રશિયા-નાટો તણાવ ચરમસીમાએ: પોલેન્ડની સરહદે નાટોના ફાઈટર જેટ ગસ્ત કરે છે, યુક્રેન પર રશિયાના 500થી વધુ ડ્રોન-મિસાઈલ હુમલાથી હાહાકાર. યુક્રેનની વાયુસેનાએ 430 ડ્રોન અને 21 મિસાઈલ નાશ કર્યા. વધુ જાણો
યુક્રેનની વાયુસેનાએ ટેલિગ્રામ પોસ્ટમાં જણાવ્યું કે રશિયાએ રાત્રી દરમિયાન 502 ડ્રોન અને 24 મિસાઈલો સાથે હુમલો કર્યો.
યુક્રેન યુદ્ધની વચ્ચે રશિયા અને નાટો વચ્ચે તણાવ નવી ઊંચાઈએ પહોંચ્યો છે. નાટોના ફાઈટર જેટ પોલેન્ડની સરહદે સતત ગસ્ત કરી રહ્યા છે, જ્યારે કેટલાક વિમાનોએ યુક્રેનના હવાઈ ક્ષેત્રમાં પણ ઉડાન ભરી હોવાના અહેવાલ છે. આ ઘટનાએ યુરોપમાં તણાવનું વાતાવરણ ઉભું કર્યું છે.
બુધવારે સવારે રશિયાએ યુક્રેન પર 502 ડ્રોન અને 24 મિસાઈલો સાથે મોટો હુમલો કર્યો. આ હુમલામાં યુક્રેનના પશ્ચિમી વિસ્તારો, જે પોલેન્ડની સરહદે આવેલા છે, તેને નિશાન બનાવવામાં આવ્યા. રશિયાની આ કાર્યવાહીને જવાબ આપવા અને સંભવિત આક્રમણથી બચવા નાટોના ફાઈટર જેટ પોલેન્ડના આકાશમાં સક્રિય છે. રશિયાએ નાટોની આ કાર્યવાહીને "લાલ રેખા" પાર કરવી ગણાવી છે.
યુક્રેનની વાયુસેનાનો જવાબ
યુક્રેનની વાયુસેનાએ ટેલિગ્રામ પોસ્ટમાં જણાવ્યું કે રશિયાએ રાત્રી દરમિયાન 502 ડ્રોન અને 24 મિસાઈલો સાથે હુમલો કર્યો. યુક્રેનની વાયુસેનાએ 430 ડ્રોન અને 21 મિસાઈલોને નષ્ટ કર્યા. આ ઉપરાંત, 14 સ્થળોએ 69 ડ્રોન અને ત્રણ મિસાઈલોના હુમલા નોંધાયા, જ્યાં નષ્ટ કરાયેલા હથિયારોનો કાટમાળ પડ્યો હોવાનું જણાવાયું.
યુક્રેનમાં વિનાશનું તાંડવ
રશિયાના હુમલાએ યુક્રેનના લ્વીવ, ઈવાનો-ફ્રેન્કિવ્સ્ક, ખમેલનિત્સ્કી અને લુત્સ્ક જેવા પશ્ચિમી વિસ્તારોમાં વિનાશ વેર્યો. લ્વીવના મેયર એન્ડ્રી સાદોવીએ જણાવ્યું કે 15 રશિયન ડ્રોનોએ શહેર પર હુમલો કર્યો, જેના કારણે એક વેરહાઉસ આંશિક રીતે નષ્ટ થયું. લુત્સ્કમાં ડ્રોન હુમલાથી નાગરિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરને નુકસાન થયું, જ્યારે ઈવાનો-ફ્રેન્કિવ્સ્કમાં ઔદ્યોગિક સ્થળે આગ લાગી. ખમેલનિત્સ્કીમાં એક વ્યક્તિનું મોત થયું, જ્યાં બે મિસાઈલો અને ત્રણ ડ્રોન નષ્ટ કરાયા.
પોલેન્ડ હાઈ એલર્ટ પર
પોલેન્ડની સરહદ નજીક રશિયાના હુમલાઓથી નાટોની ચિંતા વધી છે. પોલિશ સેનાની ઓપરેશન કમાન્ડે એક્સ પર જણાવ્યું કે યુક્રેન પર રશિયન હુમલાઓના જવાબમાં નાટોના ફાઈટર જેટ પોલેન્ડના આકાશમાં ગસ્ત કરી રહ્યા છે. જમીની એર ડિફેન્સ અને રડાર સિસ્ટમ હાઈ એલર્ટ પર છે. રશિયન હુમલાઓના ચાર કલાક બાદ નાટો સેનાઓ સામાન્ય સ્થિતિમાં પરત ફરી. આ ઘટનાઓએ રશિયા-નાટો સંઘર્ષની શક્યતાને વધુ તીવ્ર કરી છે, જેના કારણે વૈશ્વિક શાંતિ પર પ્રશ્નો ઉભા થયા છે.