8th Pay Commission: સરકારી કર્મચારીઓ માટે મોટા સમાચાર, ક્યારે વધશે પગાર? સરકારે આપી ફાઈનલ ડેડલાઈન
8th Pay Commission ની કામગીરી શરૂ થઈ ગઈ છે. સરકારે રાજ્યસભામાં જણાવ્યું કે કમિશન 18 મહિનામાં તેનો રિપોર્ટ સોંપશે. પેન્શનના નિયમોમાં કોઈ ફેરફાર નહીં થાય. જાણો પગાર વધારા અંગેની લેટેસ્ટ અપડેટ.
સરકારે માહિતી આપી કે જાન્યુઆરી 2026 માં સ્ટાફ સાઈડ (NC-JCM) ને જાણ કરવામાં આવી હતી કે 8th Pay Commission માટે ઓફિસની ફાળવણી કરી દેવામાં આવી છે.
8th Pay Commission: દેશના કરોડો કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનધારકો જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, તે 8th Pay Commissionને લઈને સરકારે મહત્વની સ્પષ્ટતા કરી છે. સરકારે રાજ્યસભામાં સત્તાવાર રીતે જણાવ્યું છે કે પગાર પંચની રચના થઈ ચૂકી છે અને તેનું કામકાજ શરૂ કરી દેવામાં આવ્યું છે.
ક્યારે આવશે રિપોર્ટ?
રાજ્યસભામાં સાંસદ જાવેદ અલી ખાનના પ્રશ્નનો લેખિત જવાબ આપતા નાણા રાજ્ય મંત્રી પંકજ ચૌધરીએ જણાવ્યું હતું કે, સરકારે 3 નવેમ્બર 2025 ના રોજ 8th Pay Commission ની રચના અને તેના કાર્યક્ષેત્રને લઈને નોટિફિકેશન બહાર પાડ્યું હતું. નિયમ મુજબ, આ પંચ તેની રચનાની તારીખથી 18 મહિનાની અંદર સરકારને પોતાની ભલામણો સોંપશે. એટલે કે પગાર વધારા માટેની સમયસીમા હવે નિશ્ચિત છે.
પગાર, ભથ્થાં અને પેન્શન પર ફોકસ
મંત્રીએ સ્પષ્ટ કર્યું કે 8th Pay Commission ને કેન્દ્ર સરકારના કર્મચારીઓના પગાર, ભથ્થાં અને પેન્શન સાથે જોડાયેલા તમામ મહત્વપૂર્ણ મુદ્દાઓ પર રિપોર્ટ તૈયાર કરવાની જવાબદારી સોંપવામાં આવી છે. કમિશન આ તમામ પાસાઓનો અભ્યાસ કરીને સરકારને પોતાનો રિપોર્ટ આપશે, જેના આધારે ભવિષ્યમાં કર્મચારીઓના પગારમાં વધારો કરવામાં આવશે.
પેન્શનના નિયમોમાં કોઈ ફેરફાર નહીં
ઘણા નિવૃત્ત કર્મચારીઓમાં એવી આશંકા હતી કે શું રિટાયરમેન્ટની તારીખના આધારે પેન્શનમાં કોઈ ફેરફાર કે ભેદભાવ કરવામાં આવશે? આ અંગે સરકારે સ્પષ્ટતા કરતા કહ્યું છે કે પેન્શનધારકો વચ્ચે કોઈ ભેદભાવ રાખવામાં આવશે નહીં. પેન્શનના નિયમોમાં હાલ કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
હાલમાં કેન્દ્ર સરકારના કર્મચારીઓની પેન્શન 'કેન્દ્રીય સિવિલ સેવા નિયમ, 2021' અને 2023 ના નિયમો મુજબ જ નક્કી થાય છે. ફાઇનાન્સ એક્ટ 2025 માત્ર પેન્શનની જવાબદારીઓને કાયદેસરતા આપે છે, તેનાથી પેન્શનના મળતા લાભોમાં કોઈ કાપ કે ફેરફાર થતો નથી.
કામગીરી પૂરજોશમાં શરૂ
સરકારે માહિતી આપી કે જાન્યુઆરી 2026 માં સ્ટાફ સાઈડ (NC-JCM) ને જાણ કરવામાં આવી હતી કે 8th Pay Commission માટે ઓફિસની ફાળવણી કરી દેવામાં આવી છે. આ ઉપરાંત, કમિશનનું કામકાજ સંભાળવા માટે જરૂરી સ્ટાફ અને અધિકારીઓની ભરતી માટે વેકેન્સી સર્ક્યુલર પણ જાન્યુઆરીમાં બહાર પાડી દેવામાં આવ્યો છે. ટૂંકમાં, સરકારે સંકેત આપી દીધો છે કે પગાર પંચ તેની નક્કી કરેલી પ્રક્રિયા મુજબ આગળ વધી રહ્યું છે અને 18 મહિનાની સમયમર્યાદામાં તે પોતાની રિપોર્ટ સરકારને સુપરત કરશે.