America Winter: એક તરફ અમેરિકાના ઘણા વિસ્તારોમાં ભારે ઠંડી પડી રહી છે, તો બીજી તરફ ભારે વરસાદથી લોકોની મુશ્કેલીઓ વધી ગઈ છે. હવામાનમાં પલટાને કારણે ઓછામાં ઓછા નવ લોકોના મોત થયા છે. માર્યા ગયેલા લોકોમાંથી આઠ કેન્ટુકીના હતા. પરિસ્થિતિ એવી છે કે ભારે વરસાદને કારણે નદીઓ છલકાઈ ગઈ છે અને રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે. હવામાનમાં આવેલા બદલાવને કારણે જનજીવન પર ભારે અસર પડી છે.
લોકોને સાવધાની રાખવા અપીલ કરાઇ
કેન્ટુકીના ગવર્નર એન્ડી બેશિયરે જણાવ્યું હતું કે પૂરમાં ફસાયેલા સેંકડો લોકોને બચાવવાના પ્રયાસો ચાલુ છે. બેશિયરે જણાવ્યું હતું કે ઘણા મૃત્યુ કાર પાણીમાં ફસાઈ જવાથી થયા હતા, જેમાં એક માતા અને તેના 7 વર્ષના બાળકનો પણ સમાવેશ થાય છે. તેમણે કહ્યું, "તો મિત્રો, હવે રસ્તા પર ન આવો અને સુરક્ષિત રહો." "આ સર્ચ અને રેસ્ક્યુંનો તબક્કો છે, અને મને બધા કેન્ટુકિયનો પર ખૂબ ગર્વ છે જેઓ પોતાનો જીવ જોખમમાં મૂકી રહ્યા છે," બેશિયરે કહ્યું.
અલાબામા હવામાન સેવાએ જણાવ્યું હતું કે તેણે હેલ કાઉન્ટીમાં વાવાઝોડાની પુષ્ટિ કરી છે. તોફાનથી કેટલાક મોબાઇલ ઘરો નાશ પામ્યા હતા અથવા નુકસાન થયું હતું. વૃક્ષો પડી ગયા છે અને વીજળીના તારોને અસર થઈ છે. સ્થાનિક મીડિયાના અહેવાલ મુજબ, ઉત્તરીય શહેર ટસ્કમ્બિયામાં, છત અને ઇમારતોને ભારે નુકસાન થયું હતું, અધિકારીઓએ લોકોને આ વિસ્તારથી દૂર રહેવા કહ્યું હતું.
કટોકટીની સ્થિતિ જાહેર કરવામાં આવી
ટેનેસીના ઓબિયન કાઉન્ટીના કેટલાક ભાગોમાં ડેમ તૂટ્યા બાદ કટોકટીની સ્થિતિ જાહેર કરવામાં આવી હતી. નેશનલ વેધર સર્વિસ અનુસાર, ઉત્તર ડાકોટાના મોટાભાગના વિસ્તારોમાં શૂન્યથી 50 ડિગ્રી નીચે (-45.6) ખતરનાક રીતે ઠંડા પવન ફૂંકાય તેવી શક્યતા છે.