Pakistan vs Afghanistan: ઇસ્લામાબાદમાં TTPના ભયાનક આત્મઘાતી હુમલા બાદ પાકિસ્તાન અને અફઘાનિસ્તાન યુદ્ધની કગાર પર. 12ના મોત. જાણો કેમ તણાવ વધ્યો અને કોણ પહેલો હુમલો કરી શકે છે.
આ પહેલીવાર નથી કે બંને દેશો સામસામે આવ્યા હોય. ઓક્ટોબર 2025થી જ સરહદ પર તણાવ ચાલુ છે.
Pakistan Afghanistan Tension: પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદ એક મોટા આતંકવાદી હુમલાથી હચમચી ઉઠી છે. એક આત્મઘાતી બોમ્બરે કોર્ટની બહાર પોતાને ઉડાવી દીધો, જેમાં 12 લોકોના મોત થયા અને 27થી વધુ લોકો ઘાયલ થયા છે. છેલ્લા 10 વર્ષમાં ઇસ્લામાબાદમાં નાગરિકો પર થયેલો આ પહેલો મોટો હુમલો છે, જેણે પાકિસ્તાન સરકારને હલાવી દીધી છે.
આ હુમલાની જવાબદારી પાકિસ્તાની તાલિબાન (TTP) એ લીધી છે. પરંતુ, પાકિસ્તાને આ હુમલા માટે સીધો દોષ અફઘાનિસ્તાનની તાલિબાન સરકાર પર ઢોળ્યો છે.
પાકિસ્તાની મંત્રીનો બફાટ કે ગુસ્સો?
હુમલા બાદ તરત જ પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફે આને યુદ્ધનું એલાન ગણાવ્યું અને અફઘાનિસ્તાન પર આકરા પ્રહારો કર્યા. જોકે, જ્યારે એક ઇન્ટરવ્યુમાં પત્રકારે તેમને જણાવ્યું કે હુમલાની જવાબદારી TTP એ લીધી છે, ત્યારે તેઓ ચોંકી ગયા અને પૂછ્યું, "શું ખરેખર?" આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. લોકો પાકિસ્તાનની ગુપ્તચર એજન્સીની નિષ્ફળતા અને સરકારની અસમંજસ પર સવાલો ઉઠાવી રહ્યા છે. પાકિસ્તાનનું કહેવું છે કે TTPના 6000થી વધુ લડવૈયાઓ અફઘાનિસ્તાનમાં છુપાયેલા છે અને ત્યાંથી પાકિસ્તાનમાં હુમલાઓ કરી રહ્યા છે.
સરહદ પર તણાવ ચરમસીમાએ
આ પહેલીવાર નથી કે બંને દેશો સામસામે આવ્યા હોય. ઓક્ટોબર 2025થી જ સરહદ પર તણાવ ચાલુ છે. 19 ઓક્ટોબરના રોજ બંને દેશોની સેનાઓ વચ્ચે બે અઠવાડિયા સુધી ભીષણ સંઘર્ષ ચાલ્યું હતું, જેમાં ડઝનેક લોકો માર્યા ગયા હતા. એ સમયે થયેલો કામચલાઉ યુદ્ધવિરામ હવે તૂટી ચૂક્યો છે.
તણાવનું મુખ્ય કારણ ડ્યુરન્ડ લાઇન (બંને દેશો વચ્ચેની સરહદ) છે, જેને અફઘાનિસ્તાન ક્યારેય માન્યતા આપતું નથી. પાકિસ્તાનની જૂની 'સ્ટ્રેટેજિક ડેપ્થ' પોલિસી (અફઘાનિસ્તાનને ભારતના પ્રભાવથી દૂર રાખવાની નીતિ) હવે ઉલ્ટી પડી છે. તાલિબાનને સમર્થન આપનાર પાકિસ્તાન હવે પોતે જ TTP ના કારણે ફસાયું છે.
કોણ કરશે પહેલો હુમલો?
સવાલ એ છે કે શું સંપૂર્ણ યુદ્ધ ફાટી નીકળશે? અને જો હા, તો પહેલો વાર કોણ કરશે? નિષ્ણાતોના મતે, પાકિસ્તાન પહેલો હુમલો કરી શકે છે. કારણ કે ઇસ્લામાબાદ બ્લાસ્ટ બાદ પાકિસ્તાની સેના અને સરકાર પર આંતરિક દબાણ ચરમસીમા પર છે. પાકિસ્તાન પાસે મજબૂત સેના અને વાયુસેના છે. તે અફઘાનિસ્તાનની સરહદમાં TTPના ઠેકાણાઓ પર મોટી એર સ્ટ્રાઇક કરી શકે છે, જેમ તેણે 2017 માં કર્યું હતું. પરંતુ, આનો જવાબ પણ ભયાનક મળશે. તાલિબાન ભલે સૈન્ય તાકાતમાં પાછળ હોય, પરંતુ તેઓ 'ગેરિલા વોરફેર'માં માહેર છે. જો પાકિસ્તાન હુમલો કરશે, તો તાલિબાન સરહદ પાર કરીને પાકિસ્તાની વિસ્તારોમાં ભીષણ તબાહી મચાવી શકે છે.
યુદ્ધ રોકતું એકમાત્ર કારણ: કંગાળ અર્થતંત્ર
આ સંભવિત યુદ્ધ પર જો કોઈ બ્રેક લગાવી શકે છે, તો તે બંને દેશોની કંગાળ આર્થિક સ્થિતિ છે. પાકિસ્તાન પર 100 બિલિયન ડોલરથી વધુનું વિદેશી દેવું છે. દેશ આર્થિક સંકટના ઇતિહાસના સૌથી ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે. તો તાલિબાન શાસન હેઠળ અફઘાનિસ્તાન ભૂખમરા અને ગરીબી સામે ઝઝૂમી રહ્યું છે. આવી સ્થિતિમાં, યુદ્ધ બંને દેશોને સંપૂર્ણપણે બરબાદ કરી દેશે. આ એક 'સ્ટ્રેટેજિક ડેડલોક' છે, જ્યાં બંને પક્ષો લડવા માંગે છે પણ લડી શકતા નથી.
દુનિયાની પ્રતિક્રિયા
આ તણાવ પર દુનિયાની નજર છે. ઈરાને બંને મુસ્લિમ દેશો વચ્ચે મધ્યસ્થી કરવાની ઓફર કરી છે. સંયુક્ત રાષ્ટ્રએ શાંતિ જાળવવા અપીલ કરી છે. જોકે, અમેરિકા અને ચીન આ મામલે હાલ મૌન સેવી રહ્યા છે, જ્યારે ભારતે પાકિસ્તાનને આતંકવાદને સમર્થન ન આપવાની સ્પષ્ટ ચેતવણી આપી છે. હાલમાં, પાકિસ્તાને સરહદ પર સૈનિકોની સંખ્યા વધારી દીધી છે. જો આ તણાવ ઘટશે નહીં, તો દક્ષિણ એશિયામાં એક નવો અને વિનાશક સંઘર્ષ શરૂ થઈ શકે છે.