ગુજરાતના ગૌરવ સિંહની ગાથા: વિશ્વ સિંહ દિવસની ઉજવણી અને સંરક્ષણની અદ્ભુત સફળતા
World Lion Day: 10મી ઓગસ્ટે વિશ્વ સિંહ દિવસ શા માટે ઉજવાય છે? આ દિવસનો ઇતિહાસ શું છે? ગુજરાતમાં સિંહોની સંખ્યા કેવી રીતે 891 સુધી પહોંચી? જાણો આ ખાસ રિપોર્ટમાં.
એક સમયે એશિયાટિક સિંહને લુપ્ત થતી પ્રજાતિઓમાં ગણવામાં આવતા હતા. પરંતુ ગુજરાતના વન વિભાગ અને સ્થાનિક લોકોના સહયોગથી થયેલા પ્રયાસોનું પરિણામ આજે આપણી સામે છે.
World Lion Day: આજે, 10મી ઓગસ્ટે સમગ્ર વિશ્વમાં વિશ્વ સિંહ દિવસ (World Lion Day) ની ઉજવણી કરવામાં આવી રહી છે. આ દિવસ સિંહના સંરક્ષણ અને તેની ઘટતી જતી વસ્તી વિશે જાગૃતિ ફેલાવવા માટે સમર્પિત છે. ખાસ કરીને આપણા ગુજરાત માટે આ દિવસ ખૂબ જ મહત્વનો છે, કારણ કે એશિયાટિક સિંહ (Asiatic Lion) માત્ર ગુજરાતના ગીર અભયારણ્યમાં જ જોવા મળે છે.
વિશ્વ સિંહ દિવસની શરૂઆત કેવી રીતે થઈ?
વર્ષ 2013માં, બિગ કેટ રેસ્ક્યુ નામની સંસ્થાએ, જે સિંહો માટે વિશ્વનું સૌથી મોટું અભયારણ્ય છે, આ દિવસની સ્થાપના કરી હતી. સંસ્થાના સહ-સ્થાપકો ડેરેક અને બેવર્લી જોબર્ટે સિંહોની ઘટતી સંખ્યા અને તેમના નિવાસસ્થાન પરના જોખમોને ઓળખ્યા. આ પછી, તેમણે નેશનલ જિયોગ્રાફિક સાથે મળીને 'બિગ કેટ ઈનિશિએટિવ' શરૂ કર્યો. વર્ષ 2013માં, આ તમામ પ્રયાસોને એક સાથે લાવીને 10મી ઓગસ્ટે વિશ્વ સિંહ દિવસની ઉજવણીની શરૂઆત થઈ.
ગુજરાતમાં સિંહ સંરક્ષણની અદ્ભુત ગાથા
એક સમયે એશિયાટિક સિંહને લુપ્ત થતી પ્રજાતિઓમાં ગણવામાં આવતા હતા. પરંતુ ગુજરાતના વન વિભાગ અને સ્થાનિક લોકોના સહયોગથી થયેલા પ્રયાસોનું પરિણામ આજે આપણી સામે છે. વર્ષ 2001માં સિંહોની સંખ્યા 327 હતી, જે ધીમે ધીમે વધીને 2011માં 411, 2015માં 523 અને 2020માં 674 થઈ.
હવે તો સિંહોની સંખ્યા નવસોની નજીક પહોંચી ગઈ છે, જે આપણા બધા માટે ગૌરવની વાત છે. વર્ષ 2025ની ગણતરી મુજબ, ગીરમાં સિંહોની સંખ્યા વધીને 891 થઈ ગઈ છે. જૂનાગઢના નવાબ રસુલ ખાને સિંહોના શિકાર પર પ્રતિબંધ મૂકીને સંરક્ષણની શરૂઆત કરી હતી, અને આજે પણ સક્કરબાગ ઝૂઓલોજિકલ પાર્ક આ કાર્યમાં મહત્વનો ભાગ ભજવી રહ્યું છે.
બરડા બન્યું બીજું ઘર
રાજ્ય સરકારના પ્રયાસોથી, હવે બરડા પંથક પણ સિંહો માટે એક નવું અને સુરક્ષિત ઘર બની રહ્યું છે. વર્ષ 2025ની ગણતરી પ્રમાણે, અહીં 17 સિંહોની હાજરી નોંધાઈ છે. આનાથી સિંહોને નવું નિવાસસ્થાન મળ્યું છે અને તેમની વસ્તી વધારવામાં પણ મદદ મળી છે.
આજે, સિંહો માત્ર ગુજરાતનું ગૌરવ નથી, પરંતુ દેશ અને વિદેશના પ્રવાસીઓ માટે પણ મુખ્ય આકર્ષણનું કેન્દ્ર છે. દર વર્ષે 10 લાખથી વધુ પ્રવાસીઓ ગીરની મુલાકાત લે છે, જે ગુજરાતના વન્યજીવ સંરક્ષણની સફળતાની સાબિતી છે.
વિશ્વ સિંહ દિવસ આપણને યાદ કરાવે છે કે પ્રકૃતિના આ રાજાનું સંરક્ષણ કરવું એ આપણી સૌની જવાબદારી છે.