US-Iran War: ટ્રમ્પને ઈરાનનો નવો પ્લાન ના ભાયો! ‘ડીલ મુશ્કેલ છે’ કહીને વધારી દીધી કડકાઈ, જાણો હવે આગળ શું થશે?
US-Iran War: અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ ચરમસીમાએ છે. ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનના નવા શાંતિ પ્રસ્તાવ પર શંકા વ્યક્ત કરી છે, તો બીજી તરફ નોબેલ વિજેતા નરગીસ મોહમ્મદીની હાલત લથડતા માનવાધિકારની ચિંતા વધી છે. જાણો શું છે સમગ્ર મામલો.
US-Iran War: અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ ચરમસીમાએ છે.
US-Iran War: અમેરિકા અને ઈરાન વચ્ચેનો વિવાદ હવે એક નવા વળાંક પર આવી ગયો છે. એક તરફ ઈરાન યુદ્ધ વિરામ માટે નવા પ્રસ્તાવો મોકલી રહ્યું છે, તો બીજી તરફ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આ પ્રસ્તાવોને ગંભીરતાથી લેવાના મૂડમાં હોય તેવું લાગતું નથી. ટ્રમ્પના તાજેતરના નિવેદનોએ સ્પષ્ટ કરી દીધું છે કે આગામી સમયમાં બંને દેશો વચ્ચેની ખેંચતાણ હજુ વધી શકે છે.
ટ્રમ્પનો ઈરાન પર પ્રહાર: "હજુ પૂરી કિંમત ચૂકવી નથી"
શનિવારે મીડિયા સાથે વાત કરતા ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે તે ઈરાન તરફથી મળેલા નવા પ્રસ્તાવની સમીક્ષા કરી રહ્યા છે. જોકે, તેમણે સ્પષ્ટ શબ્દોમાં શંકા વ્યક્ત કરી કે આ પ્રસ્તાવથી કોઈ નક્કર સમજૂતી થઈ શકશે. ટ્રમ્પે સોશિયલ મીડિયા પર પણ લખ્યું કે, "મને નથી લાગતું કે આ પ્રસ્તાવ સ્વીકારવા લાયક હોય. છેલ્લા કેટલાક દાયકાઓમાં ઈરાને જે કંઈ કર્યું છે, તેના બદલામાં તેણે હજુ પૂરતી કિંમત ચૂકવી નથી."
ટ્રમ્પના આ વલણથી સ્પષ્ટ થાય છે કે અમેરિકા અત્યારે ઈરાન પર દબાણ ઘટાડવા માંગતું નથી. તેમણે વધુમાં ઉમેર્યું કે ટૂંક સમયમાં જ તેમને આ પ્રસ્તાવનો સચોટ ડ્રાફ્ટ સોંપવામાં આવશે, ત્યારબાદ જ તે અંતિમ નિર્ણય લેશે.
નોબેલ વિજેતા નરગીસ મોહમ્મદીની હાલત નાજુક
આ ગંભીર તણાવ વચ્ચે ઈરાનની જેલમાં બંધ નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતા નરગીસ મોહમ્મદીની તબિયત લથડતા આંતરરાષ્ટ્રીય સ્તરે ચિંતા પ્રસરી છે. શુક્રવારે નરગીસને ઝંઝાન શહેરની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અહેવાલો મુજબ, તેમને હૃદયની ગંભીર બીમારીના કારણે બેભાન અવસ્થામાં હોસ્પિટલ ખસેડાયા છે.
તેમના પતિ તાઘી રહમાનીએ ગંભીર આક્ષેપ કર્યો છે કે ઈરાનનું ગુપ્તચર મંત્રાલય તેમને વધુ સારા ઇલાજ માટે તેહરાન ટ્રાન્સફર થવા દેતું નથી. નરગીસ મોહમ્મદી 12 ડિસેમ્બરથી જેલમાં છે અને તેમના પર સરકાર વિરોધી પ્રચારના આરોપો છે. માનવાધિકાર સંગઠનોએ તેમની તાત્કાલિક મુક્તિ અને યોગ્ય સારવારની માંગ કરી છે.
દરિયાઈ માર્ગે ઈરાનને ઘેરવાની અમેરિકાની તૈયારી
અમેરિકાએ હવે ઈરાનની આર્થિક કમર તોડવા માટે 'સ્ટ્રેટ ઓફ હોર્મુઝ' પર કડકાઈ વધારી દીધી છે. અમેરિકાએ તમામ શિપિંગ કંપનીઓને કડક ચેતવણી આપી છે કે જો કોઈ કંપની ઈરાનને સુરક્ષિત રસ્તો આપવા બદલ નાણાં ચૂકવશે, તો તેના પર કડક પ્રતિબંધો લાદવામાં આવશે.
અમેરિકાએ સ્પષ્ટ કર્યું છે કે માત્ર રોકડ જ નહીં, પણ ડિજિટલ પેમેન્ટ કે અન્ય કોઈ પણ રીતે કરેલી ચુકવણી ગુનો ગણાશે. 13 એપ્રિલથી ઈરાનના બંદરોની અમેરિકાએ નૌકાદળ દ્વારા ઘેરાબંધી કરી છે, જેના કારણે અત્યાર સુધીમાં 48 જેટલા વેપારી જહાજોને પાછા વળવું પડ્યું છે. આનાથી ઈરાનની ઓઈલ નિકાસને મોટો ફટકો પડ્યો છે.
ઈરાનમાં જાસૂસીના આરોપમાં બે ને ફાંસી
દેશમાં વધતા દબાણ વચ્ચે ઈરાને પણ કડક વલણ અપનાવ્યું છે. શનિવારે ઈરાન સરકારે બે વ્યક્તિઓને ફાંસી આપી દીધી છે. તેમના પર ઈઝરાયેલની ગુપ્તચર એજન્સી 'મોસાદ' માટે જાસૂસી કરવાનો આરોપ હતો.
ફાંસી પામેલા શખ્સોમાં યાકુબ કરીમપુર અને નાસેર બેકરજાદેહનો સમાવેશ થાય છે. નાસેર પર આરોપ હતો કે તેણે નતાન્જ પરમાણુ કેન્દ્ર સાથે જોડાયેલી સંવેદનશીલ માહિતી દુશ્મન દેશોને મોકલી હતી. માનવાધિકાર સંગઠનો આ ફાંસીની ટીકા કરી રહ્યા છે, કારણ કે ઈરાનમાં આવી સુનાવણીઓ ઘણીવાર ગુપ્ત રીતે કરવામાં આવે છે.
અત્યારે અમેરિકા અને ઈરાન વચ્ચેની સ્થિતિ 'યુદ્ધ પણ નહીં અને શાંતિ પણ નહીં' જેવી છે. ટ્રમ્પની કડકાઈ અને ઈરાનની આર્થિક નાકાબંધી સૂચવે છે કે આગામી દિવસોમાં આ વિવાદ વધુ વકરી શકે છે. શું ઈરાન નવો અને વધુ નમ્ર પ્રસ્તાવ રજૂ કરશે કે પછી સંઘર્ષ વધુ ઉગ્ર બનશે, તેના પર આખી દુનિયાની નજર છે.