Trump April 2 Liberation Day: ટ્રમ્પે 2 એપ્રિલને જાહેર કર્યો ‘મુક્તિ દિવસ’, ટ્રેડ વોરની આહટ, જાણો ભારત પર શું પડશે અસર?
ટ્રમ્પે 2 એપ્રિલને ‘મુક્તિ દિવસ’ ગણાવતા કહ્યું કે, તેમની નવી ટેરિફ પોલીસી અમેરિકાને વિદેશી માલ પરની નિર્ભરતામાંથી મુક્ત કરશે. તેમનું કહેવું છે કે આ ટેરિફ એ દેશો દ્વારા અમેરિકી પ્રોડક્ટ્સ પર લગાવવામાં આવતા કરની બરાબર હશે.
ટ્રમ્પે 2 એપ્રિલને ‘મુક્તિ દિવસ’ ગણાવતા કહ્યું કે, તેમની નવી ટેરિફ પોલીસી અમેરિકાને વિદેશી માલ પરની નિર્ભરતામાંથી મુક્ત કરશે.
Trump April 2 Liberation Day: અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે 2 એપ્રિલ, 2025ને ‘મુક્તિ દિવસ’ (લિબરેશન ડે) જાહેર કર્યો છે. આ દિવસથી તેઓ વિવિધ દેશોમાંથી ઇમ્પોર્ટ થતી વસ્તુઓ પર નવા ટેરિફ લાગુ કરવા જઈ રહ્યા છે. ટ્રમ્પે આને અમેરિકા માટે ઐતિહાસિક પગલું ગણાવ્યું છે, જેનો હેતુ દેશને વિદેશી વસ્તુઓ પરની નિર્ભરતામાંથી મુક્ત કરવાનો અને અમેરિકી અર્થતંત્રને મજબૂત બનાવવાનો છે. આ જાહેરાતએ ભારત સહિત ગ્લોબલ ટ્રેડ, બજારો અને ગ્રાહકોમાં ચર્ચા અને અનિશ્ચિતતા ઊભી કરી છે. આનાથી અમેરિકા અને તેના વેપારી ભાગીદારો વચ્ચે પહેલેથી ચાલતું ટ્રેડ વોર વધુ ગાઢ થવાની શક્યતા છે.
‘મુક્તિ દિવસ’ શું છે? - ટેરિફ યોજના અને ઉદ્દેશ્ય
ટ્રમ્પે 2 એપ્રિલને ‘મુક્તિ દિવસ’ ગણાવતા કહ્યું કે, તેમની નવી ટેરિફ પોલીસી અમેરિકાને વિદેશી માલ પરની નિર્ભરતામાંથી મુક્ત કરશે. તેમનું કહેવું છે કે આ ટેરિફ એ દેશો દ્વારા અમેરિકી પ્રોડક્ટ્સ પર લગાવવામાં આવતા કરની બરાબર હશે. જોકે, આ પોલીસીનો અમલ કેવી રીતે થશે તે અંગે હજુ સ્પષ્ટતા નથી. ટ્રમ્પનું માનવું છે કે આ પગલું અમેરિકાના વેપાર અસંતુલનને સુધારશે અને એ દેશોને જવાબ આપશે જે અમેરિકી માલ પર ભારે ટેરિફ લગાવે છે. ટ્રમ્પે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર લખ્યું, “દાયકાઓથી આપણે વિશ્વના દરેક દેશ, મિત્રો અને દુશ્મનો બંને દ્વારા લૂંટાયા છીએ. હવે સમય આવી ગયો છે કે અમેરિકા પોતાના પૈસા અને સન્માન પાછું મેળવે.”
ટ્રમ્પ પ્રશાસને સંકેત આપ્યા છે કે આ ટેરિફ એવા દેશો પર કેન્દ્રિત હશે જે અમેરિકા સાથે મોટો વેપાર અધિશેષ ધરાવે છે, જેમ કે ચીન, યુરોપિયન યુનિયન, મેક્સિકો, વિયતનામ, જાપાન અને ભારત.
કયા પ્રોડક્ટ્સ પર લાગશે ટેરિફ?
