વિશ્વની અગ્રણી લક્ઝરી અને ડિફેન્સ ઇન્જિનિયરિંગ કંપની રોલ્સ-રોયસ ભારતમાં પોતાનો નવો અધ્યાય શરૂ કરવા જઈ રહી છે.
Rolls-Royce India: વિશ્વની અગ્રણી લક્ઝરી અને ડિફેન્સ ઇન્જિનિયરિંગ કંપની રોલ્સ-રોયસ ભારતમાં પોતાનો નવો અધ્યાય શરૂ કરવા જઈ રહી છે. કંપનીના CEO તુફાન એર્ગિનબિલજિકે બુધવારે જણાવ્યું કે, રોલ્સ-રોયસ ભારતને પોતાનું હોમ માર્કેટ બનાવવા ઈચ્છે છે. આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ભારત અને યુકે નેક્સ્ટ જનરેશન ફાઇટર જેટ ઇન્જિનના કો-ડેવલપમેન્ટ માટે ગંભીર ચર્ચા કરી રહ્યા છે.
ભારત-યુકે સંબંધોને નવી ઉંચાઈ
રોલ્સ-રોયસના CEO તુફાન એર્ગિનબિલજિક હાલ બ્રિટિશ વડાપ્રધાન કીર સ્ટાર્મર સાથે ભારતની મુલાકાતે છે. મુંબઈમાં એક કાર્યક્રમ દરમિયાન તેમણે કહ્યું, “અમારી ઈચ્છા છે કે ભારત રોલ્સ-રોયસનું ઘર બને. અમે અહીં નવી ક્ષમતાઓ વિકસાવવા અને અમારી મજબૂત પાર્ટનરશિપને આગળ વધારવા માગીએ છીએ.” તેમણે ઉમેર્યું કે, રોલ્સ-રોયસની ટેક્નોલોજી ભારતના ‘વિકસિત ભારત’ના સપનાને ઝડપથી આગળ લઈ જશે.
ફાઇટર જેટ ઇન્જિનનું કો-ડેવલપમેન્ટ
ભારત સરકાર નેક્સ્ટ જનરેશન ફાઇટર જેટ ઇન્જિનના વિકાસ માટે યુકે સાથે કરારની તૈયારી કરી રહી છે. જો આ ડીલ થશે, તો રોલ્સ-રોયસ કોઈ ભારતીય કંપની સાથે મળીને આ ઇન્જિનનું નિર્માણ કરશે. રોલ્સ-રોયસ એ થોડીક કંપનીઓમાંની એક છે જે ફાઇટર જેટ ઇન્જિન બનાવે છે, જે ભારતની ડિફેન્સ આત્મનિર્ભરતાને મોટો ટેકો આપી શકે છે.
ભારતમાં રોલ્સ-રોયસનું ગ્લોબલ હબ
રોલ્સ-રોયસે તાજેતરમાં ભારતમાં પોતાનું ગ્લોબલ કેપેબિલિટી એન્ડ ઇનોવેશન સેન્ટર વિસ્તાર્યું છે. આ સેન્ટર ડિજિટલ, ઇન્જિનિયરિંગ અને એન્ટરપ્રાઇઝ સર્વિસિસ જેવી સુવિધાઓ પૂરી પાડે છે. કંપનીનું માનવું છે કે આ સેન્ટર ભવિષ્યમાં તેનું સૌથી મોટું ગ્લોબલ હબ બનશે, જે સિવિલ એવિએશન, ડિફેન્સ અને પાવર સિસ્ટમ્સને સપોર્ટ કરશે. કંપનીએ જણાવ્યું કે, 2030 સુધીમાં તે ભારતમાંથી પોતાની સપ્લાય ચેઈન સોર્સિંગને બમણી કરવાનું લક્ષ્ય રાખે છે. આ ઉપરાંત, લોકલ ટેલેન્ટ ડેવલપમેન્ટ અને સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ દ્વારા ભારતમાં મેન્યુફેક્ચરિંગ ક્ષમતાઓ વધારવામાં આવી રહી છે.
બ્રિટિશ PMનું નિવેદન
બ્રિટિશ વડાપ્રધાન કીર સ્ટાર્મરે રોલ્સ-રોયસને બ્રિટિશ એક્સેલન્સનું પ્રતીક ગણાવ્યું. તેમણે કહ્યું, “રોલ્સ-રોયસનો ભારતમાં વિસ્તાર બંને દેશોના આર્થિક અને ટેકનિકલ સંબંધોને નવી ઊંચાઈ આપશે. આ ભારત અને યુકેના રોજગાર અને વિકાસ માટે નવી તકો ઊભી કરશે.”
9 દાયકાની વિરાસત, હવે નવો દોર
રોલ્સ-રોયસે જણાવ્યું કે તે ગત 90 વર્ષથી ભારતમાં કાર્યરત છે અને હવે નવા દોરની શરૂઆત કરી રહી છે. કંપની સિવિલ એવિએશન, ડિફેન્સ અને એનર્જી સેક્ટરમાં પોતાની હાજરીને વધુ મજબૂત કરી રહી છે. આગામી વર્ષોમાં રોલ્સ-રોયસનું લક્ષ્ય ભારતને પાવર, સુરક્ષા અને બહેતર કનેક્ટિવિટી પ્રોવાઇડ કરવાનું છે.