ડોનાલ્ડ ટ્રમ્પના મોટા પુત્ર ડોનાલ્ડ જુનિયર અને એરિક ટ્રમ્પ, જેઓ ટ્રમ્પ ઓર્ગેનાઇઝેશનના એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડન્ટ છે, તેઓ ક્રિપ્ટો બિઝનેસનું નેતૃત્વ કરી રહ્યા છે.
Trump Family Crypto Business: અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો પરિવાર ક્રિપ્ટો બિઝનેસમાંથી કરોડોની કમાણી કરી રહ્યો છે. બ્લૂમબર્ગના અહેવાલ મુજબ, ટ્રમ્પ ફેમિલીએ તેમની બે ક્રિપ્ટો ફર્મ, વર્લ્ડ લિબર્ટી ફાઇનાન્સિયલ અને અમેરિકન બિટકોઇન કોર્પ દ્વારા થોડા જ અઠવાડિયામાં 1.3 બિલિયન ડોલર (આશરે 11,451 કરોડ)ની કમાણી કરી છે. ખાસ વાત એ છે કે આ બંને બિઝનેસને શરૂ થયે હજુ એક વર્ષ પણ નથી થયું.
ટ્રમ્પ ફેમિલીની કુલ નેટવર્થ હવે 7.7 બિલિયન ડોલર (આશરે 67,808 કરોડ) સુધી પહોંચી ગઈ છે, જેમાં તેમના ગોલ્ફ કોર્સ, રિસોર્ટ પ્રોપર્ટી અને ક્રિપ્ટો બિઝનેસનો મોટો ફાળો છે. આ નેટવર્થમાં 4 બિલિયન ડોલરના લોક્ડ ટોકન્સ સિવાયની ક્રિપ્ટો એસેટ્સનો પણ સમાવેશ થાય છે.
ટ્રમ્પના પુત્રોના હાથમાં ક્રિપ્ટો બિઝનેસની કમાન
ડોનાલ્ડ ટ્રમ્પના મોટા પુત્ર ડોનાલ્ડ જુનિયર અને એરિક ટ્રમ્પ, જેઓ ટ્રમ્પ ઓર્ગેનાઇઝેશનના એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડન્ટ છે, તેઓ ક્રિપ્ટો બિઝનેસનું નેતૃત્વ કરી રહ્યા છે. એરિક ટ્રમ્પની અમેરિકન બિટકોઇન કોર્પમાં હિસ્સેદારીનું મૂલ્ય 3 સપ્ટેમ્બરે ટ્રેડિંગ શરૂ થયું ત્યારે 500 મિલિયન ડોલરથી વધુ હતું.
આ ઉપરાંત, ટ્રમ્પના સૌથી નાના પુત્ર બેરન ટ્રમ્પ દ્વારા સહ-સ્થાપિત વર્લ્ડ લિબર્ટી ફાઇનાન્સિયલે 1 સપ્ટેમ્બરે ટોકન ટ્રેડિંગ શરૂ કર્યું અને લિસ્ટેડ કંપની Alt5 સિગ્મા સાથે ટોકન સ્ટોકપાઇલ કરવાનો કરાર કર્યો, જેનાથી ફેમિલીની નેટવર્થમાં 670 મિલિયન ડોલરનો વધારો થયો.
ડેમોક્રેટ્સની ટીકા અને એરિક ટ્રમ્પનો જવાબ
ટ્રમ્પ ફેમિલીનો ક્રિપ્ટો બિઝનેસ તેમની સંપત્તિ વધારવાનું મુખ્ય સાધન બની ગયો છે, જે પરંપરાગત રિયલ એસ્ટેટ અને ગોલ્ફ કોર્સ બિઝનેસથી આગળ નીકળી રહ્યો છે. જોકે, આને કારણે ડેમોક્રેટિક સાંસદો અને નીતિશાસ્ત્રના નિષ્ણાતો તેમના પર હિતોના ટકરાવનો આરોપ લગાવી રહ્યા છે. તેઓનું કહેવું છે કે ટ્રમ્પ ફેમિલી ક્રિપ્ટો માર્કેટમાંથી નફો કમાઈ રહી છે, જ્યારે રાષ્ટ્રપતિ ટ્રમ્પ આ ઉદ્યોગ પરના નિયમોને હળવા કરી રહ્યા છે.
આ ટીકાઓના જવાબમાં એરિક ટ્રમ્પે એક ઇન્ટરવ્યૂમાં સ્પષ્ટ કર્યું કે, “અમારા પિતા, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો અમારા ક્રિપ્ટો બિઝનેસ સાથે કોઈ સંબંધ નથી. તેઓ દેશ ચલાવે છે અને અમારા બિઝનેસમાં કોઈ રીતે સામેલ નથી.”
ક્રિપ્ટો પ્રેસિડન્ટનો દાવો
ડોનાલ્ડ ટ્રમ્પ પોતાને ‘ક્રિપ્ટો પ્રેસિડન્ટ’ તરીકે ઓળખાવે છે અને માને છે કે ક્રિપ્ટો બેંકિંગ સિસ્ટમમાં સુધારો લાવી શકે છે અને અમેરિકી ડોલરની સ્થિતિને મજબૂત કરી શકે છે. જોકે, તેમના પરિવારની ક્રિપ્ટોમાંથી થયેલી આ અધધ... કમાણીએ રાજકીય અને નૈતિક ચર્ચાઓને વેગ આપ્યો છે.