અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ફેબ્રુઆરી 2025માં દાવો કર્યો હતો કે યુનાઈટેડ સ્ટેટ્સ એજન્સી ફોર ઇન્ટરનેશનલ ડૅવલપમેન્ટ (USAID)એ ભારતની ચૂંટણી પ્રક્રિયાને પ્રભાવિત કરવા 21 મિલિયન ડોલર (લગભગ 172 કરોડ રૂપિયા) ફાળવ્યા હતા. આ દાવાએ ભારતમાં રાજકીય વિવાદને જન્મ આપ્યો હતો. જોકે, દિલ્હીસ્થિત અમેરિકન દૂતાવાસે આ દાવાને સંપૂર્ણપણે નકારી કાઢ્યો છે.
અમેરિકન દૂતાવાસનું સ્પષ્ટ નિવેદન
અમેરિકન દૂતાવાસે ભારતના વિદેશ મંત્રાલયને જણાવ્યું કે, “2014થી 2024 સુધી USAIDએ ભારતની ચૂંટણી પ્રક્રિયા માટે કોઈ ફંડિંગ કર્યું નથી, ન તો આવી કોઈ ગતિવિધિ હાથ ધરાઈ છે.” દૂતાવાસે એમ પણ સ્પષ્ટ કર્યું કે, “15 ઓગસ્ટ, 2024થી ભારતમાં USAIDની તમામ સંચાલન કામગીરી બંધ કરાઈ છે.”
2 જુલાઈ, 2025ના રોજ ભારતીય સંસદમાં રજૂ કરાયેલા ડેટા અનુસાર, USAIDએ 2014થી 2024 દરમિયાન ભારતને આપેલા ફંડની વિગતો જાહેર કરાઈ. આ ડેટામાં સ્પષ્ટ છે કે મતદાર ભાગીદારી વધારવા માટે કોઈ ફંડ ફાળવાયું નથી. અમેરિકન દૂતાવાસે પણ આ વાતની પુષ્ટિ કરી છે. અમેરિકન દૂતાવાસના નિવેદન અને સંસદમાં રજૂ થયેલા પુરાવાઓએ ટ્રમ્પના દાવાને ખોટો સાબિત કર્યો છે. આ ઘટનાએ ભારત-અમેરિકા સંબંધો અને આંતરરાષ્ટ્રીય રાજનીતિમાં ચર્ચાનો નવો વિષય ઉભો કર્યો છે.