અમેરિકી રાષ્ટ્રપતિએ એ વાતની સ્પષ્ટતા કરી ન હતી કે તેઓ 2 એપ્રિલે જ ટેરિફની જાહેરાત કરશે કે તે તે જ દિવસે અમલમાં આવશે.
યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ એપ્રિલની શરૂઆતમાં ઇમ્પોર્ટ કાર પર ટેરિફની જાહેરાત કરશે, જે દક્ષિણ કોરિયાના ઓટોમોટિવ ઉદ્યોગ માટે મોટો ફટકો હોઈ શકે છે. યુએસ રાષ્ટ્રપતિ 2 એપ્રિલના રોજ ઓટો ટેરિફની જાહેરાત કરવા જઈ રહ્યા છે. ટ્રમ્પ યુ.એસ. વેપાર ખાધ ઘટાડવા, લોકલ પ્રોડક્શનને વેગ આપવા અને અનઓથોરાઇઝ્ડ ઇમિગ્રન્ટ્સ અને દવાઓના પ્રવાહને રોકવા સહિતના અન્ય નીતિગત લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે ટેરિફનો મુખ્ય સાધન તરીકે ઉપયોગ કરી રહ્યા છે.
ટ્રમ્પની ટેરિફ-આધારિત પોલીસી વચ્ચે, એશિયાની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા તેમના વહીવટનું લક્ષ્ય બની શકે છે તેવી આશંકા વધી રહી છે. એક એજન્સીના અહેવાલ મુજબ, આનું કારણ એ છે કે ગયા વર્ષે દક્ષિણ કોરિયાનો યુનાઇટેડ સ્ટેટ્સ સાથેનો વેપાર સરપ્લસ $55.7 બિલિયન સુધી પહોંચી ગયો હતો.
અમેરિકી રાષ્ટ્રપતિએ એ વાતની સ્પષ્ટતા કરી ન હતી કે તેઓ 2 એપ્રિલે જ ટેરિફની જાહેરાત કરશે કે તે તે જ દિવસે અમલમાં આવશે. દક્ષિણ કોરિયા માટે અમેરિકા એક ટોચનું ઓટો એક્સપોર્ટ બજાર છે. ગયા વર્ષે દક્ષિણ કોરિયાની કુલ કાર નિકાસમાંથી, યુએસમાં નિકાસ $34.7 બિલિયન અથવા 49.1 ટકા હતી.
દ્વિપક્ષીય મુક્ત વેપાર કરાર હેઠળ 2016થી કોરિયન કારો પર કોઈ યુએસ ટેરિફ નથી. ઓટો ટેરિફની જાહેરાત એવા સમયે કરવામાં આવી રહી છે જ્યારે ટ્રમ્પ વહીવટીતંત્ર યુએસ આયાત પર 'પારસ્પરિક' ટેરિફ લાદવા માટે દબાણ કરી રહ્યું છે જે અન્ય દેશો દ્વારા અમેરિકન માલ પર લાદવામાં આવેલા ટેરિફ સાથે મેળ ખાય.
તેમણે 12 માર્ચથી સ્ટીલ અને એલ્યુમિનિયમની આયાત પર 25 ટકા ટેરિફ લાદવાની યોજના જાહેર કરી દીધી છે, જ્યારે ચિપ્સ અને ફાર્માસ્યુટિકલ્સ પર નવા ટેરિફ લાદવાની વિચારણા ચાલી રહી છે. દક્ષિણ કોરિયાના અધિકારીઓ ટ્રમ્પની ટેરિફ જાહેરાતો પર નજીકથી નજર રાખી રહ્યા છે કારણ કે તેમને ચિંતા છે કે ડિસેમ્બરની શરૂઆતમાં રાષ્ટ્રપતિ યૂન સુક-યોલ દ્વારા માર્શલ લો લાદવાના પ્રયાસને કારણે સિઓલમાં રાજકીય અનિશ્ચિતતા વચ્ચે વોશિંગ્ટન સાથે નીતિગત સંકલન પહેલા કરતાં ધીમું થઈ શકે છે.
દક્ષિણ કોરિયાના વિદેશ પ્રધાન ચો તાઈ-યુલે કહ્યું છે કે તેઓ જર્મનીના મ્યુનિકમાં આંતરરાષ્ટ્રીય સુરક્ષા મંચ દરમિયાન યુએસ વિદેશ પ્રધાન માર્કો રુબિયો સાથે ટેરિફ મુદ્દા પર ચર્ચા કરવાની યોજના ધરાવે છે. ટ્રમ્પે પહેલાથી જ અમેરિકામાં આવતા તમામ ચીની માલ પર 10 ટકા ટેરિફ લાદી દીધો છે, જ્યારે કેનેડા અને મેક્સિકો બંને દેશોએ અમેરિકા સાથેની તેમની સરહદો પર ડ્રગ હેરફેરને રોકવા માટે પ્રયાસો વધારવા સંમતિ દર્શાવ્યા બાદ તેમણે અસ્થાયી રૂપે કેનેડા અને મેક્સિકો પર 25 ટકા ટેરિફ રોકી દીધો છે.