US-Venezuela tension: અમેરિકા અને વેનેઝુએલા વચ્ચે વધતો તણાવ! અમેરિકાએ કેરેબિયન સમુદ્રમાં યુદ્ધ જહાજો અને પરમાણુ સબમરીન તહેનાત કરતાં વેનેઝુએલાના રાષ્ટ્રપ્રમુખ નિકોલસ માદુરોએ જનતાને હથિયાર ઉઠાવવા અપીલ કરી. જાણો શું છે સમગ્ર મામલો.
અમેરિકા લાંબા સમયથી માદુરો પર ડ્રગ તસ્કરીના આરોપ લગાવે છે. 2020માં ન્યૂયોર્કની અદાલતમાં માદુરો વિરુદ્ધ કોકેઈન તસ્કરીનું કાવતરું રચવાનો કેસ દાખલ થયો હતો.
US-Venezuela tension: અમેરિકા અને વેનેઝુએલા વચ્ચેનો તણાવ નવી ઊંચાઈએ પહોંચ્યો છે. અમેરિકાએ કેરેબિયન સમુદ્રમાં 8 યુદ્ધ જહાજો, એક પરમાણુ સબમરીન અને પ્યુર્ટો રિકોમાં 2000 મરીન સૈનિકો સાથે F-35 ફાઈટર જેટ તહેનાત કર્યા છે. અમેરિકાનું કહેવું છે કે આ ડિપ્લોયમેન્ટ એન્ટિ-ડ્રગ ઓપરેશનનો ભાગ છે, જેમાં 3 સ્પીડબોટનો નાશ કરાયો અને ડઝનબંધ ડ્રગ તસ્કરો માર્યા ગયા. પરંતુ વેનેઝુએલાના રાષ્ટ્રપ્રમુખ નિકોલસ માદુરોએ આને "અઘોષિત યુદ્ધ" ગણાવી, દેશની જનતાને હથિયાર ઉઠાવવા અને યુદ્ધ માટે તૈયાર રહેવા હાકલ કરી છે.
વેનેઝુએલામાં સૈન્ય તાલીમનો પ્રારંભ
માદુરોએ રાજધાની કરાકાસના પેટારે વિસ્તારમાં મુખ્ય રસ્તો બંધ કરી હજારો નાગરિકોને હથિયાર ચલાવવા, પ્રાથમિક સારવાર અને લશ્કરી તાલીમ આપવાનું શરૂ કર્યું છે. ગ્રામીણ વિસ્તારોમાં પણ જનસભાઓ યોજીને તેમણે લોકોને દેશની રક્ષા માટે તૈયાર રહેવા જણાવ્યું. તેમણે ચેતવણી આપી કે, "જો અમેરિકા હુમલો કરશે, તો લાખો લોકો હથિયાર ઉઠાવશે." માદુરોએ અમેરિકા પર વેનેઝુએલાના તેલ, સોના અને હીરાના ભંડાર પર કબજો કરવાનો આરોપ લગાવ્યો છે.
અમેરિકાનો ડ્રગ તસ્કરીનો આરોપ
અમેરિકા લાંબા સમયથી માદુરો પર ડ્રગ તસ્કરીના આરોપ લગાવે છે. 2020માં ન્યૂયોર્કની અદાલતમાં માદુરો વિરુદ્ધ કોકેઈન તસ્કરીનું કાવતરું રચવાનો કેસ દાખલ થયો હતો. હાલમાં તેમની ધરપકડ માટે ઇનામની રકમ વધારીને 50 મિલિયન ડોલર કરવામાં આવી છે. વેનેઝુએલાના સંરક્ષણ મંત્રી વ્લાદિમિર પાદ્રિનો લોપેઝે અમેરિકા પર "અઘોષિત યુદ્ધ" છેડવાનો આક્ષેપ કર્યો અને કહ્યું કે, "જનતા અને સેના મળીને દેશનું રક્ષણ કરશે."
ટ્રમ્પની ધમકી અને ડિપોર્ટેશન
અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વેનેઝુએલાને ચેતવણી આપી હતી કે, જો ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા લેવાનો ઇનકાર કરશે તો ગંભીર પરિણામો ભોગવવા પડશે. તાજેતરમાં 185 વેનેઝુએલાના નાગરિકોને લઈને એક અમેરિકન વિમાન કરાકાસ પહોંચ્યું. જાન્યુઆરી 2025થી અત્યાર સુધીમાં 13000 પ્રવાસીઓને અમેરિકાથી ડિપોર્ટ કરાયા છે.
માદુરોનું યુટ્યુબ એકાઉન્ટ બંધ
તણાવ વચ્ચે માદુરોનું સત્તાવાર યુટ્યુબ એકાઉન્ટ, જેના 2 લાખથી વધુ ફોલોઅર્સ હતા, અચાનક બંધ થઈ ગયું છે. આ ઘટનાએ પણ તણાવને વધુ ઉગ્ર બનાવ્યો છે.
અમેરિકા અને વેનેઝુએલા વચ્ચેનો આ તણાવ રાજકીય, આર્થિક અને સૈન્ય દૃષ્ટિએ ગંભીર પરિણામો લાવી શકે છે. બંને દેશોની આક્રમક નીતિઓ અને આરોપ-પ્રત્યારોપ વૈશ્વિક શાંતિ માટે ચિંતાનો વિષય બની રહ્યા છે. આગામી દિવસોમાં સ્થિતિ કેવો વળાંક લે છે, તેના પર સૌની નજર રહેશે.