Texas Sharia law Ban: અમેરિકાના ટેક્સાસમાં શરિયા કાયદા પર પ્રતિબંધ, મુસ્લિમ સંગઠનોમાં ખળભળાટ
Texas Sharia law Ban: ટેક્સાસે શરિયા કાયદા પર પ્રતિબંધ મૂક્યો, ગવર્નર ગ્રેગ એબોટના નિવેદનથી મુસ્લિમ સંગઠનોમાં ખળભળાટ. જાણો આ નિર્ણયની વિગતો અને તેની અસરો વિશે.
રિપબ્લિકન પાર્ટીના નેતા ગવર્નર એબોટ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નજીકના સમર્થક માનવામાં આવે છે.
Texas Sharia law Ban: અમેરિકાના ટેક્સાસ રાજ્યએ શરિયા કાયદા પર પ્રતિબંધ લગાવ્યો છે, જેના કારણે મુસ્લિમ સંગઠનોમાં નારાજગી જોવા મળી રહી છે. રાજ્યના ગવર્નર ગ્રેગ એબોટે સ્પષ્ટ જણાવ્યું છે કે ટેક્સાસમાં ઇસ્લામિક શરિયા કાયદાને લાગુ કરવાની કોઈપણ કોશિશને સહન કરવામાં નહીં આવે. તેમણે રાજ્યના નાગરિકોને અપીલ કરી છે કે જો કોઈ વ્યક્તિ કે સંગઠન શરિયા કાયદો લાદવાનો પ્રયાસ કરે, તો તેની જાણ તાત્કાલિક સ્થાનિક પોલીસ અથવા ટેક્સાસ ડિપાર્ટમેન્ટ ઓફ પબ્લિક સેફ્ટીને કરવી.
આ નિર્ણય હ્યુસ્ટનમાં વાયરલ થયેલા એક વિડિયો બાદ લેવાયો, જેમાં એક મુસ્લિમ મૌલવી લાઉડસ્પીકર દ્વારા દુકાનદારોને દારૂ, સૂઅરનું માંસ અને લોટરી ટિકિટ ન વેચવાની અપીલ કરતા જોવા મળ્યા હતા. ગવર્નર એબોટે આ ઘટનાને "ઉત્પીડન" ગણાવ્યું અને કહ્યું કે ટેક્સાસ ધાર્મિક કાયદાઓને જાહેર જીવન પર થોપવાની કોઈપણ કોશિશને બરદાશ્ત નહીં કરે. તેમણે ઉમેર્યું, "મેં એવા કાયદાઓ પર હસ્તાક્ષર કર્યા છે જે ટેક્સાસમાં શરિયા કાયદો અને શરિયા કમ્પાઉન્ડને પ્રતિબંધિત કરે છે. કોઈપણ વ્યવસાય કે વ્યક્તિએ આવા લોકોથી ડરવાની જરૂર નથી."
ટેક્સાસમાં શરિયા કાયદાની સ્થિતિ
ટેક્સાસમાં કોઈ સત્તાવાર "શરિયા પ્રતિબંધ કાયદો" નથી, પરંતુ 2017માં પસાર થયેલું 'American Laws for American Courts' બિલ એ સુનિશ્ચિત કરે છે કે અમેરિકન કોર્ટ્સ કોઈપણ વિદેશી કે ધાર્મિક કાયદાને લાગુ નહીં કરે, જો તે અમેરિકન કાયદા સાથે ટકરાય. આમાં શરિયા કાયદો પણ સામેલ છે.
મુસ્લિમ સંગઠનોનો વિરોધ
Council on American-Islamic Relations (CAIR) જેવા મુસ્લિમ અધિકાર સંગઠનોએ ગવર્નર એબોટના નિવેદનને ભ્રામક ગણાવ્યું છે. તેમનું કહેવું છે કે શરિયા કાયદો ફક્ત વ્યક્તિગત ધાર્મિક આચરણ સાથે સંબંધિત છે, નાગરિક કાયદા સાથે નહીં. આ વર્ષની શરૂઆતમાં એબોટે ઇસ્ટ પ્લાનો ઇસ્લામિક સેન્ટર (EPIC) દ્વારા પ્રસ્તાવિત 400 એકરના રેસિડેન્શિયલ અને કોમર્શિયલ પ્રોજેક્ટનો વિરોધ કર્યો હતો, જેમાં ઘર, શાળા, મસ્જિદ અને અન્ય વ્યાપારી સુવિધાઓનો સમાવેશ હતો. એબોટે આરોપ લગાવ્યો હતો કે આ પ્રોજેક્ટ "શરિયા ઝોન" બની શકે છે, અને તેની તપાસ માટે રાજ્યની એજન્સીઓને આદેશ આપ્યા હતા.
ગવર્નર એબોટની રાજકીય ઓળખ
રિપબ્લિકન પાર્ટીના નેતા ગવર્નર એબોટ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નજીકના સમર્થક માનવામાં આવે છે. તેઓ ઇમિગ્રેશન, ધર્મ અને સાંસ્કૃતિક મુદ્દાઓ પર સખત વલણ માટે જાણીતા છે. આલોચકોનું માનવું છે કે એબોટે શરિયા કાયદાના ખતરાને વધારે ચડાવીને રજૂ કર્યો છે, જેનાથી ધાર્મિક ભેદભાવ અને પ્રોફાઇલિંગને પ્રોત્સાહન મળી શકે છે.