સરકારે એલોન મસ્કની સેટેલાઇટ બ્રોડબેન્ડ સેવા પર નવો પ્રતિબંધ લાદ્યો છે. સ્ટારલિંક પર લાદવામાં આવેલા આ પ્રતિબંધનો ફાયદો જિયો અને એરટેલને થશે. કેન્દ્રીય સંદેશાવ્યવહાર રાજ્યમંત્રી પેમાસાની ચંદ્રશેખરે BSNL ની સમીક્ષા બેઠક દરમિયાન સ્ટારલિંકની સેવા વિશે મોટી વાત કહી છે. કેન્દ્રીય રાજ્યમંત્રીએ કહ્યું કે આ નવો પ્રતિબંધ બજારમાં પહેલાથી હાજર ખેલાડીઓ જેમ કે BSNL અથવા અન્ય ટેલિકોમ કંપનીઓને ખતરો નહીં આપે.
એલોન મસ્કની કંપની પર પ્રતિબંધ લાદતી વખતે, સરકારે કહ્યું છે કે કંપની ભારતમાં મહત્તમ 20 લાખ કનેક્શન વેચી શકે છે. આ ઉપરાંત, તેણે કંપનીની ઇન્ટરનેટ ગતિની મહત્તમ મર્યાદા નક્કી કરવાનો પણ નિર્ણય લીધો છે. સ્ટારલિંક ભારતમાં તેના યુઝર્સને 200Mbps ની મહત્તમ ઝડપે બ્રોડબેન્ડ ઇન્ટરનેટ સેવા પ્રદાન કરી શકે છે.
PTI ના અહેવાલ મુજબ, કેન્દ્રીય સંદેશાવ્યવહાર રાજ્યમંત્રીએ કહ્યું કે 200Mbps ની મર્યાદાથી ટેલિકોમ સેવા પ્રભાવિત થશે નહીં. હાલમાં, ભારતમાં બ્રોડબેન્ડ ઇન્ટરનેટ સેવામાં Jio અને Airtelનું પ્રભુત્વ છે. આ બંને કંપનીઓ વપરાશકર્તાઓને 300Mbps સુધીની ઝડપે બ્રોડબેન્ડ ઇન્ટરનેટ પ્રદાન કરે છે. સ્ટારલિંકની ગતિ 200Mbps હોવાથી, યુઝર્સ આ બે ટેલિકોમ સેવા પ્રદાતાઓને છોડશે નહીં. સ્ટારલિંક ઇન્ટરનેટ સેવાની કિંમત અંગે, કેન્દ્રીય સંદેશાવ્યવહાર રાજ્ય મંત્રીએ કહ્યું કે આ માટે યુઝર્સે દર મહિને લગભગ 3,000 રૂપિયા ખર્ચ કરવા પડશે.
સ્ટારલિંક ટૂંક સમયમાં ભારતમાં તેની સેટેલાઇટ ઇન્ટરનેટ સેવા શરૂ કરવા જઈ રહી છે. કંપનીને તાજેતરમાં સરકાર અને સેટકોમ રેગ્યુલેટર તરફથી અંતિમ મંજૂરી મળી છે. સ્પેક્ટ્રમ ફાળવણી પછી, કંપની તેની બ્રોડબેન્ડ સેવા શરૂ કરી શકે છે.