રોકાણ માટે હંમેશા એવી જ SIP રકમ પસંદ કરો જેને તમે લાંબા સમય સુધી સરળતાથી ચાલુ રાખી શકો.
SIP Calculator: નિવૃત્તિ પછીના જીવનમાં પૈસાની કોઈ ચિંતા ન રહે તે માટે નોકરી કે કમાણીના દિવસો દરમિયાન જ એક મોટું ફંડ તૈયાર કરવું ખૂબ જ જરૂરી છે. પરંતુ દરેક રોકાણકારના મનમાં એક સવાલ ચોક્કસ થાય છે કે, 1 કરોડનું રિટાયરમેન્ટ ફંડ બનાવવા માટે દર મહિને કેટલા રૂપિયાની SIP કરવી પડે? શું માત્ર 5,000 ની માસિક SIPથી પણ આટલો મોટો લક્ષ્યાંક હાંસલ કરી શકાય ખરો? આ સવાલનો જવાબ તમારા રોકાણના સમયગાળા અને તેના પર મળતા રિટર્ન પર આધાર રાખે છે.
ઉદાહરણ તરીકે માની લો કે હાલમાં તમારી ઉંમર 30 વર્ષ છે અને તમે 60 વર્ષની ઉંમરે રિટાયર થવા માંગો છો. એટલે કે તમારી પાસે રોકાણ કરવા માટે પૂરા 30 વર્ષનો લાંબો સમય છે. આ સ્થિતિમાં તમે દર મહિને ખૂબ જ નાની રકમનું રોકાણ કરીને પણ કરોડપતિ બની શકો છો.
1 કરોડના ફંડ માટે દર મહિને કેટલી SIP કરવી પડશે?
ધારો કે તમે ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં SIP શરૂ કરો છો, જેણે લાંબા ગાળે સરેરાશ વાર્ષિક 12% જેટલું રિટર્ન આપ્યું છે. આ 12% ના અંદાજિત રિટર્નના હિસાબે 1 કરોડનું ફંડ બનાવવા માટે કેટલા વર્ષમાં કેટલી રકમ રોકવી પડે, તેનું ગણિત નીચે મુજબ છે:
10 વર્ષ માટે: માસિક SIP: 43,471 | કુલ રોકાણ: 52.16 લાખ | અંદાજિત ફંડ: 1 કરોડ
15 વર્ષ માટે: માસિક SIP: 20,017 | કુલ રોકાણ: 36.03 લાખ | અંદાજિત ફંડ: 1 કરોડ
20 વર્ષ માટે: માસિક SIP: 10,109 | કુલ રોકાણ: 24.26 લાખ | અંદાજિત ફંડ: 1 કરોડ
25 વર્ષ માટે: માસિક SIP: 5,322 | કુલ રોકાણ: 15.97 લાખ | અંદાજિત ફંડ: 1 કરોડ
30 વર્ષ માટે: માસિક SIP: 2,861 | કુલ રોકાણ: 10.30 લાખ | અંદાજિત ફંડ: 1 કરોડ
આ ગણતરીમાં સૌથી મહત્વની બાબત 'રોકાણનો સમયગાળો' છે. જો તમે 30 વર્ષ સુધી સતત રોકાણ કરો છો, તો દર મહિને માત્ર 2,861 ની નાની SIP થી પણ 1 કરોડનો ટાર્ગેટ પૂરો થઈ શકે છે. જ્યારે આ જ 1 કરોડનું ફંડ જો તમારે માત્ર 10 વર્ષમાં બનાવવું હોય, તો દર મહિને 43,471 જેટલી મોટી રકમ રોકવી પડશે.
5,000 ની SIP થી કેટલા સમયમાં બનશે 1 કરોડ?
