ગુજરાતમાં પૂરના પાણી ઓસર્યા, પરિસ્થિતિ સુધરી રહી છે, કચ્છમાં ભારે વરસાદની ચેતવણી વચ્ચે CM ભૂપેન્દ્ર પટેલે યોજી બેઠક
ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં પૂરના પાણી ઓસરવાના કારણે સ્થિતિમાં સુધારો થઈ રહ્યો છે. જો કે કચ્છમાં ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે. આવી સ્થિતિમાં સીએમ ભૂપેન્દ્ર પટેલે અધિકારીઓ સાથે બેઠક કરી જરૂરી કાર્યવાહી કરવા સૂચના આપી હતી.
કચ્છ જિલ્લામાં ભારે વરસાદ અને સંભવિત વાવાઝોડાની આગાહી બાદ CM ભૂપેન્દ્ર પટેલ વડોદરાથી ગાંધીનગર સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર પહોંચ્યા હતા.
ગુજરાતમાં પૂરના પાણી ધીમે ધીમે ઓછુ થઈ રહ્યા છે અને સ્થિતિમાં સુધારો થઈ રહ્યો છે. જોકે, શુક્રવારે (30 ઓગસ્ટ) કચ્છ અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે. આવી સ્થિતિમાં ગુજરાતની જનતા અને વહીવટીતંત્ર સામેના પડકારો ઓછા થયા નથી. પૂરના પાણી ઓસર્યા પછી, રોગો ઝડપથી ફેલાય છે. તેમને રોકવા માટે વહીવટીતંત્રે સતત કામ કરવું પડશે. લોકોએ પણ સાવધાન રહેવું પડશે. આ સિવાય જે લોકોના ઘર પૂરમાં ડૂબી ગયા હતા. તેમને વળતર અને રાશન આપવું પણ એક મોટો પડકાર હશે. સરકાર દ્વારા બીમારીઓથી બચવા અને લોકોને સુરક્ષિત સ્થળોએ લઈ જવા માટે પગલાં લેવા સૂચના આપવામાં આવી છે.
કચ્છ જિલ્લામાં ભારે વરસાદ અને સંભવિત વાવાઝોડાની આગાહી બાદ CM ભૂપેન્દ્ર પટેલ વડોદરાથી ગાંધીનગર સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર પહોંચ્યા હતા. તેમણે જિલ્લા કલેક્ટર સાથે વીડિયો કોન્ફરન્સ દ્વારા આ કુદરતી આફત સામેની તૈયારીઓની સમીક્ષા કરી હતી. મુખ્યમંત્રીએ લોકોને આ આફતમાંથી બચાવવા માટે જ્યાં જરૂર જણાય ત્યાં તાત્કાલિક અસરથી સ્થળાંતર કરવાની સૂચના આપી છે. આ બેઠકમાં મુખ્ય સચિવ રાજકુમાર અને વરિષ્ઠ સચિવોએ પણ હાજરી આપી હતી.
આર્મીના જવાનો બન્યા દેવદૂત
રાજ્યમાં પૂર વચ્ચે પાણીમાં ફસાયેલા લોકોનો જીવ બચાવી રહ્યા છે. એરફોર્સ પણ આ કામમાં લાગેલી છે. ગોલ્ડન કટર ડિવિઝનની પૂર રાહત ટુકડીએ દ્વારકાના ખંભાળિયામાંથી ફસાયેલા 150 લોકોને બચાવ્યા. સીએમ ભૂપેન્દ્ર પટેલે ભારતીય સેનાની ટીમ સાથે વાતચીત કરી અને ભારે વરસાદ છતાં તેમના ઝડપી પ્રતિસાદની પ્રશંસા કરી.
ગુજરાતના વડોદરામાં ભારે વરસાદને કારણે વિશ્વામિત્રી નદી ઓવરફ્લો થવાને કારણે ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા, પરંતુ હવે શહેરના મોટાભાગના વિસ્તારોમાંથી પાણીનું સ્તર ઘટી રહ્યું છે અને લોકો સરળતાથી અવરજવર કરી શકે છે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન (VMC) એ એક રિલીઝમાં જણાવ્યું છે કે શહેરમાંથી વહેતી વિશ્વામિત્રી નદી તેના સૌથી ઊંચા સ્તરે 37 ફૂટ (જે ખતરાના નિશાનથી 12 ફૂટ ઉપર છે) પર વહી રહી છે, પરંતુ હવે તે 31 ફૂટ પર વહી રહી છે. ગુજરાતના ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ વર્તમાન પરિસ્થિતિ અને ચાલુ રાહત કામગીરીની સમીક્ષા કરવા શહેરની મુલાકાત લીધી હતી, કારણ કે કેટલાક વિસ્તારોમાં હજુ પણ પાણી ભરાયેલા છે અને વીજ પુરવઠો ખોરવાયો છે.
પૂરને કારણે 26ના મોત
અધિકારીઓએ જણાવ્યું હતું કે ગુજરાતમાં છેલ્લા ચાર દિવસમાં વરસાદ સંબંધિત ઘટનાઓમાં 26 લોકોના મોત થયા છે જ્યારે રાજ્યના ઘણા ભાગોમાં ભારે વરસાદ વચ્ચે પૂરગ્રસ્ત વિસ્તારોમાંથી લગભગ 17,800 લોકોને સ્થળાંતર કરવામાં આવ્યા છે. ભારે વરસાદ અને આજવા ડેમમાંથી પાણી છોડવાને કારણે મંગળવારે સવારે વિશ્વામિત્રી નદી ખતરાના નિશાન (25 ફૂટ)ને પાર કરી ગઈ હતી. આ નદીનું જળસ્તર 37 ફૂટના આંકને સ્પર્શી ગયું હતું અને નદીના પટમાં ભંગાણના કારણે શહેરના અનેક વિસ્તારો પાણીમાં ડૂબી ગયા હતા. પત્રકારો સાથે વાત કરતા સંઘવીએ જણાવ્યું હતું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પરિસ્થિતિનો તાગ મેળવવા માટે સાંજે શહેરની મુલાકાત લેશે.
વીજળી પુનઃસ્થાપિત કરવા માટે 50 ટીમો તૈનાત
સંઘવીએ જણાવ્યું હતું કે, “પૂરનું પાણી ઓછુ થયા પછી, અમે લોકોને પીવાનું પાણી પૂરું પાડવા માટે પમ્પિંગ સ્ટેશનો શરૂ કર્યા છે અને પાવર ફીડર અને ટ્રાન્સફોર્મર શરૂ કર્યા છે, જે સાવચેતીના પગલા તરીકે બંધ કરવામાં આવ્યા હતા " તેમણે કહ્યું કે રાજ્ય સરકાર લોકોને થયેલા નુકસાન અંગે સર્વે કરશે અને વળતર અંગે યોગ્ય નિર્ણય લેશે. દરમિયાન પાણી ઓસર્યા બાદ શહેરના ધારાસભ્ય મનીષા વકીલ અને બાલકૃષ્ણ શુક્લાએ રહેણાંક સોસાયટીની મુલાકાત લીધી ત્યારે તેમને લોકોના રોષનો સામનો કરવો પડ્યો હતો.