ભારતીય રિઝર્વ બેન્કના પૂર્વ ગવર્નર રઘુરામ રાજને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા લગભગ 60 દેશો પર લગાવવામાં આવેલા રેસિપ્રોકલ ટેરિફને ‘સ્વ-ગોલ’ ગણાવ્યો છે. તેમણે જણાવ્યું કે આ નિર્ણયની ભારત પર ખૂબ જ ઓછી અસર પડશે. રાજનનું માનવું છે કે ટ્રમ્પ પ્રશાસનનું આ પગલું અમેરિકી અર્થવ્યવસ્થા માટે જ નુકસાનકારક સાબિત થશે, કારણ કે ટેરિફથી અમેરિકી ગ્રાહકો માટે ભાવ વધશે, માંગ ઘટશે અને આર્થિક વૃદ્ધિ પર અસર પડશે.
રાજનના જણાવ્યા અનુસાર, આ ટેરિફની ભારત પર અસર ‘નજીવી’ રહેશે. તેમનું કહેવું છે કે અમેરિકાએ અનેક દેશો પર ટેરિફ લાદ્યા છે, જેના કારણે ભારતીય નિકાસકારોને થોડી રાહત મળશે. અમેરિકી કસ્ટમર્સ પાસે વિકલ્પો ઓછા હશે, જે ભારત માટે ફાયદાકારક બની શકે છે.
રાજને સૂચવ્યું કે ભારતે પોતાના ટેરિફ ઘટાડવા જોઈએ, જેથી અમેરિકી ટેરિફને ઓછા કરવામાં મદદ મળી શકે. આ સાથે, ભારતે આસિયાન, જાપાન, આફ્રિકા અને યુરોપના અન્ય દેશો સાથે વેપારી સંબંધો મજબૂત કરવા જોઈએ. તેમણે ચીન સાથે સમાન સ્તરના સંબંધો સ્થાપવા અને પડોશી દેશો સાથે મજબૂત જોડાણ બનાવવાની પણ વાત કરી.
રાજને દક્ષિણ એશિયાઈ પ્રાદેશિક સહયોગ સંગઠન (સાર્ક) જેવા સંગઠનો સાથે સહયોગ વધારવાની હિમાયત કરી. તેમણે કહ્યું કે વિશ્વ પ્રાદેશિક જૂથોમાં વહેંચાઈ રહ્યું છે, ત્યારે દક્ષિણ એશિયાએ અલગ ન રહેવું જોઈએ. રઘુરામ રાજનના આ સૂચનો ભારત માટે આર્થિક વૃદ્ધિ અને વૈશ્વિક વેપારમાં મજબૂત સ્થાન મેળવવાની દિશામાં મહત્વપૂર્ણ પગલાં સાબિત થઈ શકે છે.