હવે એક સામાન્ય નોકરિયાત વ્યક્તિનું ઉદાહરણ લઈએ. માની લો કે તમારો માસિક પગાર 30,000 છે અને તેમાંથી તમે દર મહિને 5,000 ની SIP કરો છો. આ સ્થિતિમાં વાર્ષિક 12% રિટર્નના હિસાબે અંદાજે 25 વર્ષમાં તમારું ફંડ 1 કરોડની આસપાસ પહોંચી જશે.
સૌથી રસપ્રદ વાત એ છે કે આ 25 વર્ષ દરમિયાન તમારા ખિસ્સામાંથી કુલ 15 લાખનું જ રોકાણ થશે, જ્યારે બાકીની 85 લાખ જેટલી માતબર રકમ કમ્પાઉન્ડિંગ (ચક્રવૃદ્ધિ વ્યાજ) ના જાદુથી તૈયાર થશે.
દર વર્ષે SIP ની રકમ વધારવાથી થશે ડબલ ફાયદો
જો તમે તમારી કમાણી કે પગાર વધવાની સાથે દર વર્ષે તમારી SIP ની રકમમાં 10% નો વધારો કરતા જાવ છો, તો તમે ખૂબ જ મોટું ફંડ ઊભું કરી શકો છો. ઉદાહરણ તરીકે,,પહેલા વર્ષે તમારી માસિક SIP 5,000 રહેશે. બીજા વર્ષે 10% વધારીને તેને 5,500 કરવાની રહેશે. ત્રીજા વર્ષે આ રકમ વધીને 6,050 થશે અને આ જ રીતે દર વર્ષે આગળ વધતી રહેશે. ફાઇનાન્સની ભાષામાં આ પદ્ધતિને 'Step-up SIP' કહેવામાં આવે છે. આનાથી સમયની સાથે તમારા રોકાણની રકમ વધતી જાય છે અને પરિણામે રિટાયરમેન્ટ માટે ધાર્યા કરતા પણ ઘણું મોટું ભંડોળ બનાવવામાં મદદ મળે છે.
SIP શરૂ કરતી વખતે આ ખાસ બાબતોનું રાખો ધ્યાન
મોંઘવારીનો હિસાબ રાખો: સૌથી પહેલા તમારી ઉંમર અને રિટાયરમેન્ટની તારીખ નક્કી કરો. આજના 1 કરોડને સીધા જ ભવિષ્યનું રિટાયરમેન્ટ લક્ષ્ય માની લેવું યોગ્ય નથી. ભવિષ્યમાં મોંઘવારી વધવાની સાથે પૈસાનું મૂલ્ય ઘટશે, તેથી મોંઘવારીના હિસાબે તમારો ટાર્ગેટ પણ મોટો રાખવો પડશે.
નિયમિતતા જાળવો: રોકાણ માટે હંમેશા એવી જ SIP રકમ પસંદ કરો જેને તમે લાંબા સમય સુધી સરળતાથી ચાલુ રાખી શકો.
બજાર તૂટે ત્યારે ગભરાશો નહીં: શેરબજારમાં જ્યારે ઘટાડો આવે ત્યારે ગભરાઈને SIP બંધ કરી દેવાની ભૂલ ક્યારેય ન કરો, કારણ કે તેમ કરવાથી તમે તમારા લક્ષ્યથી ભટકી શકો છો. આ ઉપરાંત, સમયાંતરે તમારા મ્યુચ્યુઅલ ફંડના પ્રદર્શનની સમીક્ષા કરતા રહેવું પણ જરૂરી છે.
ડિસ્ક્લેમર: આ માહિતી માત્ર જાણકારીના હેતુથી આપવામાં આવી છે. અહીં જણાવવું જરૂરી છે કે શેરબજારમાં રોકાણ એ બજારના જોખમોને આધીન છે. રોકાણકારોએ કોઈપણ જગ્યાએ નાણાં રોકતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લેવી જોઈએ. મનીકંટ્રોલ દ્વારા ક્યારેય પણ કોઈને રોકાણ કરવાની સલાહ આપવામાં આવતી નથી.