Gujarat Weather Forecast: ગુજરાતમાં વરસાદના ત્રીજા રાઉન્ડની શરુઆત થઈ ગઈ છે, જેમાં રાજ્યભરમાં ઓછા વધતા પ્રમાણમાં વરસાદ થઈ રહ્યો છે. આજના દિવસ માટે હવામાન વિભાગ દ્વારા રેડ, ઓરેન્જ તથા યલો એલર્ટ આપવામાં આવ્યું છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 176 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ 22 ઈંચ જેટલો વરસાદ સૌરાષ્ટ્રમાં ખાબક્યો છે. ભારે વરસાદના કારણે સુત્રાપાડા, વેરાવળ, તલાલા, ધોરાજી, કોડિનાર સહિતના ભાગોમાં ભારેથી અત્યંત ભારે વરસાદ ખાબક્યો છે. રાજ્યના દક્ષિણ તથા મધ્ય ગુજરાતમાં પણ વરસાદ નોંધાયો છે.
પાંચ તાલુકાઓમાં 200થી વધારે મિલિમીટર વરસાદ થયો છે જેમાં સૌથી વધુ ક્રમશઃ સુત્રાપાડા અને વેરાવળમાં પડ્યો છે. કુલ 13 તાલુકાઓમાં 24 કલાકમાં 100mm કરતા વધારે વરસાદ થયો છે. ભારે વરસાદના કારણે વાહન તણાવાની અને ઘરોમાં ભારે પાણી ઘૂસી જવાની ઘટનાઓ સામે આવી છે. અતિભારે વરસાદના કારણે સ્થિતિ વિકટ બની રહી છે.
દક્ષિણ ગુજરાતના વલસાડના વાપીમાં 106mm જ્યારે સુરત શહેરમાં 104mm વરસાદ ખાબક્યો છે. સૌરાષ્ટ્ર તથા દક્ષિણ ગુજરાતના ભાગોમાં આજે પણ ભારેથી અતિભારે અને અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે અમરેલી અને ભાવનગર માટે તથા દક્ષિણ ગુજરાતના વલસાડ માટે રેડ એલર્ટ આપ્યું છે.
જુનાગઢ અને ગીર સોમનાથ તથા દક્ષિણ ગુજરાતના નવસારી માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે પોરબંદર, રાજકોટ, બોટાદ તથા આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, તાપી અને ડાંગ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. સૌરાષ્ટ્રના ગીર સોમનાથમાં થયેલી ભારે વરસાદ રહેવાની શક્યતાઓ આજના દિવસ માટે પણ વ્યક્ત કરવામાં આવી છે.