સાવધાન! ટ્રાફિક ઈ-મેમો ભરવામાં આળસ કરી તો ફસાશો, સુપ્રીમ કોર્ટના નવા આદેશથી આ 4 મોટી મુશ્કેલીઓ આવશે
Traffic E-Challan: ટ્રાફિક ઈ-મેમો ન ભરતા લોકો માટે સુપ્રીમ કોર્ટે લાલ આંખ કરી છે. જાણો લેટેસ્ટ અપડેટ જેમાં ઈ-મેમોની રકમ લાઈટ બિલ સાથે જોડવા અને વાહન જપ્તી સહિતની 4 મોટી કાર્યવાહીના આદેશ અપાયા છે.
માર્ગ સુરક્ષા અંગેની એક જનહિત અરજી પર સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટના જસ્ટિસ જે.બી. પારડીવાલાની બેન્ચે એક બહુ જ કડક અને નવું સૂચન આપ્યું છે.
Traffic E-Challan: જો તમે પણ ટ્રાફિક નિયમો તોડ્યા પછી આવેલો ઈ-મેમો ભરવામાં આળસ કરો છો, તો હવે તમારે સાવધાન થવાની જરૂર છે. વર્તમાન ડિજિટલ યુગમાં સડક પરિવહન મંત્રાલયની નવી સિસ્ટમે નિયમો તોડનારાઓ પર સકંજો કસવાનું શરૂ કરી દીધું છે. ટ્રાફિક ઈ-મેમો ન ભરનારા લોકો સામે હવે સુપ્રીમ કોર્ટે અત્યંત કડક વલણ અપનાવ્યું છે. જો તમે સમયસર દંડની રકમ નહીં ભરો, તો જેલ જવા સુધીની નોબત આવી શકે છે.
સુપ્રીમ કોર્ટનું આકરું વલણ: લાઈટ બિલ સાથે જોડાશે ઈ-મેમો
માર્ગ સુરક્ષા અંગેની એક જનહિત અરજી પર સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટના જસ્ટિસ જે.બી. પારડીવાલાની બેન્ચે એક બહુ જ કડક અને નવું સૂચન આપ્યું છે. કોર્ટે કહ્યું છે કે જે લોકો બેદરકારીથી વાહન ચલાવે છે અને ઈ-મેમો નથી ભરતા, તેમના બાકી દંડની રકમ સીધી તેમના ઘરના વીજ બિલ સાથે જોડી દેવામાં આવે. વીજળી વગર કોઈનું પણ ચાલવાનું નથી, તેથી આ પગલાથી લોકોમાં ટ્રાફિક નિયમો પ્રત્યે જાગૃતિ અને ડર બંને આવશે.
કોર્ટે એ વાત પર પણ ગંભીર ચિંતા વ્યક્ત કરી છે કે હાલમાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મળીને કુલ 45,000 કરોડ રૂપિયાના ઈ-મેમો પેન્ડિંગ છે, જેમાંથી અત્યાર સુધી માત્ર 25,000 કરોડ જ વસૂલ કરી શકાયા છે. કોર્ટના મતે, માત્ર ડિજિટલ મેમો ફાડી દેવો પૂરતો નથી, પણ જમીની સ્તર પર કડક પગલાં લઈને આ રકમની વસૂલાત થવી જ જોઈએ.
ઈ-મેમો ન ભરવા પર થઈ શકે છે આ 4 મોટી મુશ્કેલીઓ
જો તમે મેમો ભરવામાં બેદરકારી દાખવી રહ્યા છો, તો તમારે ભારે કાનૂની અને નાણાકીય નુકસાન સહન કરવા તૈયાર રહેવું પડશે. જાણો કઈ 4 મુશ્કેલીઓ તમારો રસ્તો રોકી શકે છે:
1. કોર્ટના ધક્કા, વોરંટ અને ધરપકડ
જો તમે નિશ્ચિત સમયમર્યાદામાં ઈ-મેમો નથી ભરતા, તો ટ્રાફિક વિભાગ તમારો કેસ સીધો ટ્રાફિક કોર્ટમાં મોકલી દે છે. કોર્ટમાંથી સમન (નોટિસ) આવ્યા પછી પણ જો તમે હાજર ન થાવ, તો તમારી ગેરહાજરીમાં મોટો દંડ ફટકારાઈ શકે છે. સતત અવગણના કરવા પર જજ બિનજામીનપાત્ર વોરંટ કાઢી શકે છે, જેનાથી તમારી ધરપકડ પણ થઈ શકે છે.
2. ડ્રાઈવિંગ લાઈસન્સ સસ્પેન્ડ અને RC બ્લેકલિસ્ટ
વારંવાર ઈ-મેમો પેન્ડિંગ રાખશો તો તમારું ડ્રાઈવિંગ લાઈસન્સ થોડા સમય માટે અથવા તો કાયમ માટે રદ થઈ શકે છે. આટલું જ નહીં, વાહનનું રજીસ્ટ્રેશન સર્ટિફિકેટ પરિવહન વિભાગના પોર્ટલ પર બ્લેકલિસ્ટ કરી દેવામાં આવશે. પરિણામે, તમે તમારી ગાડી બીજા કોઈના નામે ટ્રાન્સફર કરી શકશો નહીં કે વેચી શકશો નહીં.
3. PUC, વીમો અને RTO ના તમામ કામ ઠપ
સુપ્રીમ કોર્ટે અધિકારીઓને સીધો નિર્દેશ આપ્યો છે કે જે વાહન પર મેમો બાકી હોય, તેમને નવું પ્રદૂષણ નિયંત્રણ સર્ટિફિકેટ આપવામાં ન આવે. આ સાથે જ વાહનનું ફિટનેસ સર્ટિફિકેટ, ડુપ્લિકેટ RC કે તેનું રિન્યુઅલ પણ અટકાવી દેવામાં આવશે. તમને તમારો ઈન્સ્યોરન્સ રિન્યૂ કરાવવામાં અને FASTag રિચાર્જ કરવામાં પણ ટેકનિકલ મુશ્કેલીઓનો સામનો કરવો પડશે.
4. રસ્તા પર જ વાહન જપ્ત
સૌથી મોટો ખતરો એ છે કે, હવે રસ્તા પર રેન્ડમ ચેકિંગ દરમિયાન જો ટ્રાફિક પોલીસના હાથમાં રહેલા ડિવાઈસમાં તમારા વાહન પર કોઈ જૂનો બાકી મેમો દેખાશે, તો પોલીસ અધિકારીને ત્યાં જ તમારું વાહન જપ્ત કરવાનો પૂરો કાનૂની અધિકાર રહેશે.
નિયમો હવે અત્યંત કડક બની ગયા છે. અદાલતો અને સડક પરિવહન વિભાગ બંને હવે એક્શન મોડમાં છે. જો તમારા વાહન પર પણ કોઈ જૂનો ટ્રાફિક ઈ-મેમો બાકી હોય, તો મુશ્કેલી વધે તે પહેલા આજે જ તેને ઓનલાઈન અથવા કોર્ટ મારફતે ભરીને ક્લિયર કરી લો. સમજદારી પૂર્વક વાહન ચલાવો અને સુરક્ષિત રહો.