આધાર ફેસ ઓથેન્ટિકેશન સોલ્યુશન ઓક્ટોબર 2022માં શરૂ થયું ત્યારથી અત્યાર સુધીમાં કુલ 130.5 કરોડથી વધુ ટ્રાન્ઝેક્શન નોંધાયા છે, જેમાંથી લગભગ 102 કરોડ ટ્રાન્ઝેક્શન નાણાકીય વર્ષ 2024-25માં થયા છે. આ આંકડા દર્શાવે છે કે આ સુવિધા આધાર ધારકો માટે કેટલી ઉપયોગી અને સરળ બની રહી છે.
જાન્યુઆરીથી માર્ચ 2025ના ત્રણ મહિનામાં 39.5 કરોડ ફેસ ઓથેન્ટિકેશન ટ્રાન્ઝેક્શન થયા છે. ખાસ કરીને માર્ચ મહિનામાં 15.25 કરોડથી વધુ ટ્રાન્ઝેક્શન નોંધાયા, જે ફેબ્રુઆરીની સરખામણીમાં 21.6 ટકાનો વધારો દર્શાવે છે.
આ સિદ્ધિ ફિનટેક, નાણાકીય સેવાઓ અને ટેલિકોમ સહિતના વિવિધ ક્ષેત્રોમાં આ નવી બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન પદ્ધતિ પરના વધતા વિશ્વાસ અને તેની સ્વીકૃતિને રેખાંકિત કરે છે. કેન્દ્ર અને રાજ્ય સરકારોની ઘણી સેવાઓ આ ટેક્નોલોજીનો ઉપયોગ લાભાર્થીઓને સરળતાથી લાભ પહોંચાડવા માટે કરી રહી છે. પીએમ આવાસ (શહેરી), પીએમ ઈ-ડ્રાઇવ, પીએમ-જેએવાય, પીએમ ઉજ્જવલા, પીએમ કિસાન અને પીએમ ઇન્ટર્નશિપ જેવી મહત્વપૂર્ણ યોજનાઓમાં આધાર ફેસ ઓથેન્ટિકેશનનો ઉપયોગ થઈ રહ્યો છે.
આ ટેક્નોલોજી ખાસ કરીને વૃદ્ધ નાગરિકો અને એવા લોકો માટે ઉપયોગી સાબિત થઈ રહી છે જેમના ફિંગરપ્રિન્ટ્સ મેન્યુઅલ કામ અથવા આરોગ્ય સમસ્યાઓને કારણે સ્પષ્ટ નથી હોતા. હાલમાં, સરકારી અને ખાનગી ક્ષેત્રની 102 સંસ્થાઓ આ સુવિધાનો ઉપયોગ કરી રહી છે.
આ ઓથેન્ટિકેશન પદ્ધતિ યુઝર્સને માત્ર ચહેરાના સ્કેનથી પોતાની ઓળખ ચકાસવાની સુવિધા આપે છે, જે સરળતાની સાથે સખત સુરક્ષા ધોરણો જાળવી રાખે છે, એમ મંત્રાલયના નિવેદનમાં જણાવાયું છે.