EPFOએ 15 નવી બેન્કો સાથે કરી ભાગીદારી, કુલ 32 બેન્કો દ્વારા યોગદાન સંગ્રહ શક્ય
કેન્દ્રીય મંત્રીએ ઓટો ક્લેઈમ સેટલમેન્ટ પ્રક્રિયાને પણ મહત્વની સુધારણા ગણાવી. "આ પ્રક્રિયાથી દાવાઓ ત્રણ દિવસમાં નિવારણ થઈ રહ્યા છે. 2024-25માં અમે 2.34 કરોડ દાવાઓનું ઓટો-પ્રોસેસિંગ કર્યું, જે 2023-24ના 89.52 લાખની સરખામણીએ 160 ટકાનો વધારો છે," એમ તેમણે જણાવ્યું.
ડૉ. માંડવિયાએ જણાવ્યું કે, ગ્રાહક સંતોષમાં નોંધપાત્ર સુધારો થયો છે અને EPFO હવે EPFO 3.0 તરફ આગળ વધી રહ્યું છે
એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન (EPFO) એ કેન્દ્રીય શ્રમ અને રોજગાર, યુવા બાબતો અને રમતગમત મંત્રી ડૉ. મનસુખ માંડવિયાની હાજરીમાં 15 નવી સરકારી અને ખાનગી બેન્કો સાથે કરાર કર્યા છે. આ નવી ભાગીદારીથી EPFOના યોગદાન સંગ્રહ માટે હવે કુલ 32 બેન્કો ઉપલબ્ધ થશે.
આ 15 નવી બેન્કો દ્વારા લગભગ 12,000 કરોડ રૂપિયાનું વાર્ષિક યોગદાન સીધું ચૂકવવાની સુવિધા મળશે અને જે નોકરીદાતાઓ આ બેન્કોમાં ખાતા ધરાવે છે, તેમને સીધો લાભ મળશે. EPFOએ અગાઉ 17 બેન્કોને પેનલમાં સામેલ કરી હતી, અને હવે આ સંખ્યા 32 થઈ ગઈ છે.
કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ જણાવ્યું કે, EPFO જેવી સંસ્થાઓ "નવા ભારત"ના નિર્માણમાં મહત્વનું યોગદાન આપી રહી છે. તેમણે કહ્યું કે, લગભગ 8 કરોડ સક્રિય સભ્યો અને 78 લાખથી વધુ પેન્શનરો સાથે EPFO લાખો લોકો માટે સામાજિક સુરક્ષા સુનિશ્ચિત કરે છે.
તેમણે ઉમેર્યું કે, EPFO સતત પ્રગતિ કરી રહ્યું છે અને EPFO 2.01 જેવી મજબૂત આઈટી સિસ્ટમથી દાવાઓનું નિવારણ ઝડપી બન્યું છે. નાણાકીય વર્ષ 2024-25માં EPFOએ 6 કરોડથી વધુ દાવાઓનું નિવારણ કર્યું, જે ગત વર્ષે (2023-24)ના 4.45 કરોડની સરખામણીએ 35 ટકાનો વધારો દર્શાવે છે.
ડૉ. માંડવિયાએ જણાવ્યું કે, ગ્રાહક સંતોષમાં નોંધપાત્ર સુધારો થયો છે અને EPFO હવે EPFO 3.0 તરફ આગળ વધી રહ્યું છે, જેથી તે બેન્કો જેટલું સુલભ અને કાર્યક્ષમ બને.
તેમણે સેન્ટ્રલાઈઝ્ડ પેન્શન પેમેન્ટ સિસ્ટમની શરૂઆતને એક મહત્વનું પગલું ગણાવ્યું. "આ સિસ્ટમથી 78 લાખથી વધુ પેન્શનરોને ફાયદો થશે, જેઓ હવે દેશભરના કોઈપણ બેન્ક ખાતામાં પેન્શન મેળવી શકશે. અગાઉ પેન્શનરોએ ચોક્કસ ઝોનલ બેન્કમાં ખાતું રાખવું પડતું હતું, પરંતુ હવે આ બંધન દૂર કરાયું છે," એમ તેમણે સમજાવ્યું.
કેન્દ્રીય મંત્રીએ ઓટો ક્લેઈમ સેટલમેન્ટ પ્રક્રિયાને પણ મહત્વની સુધારણા ગણાવી. "આ પ્રક્રિયાથી દાવાઓ ત્રણ દિવસમાં નિવારણ થઈ રહ્યા છે. 2024-25માં અમે 2.34 કરોડ દાવાઓનું ઓટો-પ્રોસેસિંગ કર્યું, જે 2023-24ના 89.52 લાખની સરખામણીએ 160 ટકાનો વધારો છે," એમ તેમણે જણાવ્યું.
તેમણે ખુશી વ્યક્ત કરી કે EPFO તેના લાભાર્થીઓને 8.25 ટકા વ્યાજ દર ઓફર કરી રહ્યું છે. બેન્કોની સેવાઓમાં ભાગીદારીથી EPFOની કાર્યક્ષમતા વધશે અને સુશાસનમાં સુધારો થશે.
EPFOમાં નવી ઉમેરાયેલી બેન્કોમાં HSBC બેન્ક, સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેન્ક, ફેડરલ બેન્ક, ઈન્ડસઈન્ડ બેન્ક, કરુર વૈશ્ય બેન્ક, RBL બેન્ક, સાઉથ ઈન્ડિયન બેન્ક, સિટી યુનિયન બેન્ક, IDFC ફર્સ્ટ બેન્ક, UCO બેન્ક, કર્ણાટક બેન્ક, ડેવલપમેન્ટ બેન્ક ઓફ સિંગાપોર, તમિલનાડુ મર્કન્ટાઈલ બેન્ક, ડેવલપમેન્ટ ક્રેડિટ બેન્ક અને બંધન બેન્કનો સમાવેશ થાય છે.