US China Trade War : ચીને ઘણા અમેરિકન પ્રોડક્ટ્સ પર 10થી 15 ટકા વધારાના ટેરિફ લાદવાની જાહેરાત કરી છે. આ ટેરિફ 10 માર્ચથી અમલમાં આવશે. આ જાહેરાત ચીનના નાણાં મંત્રાલય દ્વારા કરવામાં આવી છે. આ ટેરિફ ચિકન, ઘઉં, મકાઈ અને કપાસ સહિત મુખ્ય US એક્સપોર્ટ પર લાગુ થશે. આ નિર્ણયથી વિશ્વની બે સૌથી મોટી અર્થવ્યવસ્થાઓ વચ્ચે ચાલી રહેલા વેપાર યુદ્ધમાં વધુ વધારો થશે. ચીનનો આ નિર્ણય અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ચીની પ્રોડક્ટ્સની ઇમ્પોર્ટ પર ડ્યુટી વધારીને 20 ટકા કરવાના આદેશ બાદ આવ્યો છે. ચીનના નાણા મંત્રાલયે જણાવ્યું હતું કે અમેરિકામાંથી આવતા ચિકન, ઘઉં, મકાઈ અને કપાસની ઇમ્પોર્ટ પર 15 ટકાનો વધારાનો ટેરિફ લાદવામાં આવશે. જુવાર, સોયાબીન, ડુક્કરનું માંસ, બીફ, સીફૂડ, ફળો, શાકભાજી અને ડેરી પ્રોડક્ટ્સ પરના ટેરિફમાં 10 ટકાનો વધારો કરવામાં આવશે.