ચીને ફરી એકવાર તાઈવાનને અડીને આવેલા દક્ષિણ ફુજિયન પ્રાંતના દરિયાકાંઠે સૈન્ય અભ્યાસ હાથ ધર્યો છે. ચીને આ સૈન્ય અભ્યાસમાં દારૂગોળાનો ઉપયોગ કર્યો છે. ચીને તેને તાઈવાનના રાષ્ટ્રપતિ દ્વારા તેના (ચીનના) સાર્વભૌમત્વના દાવાને નકારવા બદલ શિક્ષાત્મક કવાયત ગણાવી છે. ચીને એક અઠવાડિયા પહેલા જ તાઈવાન સામે મોટા પાયે હવાઈ અને દરિયાઈ કવાયત હાથ ધરી હતી.
મેરીટાઇમ સિક્યોરિટી એડમિનિસ્ટ્રેશન દ્વારા જારી કરવામાં આવેલી નોટિસ અનુસાર, ચીન દ્વારા આ સૈન્ય અભ્યાસ ફુજિયન પ્રાંતના પિંગટન ટાપુ પાસે સવારે 9 થી બપોરે 1 વાગ્યા સુધી કરવામાં આવ્યો હતો. નોટિસમાં જહાજોને આ વિસ્તારની નજીક ન આવવાની ચેતવણી આપવામાં આવી હતી. જો કે, તેણે વધારાની વિગતવાર માહિતી આપી નથી.
તાઈવાનના સંરક્ષણ મંત્રાલયે કહ્યું કે ચીન દ્વારા કરવામાં આવેલ આ સૈન્ય અભ્યાસ વાર્ષિક કવાયતનો ભાગ છે અને તે તેના પર નજર રાખી રહ્યું છે. મંત્રાલયે કહ્યું કે એ વાતને નકારી શકાય નહીં કે ચીનની આ કાર્યવાહીથી તાઈવાન સ્ટ્રેટમાં તણાવ વધી રહ્યો છે અને આ ક્ષેત્રમાં મુક્ત હિલચાલના સંદર્ભમાં તેની ધમકીભરી કાર્યવાહીનો વિસ્તાર કરવાનો એક માર્ગ છે.
તાઇવાન એક સ્વ-શાસિત ટાપુ છે અને ચીન તેના પ્રદેશ તરીકે તેનો દાવો કરે છે. તાજેતરના વર્ષોમાં આ મુદ્દે તણાવ વધ્યો છે. ચીને તાઈવાનની આસપાસના દરિયાઈ અને એરસ્પેસમાં પોતાની હાજરી વધારી છે. હવે તે તાઇવાન નજીક સૈન્ય અભ્યાસ માટે મોટી સંખ્યામાં યુદ્ધ વિમાનો અને નૌકાદળના જહાજો મોકલી રહ્યું છે અને તેના કોસ્ટ ગાર્ડ સતત પેટ્રોલિંગ કરે છે. ગયા અઠવાડિયે, ચીને "મુખ્ય બંદરો અને મુખ્ય વિસ્તારોને ઘેરી લેવા" માટે એક દિવસીય લશ્કરી કવાયત યોજી હતી. આ સમયગાળા દરમિયાન, તાઈવાને એક દિવસમાં રેકોર્ડ 153 એરક્રાફ્ટ, 14 નેવલ શિપ અને 12 ચીની સરકારી જહાજો રેકોર્ડ કર્યા હતા.