iPhone Air: ભારતીય મૂળના આ ડિઝાઈનરની થઈ રહી છે ચર્ચા, જેણે ડિઝાઇન કર્યો છે 1 લાખથી વધુની કિંમતનો સૌથી પાતળો આઈફોન એર
iPhone Air: ભારતીય મૂળના ડિઝાઇનર અબિદૂર ચૌધરીએ એપલનું સૌથી પાતળું iPhone Air ડિઝાઇન કર્યું છે, જે 5.6mmની જાડાઈ અને દમદાર ફીચર્સ સાથે ચર્ચામાં છે. જાણો તેની ખાસિયતો અને ડિઝાઇનરની સફળતા વિશે.
iPhone Airની ડિઝાઇન તેની સૌથી મોટી ખાસિયત છે. આ ફોનમાં યુનિક કેમેરા મોડ્યુલ આપવામાં આવ્યું છે, જે તેને આકર્ષક લુક આપે છે.
iPhone Air: એપલે આ વર્ષે પોતાનો અત્યાર સુધીનું સૌથી પાતળો iPhone Air લોન્ચ કર્યો છે, જેની જાડાઈ માત્ર 5.6mm છે. આ ફોનની ડિઝાઇનનો શ્રેય ભારતીય મૂળના ડિઝાઇનર અબિદૂર ચૌધરીને જાય છે, જેમનું નામ હાલ ટેક દુનિયામાં ખૂબ ચર્ચામાં છે. આ ફોનની શરૂઆતી કિંમત 1,19,900 રૂપિયા છે, અને તેમાં Pro મોડલની જેમ ઘણાં પાવરફૂલ ફીચર્સ આપવામાં આવ્યાં છે. સોશિયલ મીડિયા પર યુઝર્સ આ ફોનની સ્લિમ ડિઝાઇન અને ઇનોવેશનની પ્રશંસા કરી રહ્યા છે.
કોણ છે અબિદૂર ચૌધરી?
અબિદૂર ચૌધરીનો જન્મ લંડનમાં થયો હતો, પરંતુ તેમનું મૂળ ભારતીય છે. હાલ તેઓ અમેરિકાના સેન ફ્રાન્સિસ્કોમાં રહે છે અને એપલમાં ઇન્ડસ્ટ્રિયલ ડિઝાઇનર તરીકે કામ કરે છે. તેમણે લફબોરો યુનિવર્સિટીમાંથી પ્રોડક્ટ ડિઝાઇનમાં બેચલર ઓફ ડિઝાઇનની ડિગ્રી મેળવી છે. અભ્યાસ દરમિયાન તેમણે 3D હબ્સ સ્ટુડન્ટ્સ ગ્રાન્ડ અને કેનવુડ એપ્લાયન્સિસ એવોર્ડ જેવા પ્રતિષ્ઠિત એવોર્ડ જીત્યા હતા. વર્ષ 2016માં તેમને રેડ ડોટ ડિઝાઇન એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા.
2018થી 2019 સુધી અબિદૂરે પોતાની કન્સલ્ટન્સી ‘અબિદૂર ચૌધરી ડિઝાઇન’ ચલાવી, જ્યાં તેમણે ઘણી એજન્સીઓ અને સ્ટાર્ટઅપ્સ સાથે મળીને ઇનોવેટિવ પ્રોડક્ટ્સ ડિઝાઇન કર્યા. જાન્યુઆરી 2019માં તેઓ એપલ સાથે જોડાયા અને ત્યારથી તેમણે ઘણાં આઇકોનિક પ્રોડક્ટ્સ ડિઝાઇન કર્યા છે, જેમાં iPhone Airનો પણ સમાવેશ થાય છે.
iPhone Airની ખાસ ડિઝાઇન
iPhone Airની ડિઝાઇન તેની સૌથી મોટી ખાસિયત છે. આ ફોનમાં યુનિક કેમેરા મોડ્યુલ આપવામાં આવ્યું છે, જે તેને આકર્ષક લુક આપે છે. આ ઉપરાંત ફોનમાં ફિઝિકલ સિમ કાર્ડની જગ્યાએ માત્ર eSIMનો સપોર્ટ આપવામાં આવ્યો છે. એપલે આ ફોનમાં હાઇ કેપેસિટી બેટરીને ખૂબ જ ઓછી જગ્યામાં ફિટ કરી છે, જે આ ફોનને ટેક્નોલોજીની દૃષ્ટિએ ખાસ બનાવે છે. આ ફોનની સ્લિમ ડિઝાઇન અને પાવરફુલ ફીચર્સે વૈશ્વિક સ્તરે યુઝર્સનું ધ્યાન ખેંચ્યું છે.
અબિદૂરની પ્રેરણા
અબિદૂર ચૌધરીના લિંક્ડઇન પ્રોફાઇલ મુજબ, તેઓ સમસ્યાઓ ઉકેલવા અને નવું શીખવામાં રસ ધરાવે છે. તેમનું લક્ષ્ય એવા પ્રોડક્ટ્સ બનાવવાનું છે જે લોકોના જીવનનો અભિન્ન ભાગ બને. iPhone Airની ડિઝાઇન તેમની આ ફિલોસોફીનું જીવંત ઉદાહરણ છે. આ ફોનની લોન્ચિંગ સાથે અબિદૂર ચૌધરીએ ભારતીય પ્રતિભાને વૈશ્વિક સ્તરે ઉજાગર કર્યું છે, અને તેમનું કામ ટેક દુનિયામાં નવો બેન્ચમાર્ક સ્થાપિત કરી રહ્યું છે.