Weather updates: ગુજરાતના 18 જિલ્લામાં તાપનું ટોર્ચર, તો દેશના 12 રાજ્યોમાં ફૂંકાશે ભારે પવન, જાણો અંબાલાલ પટેલની મોટી આગાહી
Gujarat Weather Update: દેશમાં ફરી એકવાર હવામાનની પેટર્ન બદલાવવા જઈ રહી છે. હોળીના દિવસે દિલ્હી NCR સહિત ઉત્તર પશ્ચિમ ભારતના રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદ પડશે. તો ગુજરાત સહિતના અન્ય રાજ્યોમાં તાપમાનમાં ઝડપી વધારો જોવા મળી રહ્યો છે. કેટલાક રાજ્યોમાં હીટવેવ અંગે યેલો એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે. ભારતીય હવામાન વિભાગ (IMD)એ આ અંગે અપડેટ જાહેર કર્યું છે.
હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે રાજ્યમાં આકરી ગરમી પડવાની આગાહી કરી છે.
Weather Update: હોળીના દિવસે ઉત્તર-પશ્ચિમ ભારતના મેદાની વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ અને વરસાદ રહેશે. શુક્રવારે જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, સબ-હિમાલયન પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં હિમવર્ષા અને વરસાદની સંભાવના વ્યક્ત કરાઇ છે. જ્યારે પશ્ચિમ ઈરાન પર ચક્રવાતી પરિભ્રમણના રૂપમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય છે, ત્યારે દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને આસપાસના વિસ્તારોમાં સાયક્લોનિક સર્ક્યુલેશન છે, જેના કારણે હિમવર્ષા અને વરસાદ થશે.
ક્યારે અને ક્યાં પડી શકે છે વરસાદ?
જમ્મુ -કાશ્મીર, લદ્દાખ અને હિમાચલ પ્રદેશમાં 16 માર્ચ દરમિયાન વાવાઝોડા સાથે ભારેથી અતિ ભારે વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરાઇ છે, જ્યારે ઉત્તરાખંડમાં 12-16 માર્ચ દરમિયાન હિમવર્ષા અને વાદળછાયું આકાશ રહેશે. પંજાબમાં 12થી 15 માર્ચ હરિયાણા, પશ્ચિમ ઉત્તર પ્રદેશ, રાજસ્થાનમાં 13 થી 15 માર્ચ અને પૂર્વી ઉત્તર પ્રદેશમાં 15 માર્ચ સુધી વરસાદ પડી શકે છે.
તાપમાનમાં ક્યાં વધઘટ નોંધાશે?
આગામી 48 કલાકમાં ઉત્તર પશ્ચિમ ભારતમાં મહત્તમ તાપમાનમાં કોઈ નોંધપાત્ર ફેરફાર થશે નહીં, જ્યારે મધ્ય ભારત અને મહારાષ્ટ્રમાં આગામી 3-4 દિવસમાં મહત્તમ તાપમાનમાં 2-3 ડિગ્રી સેલ્સિયસનો વધારો થવાની સંભાવના છે. છેલ્લા 24 કલાકમાં જમ્મુ-કાશ્મીર, ઓડિશા અને કર્ણાટકમાં મહત્તમ તાપમાનમાં 1-4 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થયો છે.
ગુજરાતમાં હીટવેવનું યલો એલર્ટ જાહેર
IMDએ હીટવેવનું યલો એલર્ટ જાહેર કર્યું છે. 12 માર્ચે ગુજરાત અને દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાનમાં હીટવેવથી લઈને ગંભીર હીટવેવની સ્થિતિ રહેશે. વિદર્ભમાં 13-14 માર્ચે અને ઓડિશામાં 13થી 15 માર્ચ દરમિયાન તીવ્ર ગરમી પડશે. કોંકણ, ગોવા અને ઉત્તર કેરળ અને કોસ્ટલ કર્ણાટકમાં ગરમ પવનો ફૂંકાશે.
મંગળવારે ગુજરાતમાં મહત્તમ તાપમાન 40-45 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે રહ્યું, જ્યારે રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ઓડિશા, કેરળમાં પારો 35-40 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે રહ્યો. છત્તીસગઢ, કર્ણાટક, તમિલનાડુ, પદુચેરી, ઝારખંડ, તેલંગાણા, ઉત્તર પ્રદેશ, બિહાર, ગંગાના પશ્ચિમ બંગાળ, આંધ્રપ્રદેશમાં 30-35 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે તાપમાન નોંધાયું છે.
ગુજરાતમાં ઉનાળાએ પોતાનું જોર દેખાડવાનું શરૂ કરી દીધું છે. રાજ્યના અનેક શહેરોમાં આકરી ગરમી શરૂ થઈ ગઈ છે. ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં તાપમાન 40 ડિગ્રીથી ઉપર નોંધાયું છે. દરમિયાન હવામાન વિભાગે રાજકોટ સહિત રાજ્યના 7 જિલ્લામાં રેડ હીટ એલર્ટ જાહેર કર્યું છે.
આ સાથે જ અમદાવાદ અને ગાંધીનગર સહિત 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અને વડોદરા સહિત 5 જિલ્લામાં યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 2 દિવસ એટલે કે હોળીના દિવસે સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં તાપમાન 40 થી 43 ડિગ્રીની વચ્ચે રહેવાની સંભાવના છે.
આજે ગરમીનું જોર રહેશે
હવામાન વિભાગે કચ્છ, બનાસકાંઠા, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ અને સુરતમાં 12 માર્ચે હીટવેવની સંભાવનાને ધ્યાનમાં રાખીને ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. આ ઉપરાંત સાબરકાંઠા, પોરબંદર અને ભાવનગરમાં યલો હીટ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. આ સાથે વિભાગે જણાવ્યું હતું કે જામનગર, દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, અમદાવાદ, આણંદ, ભરૂચ, નવસારી અને વલસાડમાં ગરમ અને ભેજવાળું હવામાન રહી શકે છે.
ગરમીમાંથી રાહત ક્યારે?
હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે રાજ્યમાં આકરી ગરમી પડવાની આગાહી કરી છે. તેમના મતે 15 માર્ચથી રાજ્યમાં લોકોને ગરમીથી રાહત મળી શકે છે. અંબાલાલ પટેલની આગાહી મુજબ 15 માર્ચથી રાજ્યના લોકોને ગરમીમાંથી આંશિક રાહત મળશે. આ સમયગાળા દરમિયાન કેટલાક જિલ્લાઓમાં તાપમાન 33 ડિગ્રીથી 36 ડિગ્રીની આસપાસ રહેશે. મધ્ય-ઉત્તર ગુજરાતમાં તાપમાન 34 થી 36 ડિગ્રીની આસપાસ રહેશે.
જ્યારે, દરિયાકાંઠાના વિસ્તારમાં તાપમાન 33 ડિગ્રી રહી શકે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે દેશના ઉત્તરીય પર્વતીય ક્ષેત્રમાં આવતા પશ્ચિમી વિક્ષેપને કારણે 13-14 માર્ચે હોળીના દિવસોમાં વાદળછાયું વાતાવરણ રહેવાની ધારણા છે. કેટલાક સ્થળોએ કમોસમી વરસાદની સંભાવના છે. આ સિવાય 20 માર્ચ સુધી વાદળછાયું આકાશ રહેવાની સંભાવના છે અને કેટલીક જગ્યાએ વરસાદ પણ પડી શકે છે.