બ્લિંકિટના આઈસ્ક્રીમ ફ્રીઝરમાં ફરતો દેખાયો ઉંદર! વિડીયો વાયરલ થતાં FDAની મોટી કાર્યવાહી, Zepto-Instamart સહિત 14ના લાયસન્સ સસ્પેન્ડ | Moneycontrol Gujarati
Get App

બ્લિંકિટના આઈસ્ક્રીમ ફ્રીઝરમાં ફરતો દેખાયો ઉંદર! વિડીયો વાયરલ થતાં FDAની મોટી કાર્યવાહી, Zepto-Instamart સહિત 14ના લાયસન્સ સસ્પેન્ડ

બ્લિંકિટના આઈસ્ક્રીમ ફ્રીઝરમાં ઉંદરનો વિડીયો વાયરલ થતાં મહારાષ્ટ્ર FDA એ સપાટો બોલાવ્યો છે. ચેકિંગ દરમિયાન Blinkit, Zepto અને Instamart ના 14 લાયસન્સ સસ્પેન્ડ કરાયા. જાણો સંપૂર્ણ અહેવાલ.

અપડેટેડ 01:15:13 PM Aug 16, 2026 પર
Story continues below Advertisement
ઘાટકોપર Blinkit: અહીં કચરાના નિકાલની યોગ્ય વ્યવસ્થા નહોતી. સાફ-સફાઈ ખૂબ જ ખરાબ હતી. આ સ્ટોરને 74 માંથી માત્ર 34 માર્ક્સ મળ્યા અને તેને 'નોન-કમ્પ્લાયન્ટ' (નિયમો ન પાળનાર) ની કેટેગરીમાં મુકાયું છે.

ઓનલાઈન ગ્રોસરી અને ફૂડ ડિલિવરી કરતી ક્વિક-કોમર્સ કંપનીઓની મોટી બેદરકારીનો એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. મહારાષ્ટ્રના થાણે જિલ્લાના કલ્યાણમાં આવેલ ગોદરેજ હિલ વિસ્તારમાં Blinkitના એક આઉટલેટમાં આઈસ્ક્રીમ ફ્રીઝરની અંદર ઉંદર ફરતો હોવાનો દાવો કરાયો છે. આઈસ્ક્રીમ ખરીદવા ગયેલા યુવાનોએ પેકેજ્ડ ફૂડ પાસે ઉંદર જોયો અને તરત જ પોતાના ફોનમાં વિડીયો રેકોર્ડ કરી લીધો.

આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ લોકોમાં ફૂડ સેફ્ટી અંગે ભારે રોષ અને ચિંતા જોવા મળી રહી છે. લોકો મહારાષ્ટ્ર FDA પાસે કડક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે.

મહારાષ્ટ્ર FDA ની મેગા ડ્રાઈવ: 14 લાયસન્સ કર્યા સસ્પેન્ડ

આ ઘટના એવા સમયે સામે આવી છે જ્યારે મહારાષ્ટ્ર ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન દ્વારા ઓનલાઈન ફૂડ સ્ટોરેજ અને ડિલિવરીનું ચેકિંગ ચાલી રહ્યું હતું. 13 ઓગસ્ટના રોજ FDA એ રાજ્યભરમાં આવા 86 ગોડાઉન અને આઉટલેટ્સનું સરપ્રાઈઝ ચેકિંગ કર્યું હતું. આ તપાસમાં Blinkit, Zepto અને Instamart જેવા મોટા પ્લેટફોર્મ્સના સ્ટોર્સમાં સાફ-સફાઈ અને સુરક્ષાને લગતી ગંભીર ખામીઓ જોવા મળી હતી.

કડક એક્શન લેતા FDA એ કુલ 14 ફૂડ બિઝનેસ લાયસન્સ સસ્પેન્ડ કરી દીધા છે. જેમાં નીચે મુજબની કંપનીઓ સામેલ છે.