વ્હાઇટ હાઉસના પ્રવક્તા કેરોલિન લેવિટના જણાવ્યા મુજબ, ટ્રમ્પ બુધવારે લગભગ તમામ વેપારી ભાગીદારો પર ટેરિફ લાગુ કરવાની યોજના રજૂ કરશે. આ ટેરિફનું સ્વરૂપ હજુ અસ્પષ્ટ છે. ખાસ કરીને યુરોપિયન યુનિયન, દક્ષિણ કોરિયા, બ્રાઝિલ અને ભારત જેવા દેશોમાંથી ઇમ્પોર્ટ થતી વસ્તુઓ પર ટેરિફ લાગી શકે છે. ટ્રમ્પે પહેલાથી જ ઓટોમોબાઇલ અને ઓટો પાર્ટ્સ પર 25% ટેરિફની જાહેરાત કરી છે. આ ઉપરાંત, તેલ અને ગેસ, કૃષિ પ્રોડક્ટ્સ, ફાર્માસ્યુટિકલ્સ અને સેમિકન્ડક્ટર જેવા ઉદ્યોગો પર પણ ટેરિફ લાગવાની શક્યતા છે. ખાસ કરીને, ટ્રમ્પે વેનેઝુએલાથી તેલ અને ગેસ ખરીદનારા દેશો પર 25% ટેરિફની ધમકી આપી છે. જોકે, તેમણે સંકેત આપ્યો છે કે કેટલાક દેશોને છૂટ આપી શકાય છે.
ટ્રેડ અને અર્થતંત્ર પર અસર
અર્થશાસ્ત્રીઓનું કહેવું છે કે આ પગલાથી અમેરિકી ઉદ્યોગોને થોડી રાહત મળી શકે છે, પરંતુ ગ્રાહકો પર સીધી અસર પડશે, કારણ કે ઇમ્પોર્ટી વસ્તુઓ મોંઘી થશે. ઘણી કંપનીઓની ઉત્પાદન કિંમત વધશે, જેનાથી વૈશ્વિક પુરવઠા શૃંખલા પ્રભાવિત થઈ શકે છે. વ્હાઇટ હાઉસના વેપાર સલાહકાર પીટર નાવારોએ જણાવ્યું કે આ ટેરિફથી અમેરિકાને વાર્ષિક 600 અબજ ડોલરની વધારાની આવક મળી શકે છે.
ભારત પર શું અસર પડશે?
ભારત જેવા દેશો માટે આ ટેરિફ નિકાસ પર અસર કરી શકે છે. ભારત અમેરિકાને ફર્નિચર, ઇલેક્ટ્રોનિક્સ અને કાપડ જેવા પ્રોડક્ટ્સની મોટી નિકાસ કરે છે. જો ભારત પર ટેરિફ લાગે તો ભારતીય કંપનીઓને નુકસાન થઈ શકે છે. બીજી તરફ, કેટલાક નિષ્ણાતો માને છે કે ટ્રમ્પની ‘ફેક્સિબ્લીટી’ની વાત ભારત જેવા મિત્ર દેશો માટે રાહતની શક્યતા દર્શાવે છે.
ભારત પર નેગેટિવ અસર
નિકાસમાં ઘટાડો: ભારત અમેરિકાને કાપડ, ફર્નિચર, ઓટો પાર્ટ્સ, ઇલેક્ટ્રોનિક્સ અને ફાર્માસ્યુટિકલ્સની નિકાસ કરે છે. ટેરિફથી આ પ્રોડક્ટ્સ મોંઘા થશે, જેનાથી માંગ ઘટી શકે છે.
ફાર્માસ્યુટિકલ ઉદ્યોગ: ભારત જેનેરિક દવાઓનો મોટો સપ્લાયર છે. ટેરિફથી દવાઓની કિંમતો વધી શકે છે.
આર્થિક અસર: નિકાસ ઘટવાથી ભારતના નાના અને મધ્યમ ઉદ્યોગોને નુકસાન થઈ શકે છે, જે રોજગાર અને વિદેશી હૂંડિયામણ પર અસર કરશે.
સંભવિત સકારાત્મક પાસું
છૂટની શક્યતા: ભારત અને અમેરિકા વચ્ચેના મજબૂત સંબંધોને જોતાં ભારતને આંશિક કે સંપૂર્ણ છૂટ મળી શકે છે.
ઉત્પાદનની તક: અમેરિકી કંપનીઓ ઇમ્પોર્ટ ઘટાડવા સ્થાનિક ઉત્પાદન વધારે તો ભારત આકર્ષક સ્થળ બની શકે છે.
ચીન સાથે સ્પર્ધામાં ફાયદો: ચીન પર ભારે ટેરિફથી ભારત અમેરિકી બજારમાં તેનું સ્થાન લઈ શકે છે.
ભારત-અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલ પર વાતચીત
આ દરમિયાન, ભારત અને અમેરિકાએ આગામી સપ્તાહોમાં દ્વિપક્ષીય વેપાર સમજૂતી (બીટીએ) હેઠળ વાતચીત શરૂ કરવાનો નિર્ણય લીધો છે. વાણિજ્ય મંત્રાલયે જણાવ્યું કે ચાર દિવસની બેઠક બાદ આ નિર્ણય લેવાયો છે, જેમાં બજાર પ્રવેશ, ટેરિફ ઘટાડવા અને પુરવઠા શૃંખલા એકીકરણ પર ચર્ચા થઈ.