Gujarat weather: ગુજરાતમાં માર્ચ મહિનાના અંતિમ સપ્તાહમાં ગરમીએ જોર પકડ્યું છે. રાજ્યના મોટાભાગના શહેરોમાં તાપમાન 40 ડિગ્રી સુધી પહોંચી ગયું છે, જ્યારે અમરેલી અને તાપી સહિત અનેક જિલ્લાઓમાં તાપમાન 41 ડિગ્રી સુધી જવાની શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, પશ્ચિમી વિક્ષોભની અસરને કારણે આગામી દિવસોમાં રાજ્યમાં ગરમીની સાથે કમોસમી વરસાદની પણ શક્યતા છે.
15 જિલ્લાઓમાં તાપમાન 40 ડિગ્રીએ
આજે અમરેલી અને તાપી જેવા જિલ્લાઓમાં તાપમાન 41 ડિગ્રી સુધી પહોંચવાની સંભાવના છે. આ ઉપરાંત, આણંદ, અરવલ્લી, ભરૂચ, બોટાદ, છોટા ઉદયપુર, જૂનાગઢ, ખેડા, મહીસાગર, નર્મદા, પંચમહાલ, સાબરકાંઠા અને વડોદરા જેવા જિલ્લાઓમાં તાપમાન 40 ડિગ્રી રહેવાની ધારણા છે. બીજી તરફ, અમદાવાદ, બનાસકાંઠા, દાહોદ, ગાંધીનગર, મોરબી, મહેસાણા, પાટણ, રાજકોટ અને સુરેન્દ્રનગરમાં તાપમાન 39 ડિગ્રી આસપાસ રહેવાની આગાહી છે.
તાપમાનમાં ઘટાડો અને પછી વધારાની શક્યતા
વિભાગના જણાવ્યા મુજબ, આગામી 3 દિવસ સુધી રાજ્યમાં તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે. ત્યારબાદ સમગ્ર વિસ્તારમાં તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો વધારો થવાની સંભાવના છે. આ સાથે માર્ચના અંતિમ સપ્તાહમાં રાજ્યના લોકોને ગરમી અને હવામાનની બેવડી મારનો સામનો કરવો પડી શકે છે.