Blinkit ના 5 લાયસન્સ

Zepto ના 5 લાયસન્સ

Instamart ના 2 લાયસન્સ

ભગવતી સ્ટોર્સ અને સ્વિન્સ્ટા એન્ટ પ્રાઈવેટ લિમિટેડનું 1-1 લાયસન્સ

આ ઉપરાંત, 60 આઉટલેટ્સને તાત્કાલિક સુધારા કરવા માટે 'ઇમ્પ્રૂવમેન્ટ નોટિસ' ફટકારવામાં આવી છે. જ્યારે એક સેન્ટરને હાલ પૂરતું કામકાજ બંધ કરવાનો આદેશ અપાયો છે. જોકે, હજુ સુધી કોઈનું લાયસન્સ કાયમી ધોરણે રદ કરવામાં આવ્યું નથી.

તપાસમાં કઈ કઈ ગંભીર ખામીઓ મળી?

FDA અધિકારીઓએ સ્ટોરેજ, તાપમાન, સફાઈ, પેસ્ટ કંટ્રોલ અને કર્મચારીઓની પર્સનલ હાઈજીન જેવી બાબતો ચેક કરી હતી, જેમાં નીચે મુજબની ચોંકાવનારી વિગતો સામે આવી.

મલાડ વેસ્ટ Blinkit: અહીં ફ્રીઝનું તાપમાન 6 ડિગ્રી સેલ્સિયસ હતું જે નક્કી કરેલા સ્તર કરતા વધુ હતું. આશરે 40 કર્મચારીઓનું મેડિકલ ચેકઅપ નહોતું થયું અને કોઈ રેકોર્ડ પણ નહોતો. કર્મચારીઓ માથા પર કેપ, એપ્રન કે હાથમાં ગ્લવ્ઝ પહેર્યા વિના જ કામ કરતા હતા. સૌથી મોટી બેદરકારી એ હતી કે શાકાહારી અને માંસાહારી વસ્તુઓ એકસાથે રખાઈ હતી.

ઘાટકોપર Blinkit: અહીં કચરાના નિકાલની યોગ્ય વ્યવસ્થા નહોતી. સાફ-સફાઈ ખૂબ જ ખરાબ હતી. આ સ્ટોરને 74 માંથી માત્ર 34 માર્ક્સ મળ્યા અને તેને 'નોન-કમ્પ્લાયન્ટ' (નિયમો ન પાળનાર) ની કેટેગરીમાં મુકાયું છે.

પુણે Zepto: આ સ્ટોરમાંથી એક્સપાયરી ડેટ વીતી ગઈ હોય તેવી વસ્તુઓ વેચાણ માટે રાખેલી મળી આવી હતી.

પુણે સ્વિન્સ્ટા એન્ટ: આ સ્ટોરમાં જીવતા વંદા ફરતા જોવા મળ્યા હતા અને તાપમાન જાળવવામાં ગંભીર બેદરકારી હતી.

અંધેરી Instamart: અહીં ફૂડના પેકેટ્સ જમીન પર રખાયા હતા. જગ્યા ખૂબ નાની હતી અને સામાન ઠાંસી-ઠાંસીને ભરેલો હતો.

ડિલિવરી બોય્ઝના ચેકિંગમાં પણ ભાંડો ફૂટ્યો

ફક્ત ગોડાઉન જ નહીં, પરંતુ ગ્રાહકો સુધી સામાન પહોંચાડતી ડિલિવરી સિસ્ટમ પણ તપાસવામાં આવી હતી. સતારા જિલ્લાના કરાડમાં Blinkit ના 125 ટુ-વ્હીલર ડિલિવરી રાઈડર્સનું ચેકિંગ કરાયું. આશ્ચર્યજનક રીતે, એક પણ રાઈડર પાસે આઈડી કાર્ડ કે મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ નહોતું. ડિલિવરી બેગ અને બોક્સ પર ફરજિયાત FSSAI લાયસન્સ નંબર પણ પ્રિન્ટ નહોતો. જ્યાં સુધી આ બધી ખામીઓ દૂર ન થાય ત્યાં સુધી કંપનીને ટુ-વ્હીલરથી ડિલિવરી સંપૂર્ણપણે બંધ રાખવાનો કડક આદેશ અપાયો છે.

આ પણ વાંચો-ભારતીય શેરબજાર પર વિદેશી રોકાણકારો ઓળઘોળ: ઓગસ્ટમાં અત્યાર સુધીમાં 16621 કરોડ રૂપિયાની કરી જોરદાર ખરીદી

MoneyControl News

MoneyControl News

First Published: Aug 16, 2026 1:15 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચાર, પર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.