ડિઝનીએ છેલ્લા કેટલાક વર્ષોમાં અનેક વખત સ્ટાફમાં ઘટાડો કર્યો છે. નાણાકીય વર્ષ 2025ના અંત સુધીમાં કંપનીમાં અંદાજે 2.31 લાખ કર્મચારીઓ કામ કરતા હતા.
Disney Layoffs: મનોરંજન જગતની દિગ્ગજ કંપની ડિઝનીમાં ફરી એકવાર કર્મચારીઓના માથે છટણીની તલવાર લટકી રહી છે. કંપની પોતાના વધતા ખર્ચને કાબૂમાં લેવા માટે મોટા પાયે કર્મચારીઓની સંખ્યા ઘટાડવા પર વિચાર કરી રહી છે. વિવિધ મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કંપનીના કેટલાક મેનેજરોને વાર્ષિક ખર્ચમાં 20 ટકા સુધીનો ઘટાડો કરવાનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે. જોકે, આ યોજના હેઠળ કુલ કેટલા કર્મચારીઓની નોકરી જશે તેનો સત્તાવાર આંકડો કંપનીએ હજુ સુધી જાહેર કર્યો નથી. પરંતુ જો આ પ્લાન લાગુ થશે તો હજારો કર્મચારીઓ રસ્તા પર આવી શકે છે.
રિપોર્ટ્સ મુજબ, મેનેજરોને એવા રસ્તાઓ શોધવા માટે કહેવામાં આવ્યું છે જેનાથી કંપનીના વાર્ષિક ખર્ચમાં 20 ટકા સુધીની બચત થઈ શકે. આ માટે અલગ-અલગ બિઝનેસ યુનિટમાં સ્ટાફ ઘટાડવાથી લઈને કામ કરવાની પદ્ધતિને નવેસરથી ગોઠવવા સુધીના વિકલ્પો પર વિચારણા ચાલી રહી છે. જોકે, આ છટણીની અસર કંપનીના તમામ વિભાગો પર એકસરખી નહીં હોય. કેટલાક ડિવિઝનમાં મોટા પાયે કાપ મુકાઈ શકે છે, જ્યારે કેટલાક વિભાગોને આમાંથી રાહત પણ મળી શકે છે.
AI અને સ્ટ્રીમિંગને કારણે વધી રહ્યા છે પડકારો
ડિઝનીના નવા સીઈઓ જોશ ડી'અમારોની સામે હાલમાં અનેક મોટા પડકારો ઊભા છે. એન્ટરટેઈનમેન્ટ ઇન્ડસ્ટ્રીમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ ખૂબ જ ઝડપથી વધી રહ્યો છે. આ ઉપરાંત નીચેના કારણોસર કંપની પર દબાણ વધ્યું છે.
બોક્સ ઓફિસ પર નિષ્ફળતા: કંપનીની ફિલ્મોનું બોક્સ ઓફિસ કલેક્શન અપેક્ષા મુજબનું રહ્યું નથી.
સ્ટ્રીમિંગમાં હરીફાઈ: ઓટીટી અને સ્ટ્રીમિંગ બિઝનેસમાં સતત વધી રહેલી સ્પર્ધા.
થીમ પાર્કમાં ઘટાડો: આંતરરાષ્ટ્રીય થીમ પાર્કમાં આવતા પ્રવાસીઓની સંખ્યામાં ધીમી ગતિ જોવા મળી રહી છે.
આ તમામ પરિબળોને કારણે કંપની હવે ખર્ચ ઘટાડીને પોતાની કમાણી અને નફાને સુધારવા માંગે છે.
બચાવેલા પૈસાનો કંપની ક્યાં કરશે ઉપયોગ?
ડિઝનીનું પ્લાનિંગ માત્ર ખર્ચ ઘટાડવા પૂરતું જ સીમિત નથી. રિપોર્ટ્સ અનુસાર, છટણી અને અન્ય પગલાંઓ દ્વારા બચાવવામાં આવેલી રકમનો ઉપયોગ કંપની પોતાના ગ્રોથ સાથે જોડાયેલા બિઝનેસમાં રોકવા માંગે છે. જેમાં ખાસ કરીને ફિલ્મ અને ટીવી કન્ટેન્ટ, નવી ટેકનોલોજી, થીમ પાર્ક અને ખૂબ જ ઝડપથી વિસ્તરી રહેલા ક્રૂઝ બિઝનેસને પ્રાથમિકતા આપવામાં આવી શકે છે.
અગાઉ પણ હજારો કર્મચારીઓ ગુમાવી ચૂક્યા છે નોકરી
ડિઝનીએ છેલ્લા કેટલાક વર્ષોમાં અનેક વખત સ્ટાફમાં ઘટાડો કર્યો છે. નાણાકીય વર્ષ 2025 ના અંત સુધીમાં કંપનીમાં અંદાજે 2.31 લાખ કર્મચારીઓ કામ કરતા હતા.
એપ્રિલ 2026: કંપનીમાંથી લગભગ 1,000 નોકરીઓ ખતમ કરવામાં આવી હોવાના સમાચાર સામે આવ્યા હતા.
સપ્ટેમ્બર મહિનો: HR અને ટેકનોલોજી વિભાગમાંથી પણ સેંકડો પદો પર કાપ મૂકવામાં આવ્યો હતો.
બોબ આઇગરનો કાર્યકાળ: આ પહેલા પૂર્વ સીઈઓ બોબ આઇગરના નેતૃત્વમાં કંપનીએ મોટા રીસ્ટ્રક્ચરિંગ પ્રોગ્રામ હેઠળ આશરે 7000 કર્મચારીઓની છટણી કરી હતી. તે સમયે ડિઝનીએ 5.5 અબજ ડોલરની બચત કરવાનો લક્ષ્યાંક રાખ્યો હતો.