharat: ભારતીય રેલ્વેએ 100 વંદે ભારત ટ્રેન સંબંધિત ટેન્ડર રદ કરી દીધા છે. ફ્રેન્ચ કંપની અલ્સ્ટોમ ઇન્ડિયા સાથે 30 હજાર કરોડ રૂપિયાનો કરાર થવા જઈ રહ્યો હતો, જેમાં 100 એલ્યુમિનિયમ બોડી વંદે ભારત ટ્રેનનું નિર્માણ અને મેન્યુફેક્ચરિંગ સામેલ હતું. જોકે આ ડીલ ફાઈનલ થઈ નથી. અલ્સ્ટોમ ઇન્ડિયાના એમડી ઓલિવિયર લોઈસને પોતે આ વાતની કન્ફોર્મ કરી છે. મની કંટ્રોલ સાથેની વાતચીતમાં લોઈસને કહ્યું કે ભારતીય રેલ્વેએ ઓર્ડર રદ કરી દીધો છે, પરંતુ તક આપવામાં આવે તો કંપની રેલ્વેના વિઝનને પૂર્ણ કરવા માટે મજબૂત સ્થિતિમાં હશે.
રિપોર્ટ અનુસાર, ટેન્ડર પેનલનું માનવું હતું કે દરેક ટ્રેન માટે કંપનીની રૂપિયા 150.9 કરોડની કિંમત ઘણી વધારે છે. તેને 140 કરોડ સુધી સીમિત કરવાની માંગ કરવામાં આવી હતી. પરંતુ અલ્સ્ટોમ ઈન્ડિયા આ ડીલને 145 કરોડ રૂપિયા પ્રતિ ટ્રેન સેટમાં સેટલ કરવા માંગતી હતી. ખાસ વાત એ છે કે તે રૂપિયા 30 હજાર કરોડના ટેન્ડર માટે સૌથી ઓછી બોલી લગાવનાર હતી, જેનું લક્ષ્ય તમામ 100 વંદે ભારત રેક બનાવવાનું હતું. સ્વિસ ઉત્પાદક સ્ટેડલર રેલ અને હૈદરાબાદ સ્થિત મેધા સર્વો ડ્રાઇવ્સે પ્રતિ ટ્રેન સેટ માટે રૂપિયા 170 કરોડની બોલી લગાવી હતી.
રિપોર્ટમાં એક અધિકારીના હવાલાથી કહેવામાં આવ્યું છે કે ટેન્ડરના આગામી રાઉન્ડમાં ઘણા ખેલાડીઓને આમંત્રિત કરવામાં આવશે. તેનાથી સ્પર્ધા વધશે અને ખર્ચમાં ઘટાડો થવાની અપેક્ષા રાખી શકાય છે. અધિકારીએ કહ્યું કે આ ટેન્ડર રદ થવાથી રેલવેને તેની કિંમત આંકવામાં મદદ મળશે. આ ઉપરાંત, બિડિંગ કંપનીઓને પણ તેમના પ્રોજેક્ટ્સ અને ઑફર્સને સમજવાની તક મળશે. જો કે, વર્તમાન ટેન્ડર રદ થવાથી ભારતીય રેલ્વેના પ્રયાસોને ચોક્કસપણે ફટકો પડ્યો છે. એવું માનવામાં આવે છે કે દેશભરમાં વંદે ભારત ટ્રેનોનું નેટવર્ક નાખવાની તૈયારીઓ ચાલી રહી છે. ખાસ કરીને વંદે ભારત ટ્રેન પેસેન્જરોમાં ખૂબ જ પોપ્યુલર બની છે.