ગંભીર રોગોની દવાઓ માટે હવે નહીં જોવી પડે રાહ! ડાયાબિટીસ, કેન્સર અને હૃદયરોગની દવાઓ વિદેશથી ખરીદશે સરકાર
Drug shortage: ભારતમાં ગંભીર રોગો જેવી કે ડાયાબિટીસ, કેન્સર અને સ્થૂળતાની પ્રોપ્રાઇટરી દવાઓની અછત છે. સરકાર હવે આ દવાઓને વિદેશથી ખરીદવાની તૈયારી કરી રહી છે, જેથી દર્દીઓને સમયસર સારવાર મળી શકે. જાણો સંપૂર્ણ વિગતો.
ફાર્માસ્યુટિકલ વિભાગ, આરોગ્ય મંત્રાલય અને નાણા મંત્રાલયના અધિકારીઓ છેલ્લા કેટલાક સમયથી આ મુદ્દા પર ચર્ચા કરી રહ્યા છે.
Drug shortage: ભારતમાં હાલ કેટલીક ખાસ અને ગંભીર બીમારીઓની દવાઓની અછત જોવા મળી રહી છે. આ સ્થિતિને પહોંચી વળવા માટે કેન્દ્ર સરકાર એક મહત્વપૂર્ણ નિર્ણય પર વિચાર કરી રહી છે, વિદેશથી આવી દવાઓની ખરીદી કરવી. આ દવાઓ મુખ્યત્વે વજન ઘટાડવા, કેન્સર, હૃદય રોગ અને ડાયાબિટીસ જેવી બીમારીઓ માટે જરૂરી છે. ખરીદી બાદ આ દવાઓ ભારતીય સેનાના મેડિકલ વિંગ અને કર્મચારી રાજ્ય વીમા નિગમ જેવી સરકારી હોસ્પિટલોમાં ઉપલબ્ધ કરાવાશે.
કઈ દવાઓનો સમાવેશ થાય છે?
એક અહેવાલ મુજબ 65થી વધુ જેટલી પેટન્ટવાળી અથવા ખાસ ફોર્મ્યુલાવાળી દવાઓની સૂચિ તૈયાર કરવામાં આવી છે. આ સૂચિમાં ટાઇપ-2 ડાયાબિટીસ અને સ્થૂળતાની સારવારમાં ઉપયોગી દવાઓ જેવી કે સેમાગ્લુટાઇડ અને ટિરજેપેટાઇડ મુખ્ય છે. આ ઉપરાંત, ડાયાબિટીસના દર્દીઓમાં હાઈ કોલેસ્ટ્રોલના ઈલાજ માટે વપરાતી ખાસ એન્ટિબોડી દવા ઇવોલકુમબ પણ આ યાદીમાં સામેલ છે. ભારતમાં આ દવાઓ બનાવવાની ક્ષમતા મર્યાદિત છે અથવા તો ઉપલબ્ધ નથી, જેના કારણે વિદેશથી ખરીદનો વિકલ્પ વિચારાઈ રહ્યો છે.
સરકારની "મેડ ઇન ઇન્ડિયા" નીતિ અને અપવાદ
સામાન્ય રીતે, સરકારની એક નીતિ છે કે 200 કરોડ રૂપિયા સુધીની વસ્તુઓ અથવા સેવાઓ સ્થાનિક ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા માટે વિદેશથી ખરીદવામાં આવતી નથી. જોકે, અમુક વિશિષ્ટ સંજોગોમાં આ નિયમમાં છૂટછાટ આપવામાં આવે છે. જો દેશમાં કોઈ વસ્તુની સપ્લાય ઓછી હોય અથવા તાત્કાલિક જરૂરિયાત હોય, તો આવા અપવાદો લાગુ પડે છે. તાજેતરમાં, સરકારે 128 દવાઓ અને વેક્સીનને ગ્લોબલ ટેન્ડરમાંથી (GTE) મુક્તિ આપી છે, જે માર્ચ 2027 સુધી અથવા નવા આદેશ ન આવે ત્યાં સુધી લાગુ રહેશે. નવી સૂચિ આ જ છૂટછાટ હેઠળ ઉમેરવામાં આવી છે.
DoP દ્વારા નોટિસ અને સૂચનો આમંત્રિત
ફાર્માસ્યુટિકલ વિભાગ (DoP) એ 21 નવેમ્બરના રોજ પોતાની વેબસાઇટ પર એક નોટિસ જારી કરી હતી. આ નોટિસમાં જણાવવામાં આવ્યું છે કે ડાયરેક્ટોરેટ જનરલ ઓફ આર્મ્ડ ફોર્સીસ મેડિકલ સર્વિસીસ અને ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ તરફથી આ દવાઓને ગ્લોબલ ટેન્ડરમાંથી મુક્તિ આપવા અથવા સ્થાનિક ઉત્પાદકોની ઓળખ કરવાની જરૂરિયાતમાંથી છૂટ આપવા માટે વિનંતીઓ મળી છે.
સરકારે સ્થાનિક દવા કંપનીઓને પણ આ મામલે પોતાના સૂચનો આપવા જણાવ્યું છે. જો કોઈ ભારતીય કંપની આ દવાઓનું ઉત્પાદન કરી શકે તેમ હોય, તો તેઓ 5 ડિસેમ્બર સુધીમાં પોતાનો વાંધો અથવા પ્રતિભાવ રજૂ કરી શકે છે. નોટિસ મુજબ, કેટલીક એવી દવાઓ પણ છે જે હજુ બજારમાં આવી નથી, તેમના વિશે પણ સૂચનો અને વાંધાઓ મંગાવવામાં આવ્યા છે. ESIC અને DGAFMS જેવી એજન્સીઓએ અત્યાર સુધી 9 અલગ-અલગ પ્રકારની દવાઓ અને કેટલીક વેક્સીન માટે વિનંતી કરી છે.
દર્દીઓને સમયસર સારવારનો લાભ
ફાર્માસ્યુટિકલ વિભાગ, આરોગ્ય મંત્રાલય અને નાણા મંત્રાલયના અધિકારીઓ છેલ્લા કેટલાક સમયથી આ મુદ્દા પર ચર્ચા કરી રહ્યા છે. આ નિર્ણય પર અંતિમ મહોર લાગ્યા પછી, નાણા મંત્રાલય હેઠળનું ડિપાર્ટમેન્ટ ઓફ એક્સપેન્ડિચર ટેન્ડર અંગે એક સત્તાવાર નોટિફિકેશન જારી કરશે. એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર, આ પગલાનો સૌથી મોટો ફાયદો દર્દીઓને થશે, કારણ કે તેમને સમયસર જરૂરી સારવાર ઉપલબ્ધ થઈ શકશે.