કાશી વિશ્વનાથ કોરિડોર બન્યા પછી વારાણસીમાં પ્રવાસન ક્ષેત્રે રેકોર્ડ તૂટ્યા છે. વર્ષ 2026 ના પ્રથમ 7 મહિનામાં 4.65 કરોડ પ્રવાસીઓએ મુલાકાત લેતા સ્થાનિક અર્થતંત્રને 1200 કરોડનો જંગી ફાયદો થયો છે.
પ્રવાસન વિભાગના લેટેસ્ટ આંકડા મુજબ, વર્ષ 2014 થી જુલાઈ 2026 સુધીમાં કુલ 52 કરોડ 71 લાખ પ્રવાસીઓએ કાશીની મુલાકાત લીધી છે.
Kashi Vishwanath Corridor: ઉત્તર પ્રદેશનું ધાર્મિક શહેર વારાણસી આજકાલ દુનિયાના પ્રવાસન નકશા પર છવાયેલું છે. નવાઈની વાત એ છે કે, આજના યુવાનો એટલે કે Gen-Z હિલ સ્ટેશન પર જવાને બદલે વારાણસીના ઘાટ અને કાશી વિશ્વનાથ ધામની મુલાકાત લેવાનું વધુ પસંદ કરી રહ્યા છે. કાશી વિશ્વનાથ કોરિડોરના નિર્માણ બાદ અહીં પ્રવાસીઓનો એવો ધસારો જોવા મળી રહ્યો છે કે જૂના તમામ રેકોર્ડ તૂટી ગયા છે.
2026 ના માત્ર 7 મહિનામાં આવ્યા 4.65 કરોડ પ્રવાસીઓ
પ્રવાસન વિભાગના લેટેસ્ટ આંકડા મુજબ, વર્ષ 2014 થી જુલાઈ 2026 સુધીમાં કુલ 52 કરોડ 71 લાખ પ્રવાસીઓએ કાશીની મુલાકાત લીધી છે. પરંતુ સૌથી મોટી વાત એ છે કે, માત્ર વર્ષ 2026ના શરૂઆતના 7 મહિનામાં જ (જુલાઈ સુધી) 4 કરોડ 65 લાખ પ્રવાસીઓ કાશી પહોંચ્યા છે.
આ અંગે અર્થશાસ્ત્રના નિષ્ણાત ડૉ. અનૂપ મિશ્રાએ જણાવ્યું કે, જો કોઈ પ્રવાસી વારાણસીમાં રહેવા, જમવા અને ફરવા પાછળ વ્યક્તિદીઠ સરેરાશ 3000 રૂપિયાનો ખર્ચ કરે છે, તો તે ગણતરી મુજબ આ 7 મહિનામાં 4.65 કરોડ પ્રવાસીઓએ સ્થાનિક બજારને 1200 કરોડથી વધુનો સીધો બિઝનેસ આપ્યો છે.
સ્થાનિક અર્થતંત્ર અને રોજગારીને મોટો બૂસ્ટ
પ્રવાસીઓની વધતી સંખ્યાના કારણે વારાણસીના સ્થાનિક અર્થતંત્રને જબરદસ્ત વેગ મળ્યો છે. આર્થિક તેજીનો સીધો ફાયદો નીચે મુજબના વ્યવસાયોને થયો છે.
હોટલ, ગેસ્ટ હાઉસ અને રેસ્ટોરન્ટ સંચાલકો.
બનારસી સાડીના વેપારીઓ અને સ્થાનિક હસ્તકલા કારીગરો
નાવિકો, ઓટો અને ટેક્સી ડ્રાઈવરો
ટૂર અને ટ્રાવેલ ગાઈડ્સ
ફૂલ-હાર અને પૂજાપો વેચતા નાના દુકાનદારો
આ તેજીનું ઉત્તમ ઉદાહરણ ઘાટ પર ફૂલ-હાર વેચતા દિનેશ નામના વેપારી છે. દિનેશ જણાવે છે કે, કાશી વિશ્વનાથ કોરિડોર બન્યા બાદ શ્રદ્ધાળુઓની સંખ્યામાં મોટો ઉછાળો આવ્યો છે. વર્ષ 2021 પહેલા તેઓ રોજના માત્ર 400 થી 500 રૂપિયા કમાઈ શકતા હતા, પરંતુ હવે તેમની આવક બમણી થઈ ગઈ છે અને તેઓ આસાનીથી રોજના 1200 થી 1400 રૂપિયા કમાઈ રહ્યા છે.
'ડબલ એન્જિન' સરકારનો વિકાસ મંત્ર
વારાણસીમાં પ્રવાસન ઉદ્યોગને આટલી ઊંચાઈ પર લઈ જવામાં ડબલ એન્જિન સરકારનો મોટો ફાળો છે. પીએમ નરેન્દ્ર મોદી અને યુપીના સીએમ યોગી આદિત્યનાથે અહીં રોડ, રેલવે અને હવાઈ કનેક્ટિવિટીને મજબૂત કરી છે. પ્રવાસીઓને બહેતર અનુભવ આપવા માટે ઘાટોની સ્વચ્છતા પર વિશેષ ધ્યાન અપાયું છે. સાથે જ, કાશીની પ્રાચીન વિરાસત અને સંસ્કૃતિને જાળવી રાખીને મુખ્ય રસ્તાઓ તથા ઐતિહાસિક સ્થળોનું સુંદર નવીનીકરણ કરવામાં આવ્યું છે.