VANDE BHARAT: દેશવાસીઓને બીજી વંદે ભારત ટ્રેનની ભેટ મળવાની છે, જે સૌથી ઝડપી સેમી-હાઈ સ્પીડ ટ્રેન છે. આ નવી વંદે ભારત ટ્રેન મુંબઈથી ગોવા વચ્ચે દોડશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 3 જૂન, 2023ના રોજ વર્ચ્યુઅલ રીતે લીલી ઝંડી બતાવશે. મુંબઈથી દોડનારી આ ભારતની ચોથી અને 19મી વંદે ભારત ટ્રેન હશે. પીએમ મોદી મડગાંવ રેલવે સ્ટેશનથી આ ટ્રેનનું વર્ચ્યુઅલ રીતે ઉદ્ઘાટન કરશે.
આ કાર્યક્રમમાં રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ પણ હાજર રહેશે
મુંબઈથી ગોવા વચ્ચે ચાલતી વંદે ભારત ટ્રેનમાં 16ને બદલે 8 કોચ હશે. હાલમાં વંદે ભારત મુંબઈથી સાઈનગર શિરડી, સીએસએમટીથી સોલાપુર, મુંબઈ સેન્ટ્રલથી અમદાવાદ વચ્ચે ચાલી રહ્યું છે. મુંબઈથી દોડનારી આ ચોથી વંદે ભારત ટ્રેન હશે. બીજી તરફ જો ભાડાની વાત કરીએ તો મુંબઈ અને મડગાંવ વચ્ચે ચેર કાર કોચનું ભાડું 1745 રૂપિયા અને એક્ઝિક્યુટિવ ચેર કારનું ભાડું 3290 રૂપિયા રાખવામાં આવ્યું છે. આ ટ્રેનમાં ભોજન અને નાસ્તો પણ આપવામાં આવશે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ ટ્રેન સાત સ્ટેશનો પર ઉભી રહેશે. જેમાં દાદર, થાણે, પનવેલ, ખેડ, રત્નાગીરી, કનકવલી અને થિવીમ જેવા સ્ટેશનોના નામ સામેલ છે. ટ્રાયલ દરમિયાન, સીએસએમટી અને મડગાંવ વચ્ચેની મુસાફરી માત્ર સાત કલાકમાં પૂર્ણ થઈ હતી.