1 કરોડનું ફંડ ભેગું કર્યા પછી માત્ર રિટર્ન નહીં, પરંતુ રિસ્ક મેનેજમેન્ટ પણ જરૂરી છે. જાણો એક્સપર્ટ પાસેથી ઇક્વિટી, ડેટ અને ગોલ્ડમાં રોકાણની સાચી સ્ટ્રેટેજી.
Portfolio Allocation Strategy: જ્યારે તમારું રોકાણ 1 કરોડ જેવા મોટા આંકડા સુધી પહોંચી જાય છે, ત્યારે માત્ર 'વધારે રિટર્ન' મેળવવાની લ્હાયમાં રહેવું પૂરતું નથી. વર્તમાન સમયમાં શેરબજારના ઉતાર-ચઢાવ, તમારી જોખમ લેવાની ક્ષમતા અને ભવિષ્યમાં પૈસાની જરૂરિયાતનો સમય - આ તમામ બાબતો ખૂબ જ મહત્વપૂર્ણ બની જાય છે.
આવા સમયે ઇક્વિટી, ડેટ અને ગોલ્ડમાં કેટલા પૈસા લગાવવા જોઈએ? પ્રુડન્ટ ઇન્વેસ્ટમેન્ટ મેનેજર્સના CEO પ્રશસ્ત સેઠ પાસેથી સમજીએ કે એક આદર્શ અને સંતુલિત પોર્ટફોલિયો માટેની શ્રેષ્ઠ સ્ટ્રેટેજી કઈ હોઈ શકે.
1 કરોડના પોર્ટફોલિયોની આદર્શ વહેંચણી
પ્રશસ્ત સેઠના જણાવ્યા અનુસાર, રોકાણકારોએ પોતાની ઉંમર અને નાણાકીય લક્ષ્યોને ધ્યાનમાં રાખીને પોતાના પોર્ટફોલિયોને ત્રણ મુખ્ય ભાગમાં વહેંચવો જોઈએ.
1. ઇક્વિટી
હિસ્સો: 65% થી 75%
1 કરોડ પર રોકાણ: 65 લાખ થી 75 લાખ
મુખ્ય ફાયદો: લાંબા ગાળે મૂડીમાં જબરદસ્ત વધારો
2. ડેટ
હિસ્સો: 15% થી 25%
1 કરોડ પર રોકાણ: 15 લાખ થી 25 લાખ
મુખ્ય ફાયદો: પોર્ટફોલિયોમાં સ્થિરતા અને તરલતા જાળવી રાખવી
3. ગોલ્ડ
હિસ્સો: 5% થી 10%
1 કરોડ પર રોકાણ: 5 લાખ થી 10 લાખ
મુખ્ય ફાયદો: જોખમ ઘટાડવું અને ડાયવર્સિફિકેશન
શું ઇક્વિટીમાં 70% પૈસા લગાવવા સુરક્ષિત છે?
લાંબા ગાળે સંપત્તિ બનાવવા માટે ઇક્વિટી સૌથી મોટો અને સારો વિકલ્પ છે, તેથી પોર્ટફોલિયોનો મોટો હિસ્સો તેમાં જ રહેશે. પરંતુ બજારની તેજી જોઈને અંધાધૂંધ રોકાણ કરવું મોટી ભૂલ છે. તમારે કંપનીની ગ્રોથ કરવાની ક્ષમતા (લગભગ 15-20% લોંગ ટર્મ ગ્રોથ) અને શેરના યોગ્ય વેલ્યુએશન પર ધ્યાન આપવું જોઈએ.
70 લાખના ઇક્વિટી રોકાણમાંથી 60-70% હિસ્સો (એટલે કે 42 લાખથી 49 લાખ) મજબૂત 'લાર્જ-કેપ' કંપનીઓમાં હોવો જોઈએ. બાકીનો હિસ્સો વેલ્યુએશનના આધારે મિડ-કેપ અને સ્મોલ-કેપમાં વહેંચી શકાય છે. આમ કરવાથી તમારા પૈસા સુરક્ષિત અને સ્થાપિત કંપનીઓમાં જ રહેશે.
ડેટ ફંડ શા માટે જરૂરી છે?
ઘણા લોકો માને છે કે ડેટ ફંડમાં રિટર્ન ઓછું મળે છે, પરંતુ તેનું મુખ્ય કામ રિટર્ન આપવાનું નથી, પણ રક્ષણ કરવાનું છે. જ્યારે શેરબજારમાં મોટો કડાકો બોલે છે, ત્યારે ડેટ ફંડ તમારા પોર્ટફોલિયોને બેલેન્સ કરે છે. ઉપરાંત, જો તમને આગામી 1 થી 3 વર્ષમાં કોઈ મોટા ખર્ચ માટે પૈસાની જરૂર હોય, તો તે રકમને શેરબજારના જોખમમાં ન નાખતા ડેટમાં રાખવી જોઈએ, જેથી લિક્વિડિટી અને સુરક્ષા બંને મળે.
સોનામાં રોકાણ: રિટર્ન માટે નહીં, સેફ્ટી માટે
તાજેતરના સમયમાં સોનાએ શાનદાર રિટર્ન આપ્યું છે, પરંતુ માત્ર આ તેજી જોઈને સોનામાં રોકાણ વધારવું સમજદારી નથી. શેરબજાર અને સોનું સામાન્ય રીતે એકબીજાની વિરુદ્ધ દિશામાં ચાલે છે. જ્યારે ઇક્વિટી માર્કેટ તૂટે છે, ત્યારે સોનું તમારા પોર્ટફોલિયોના નુકસાનને કવર કરે છે. તેથી, 1 કરોડના પોર્ટફોલિયોમાં 5 થી 10 લાખનું રોકાણ સોનામાં હોવું પૂરતું છે.
આ ભૂલ ક્યારેય ન કરતા
માત્ર એકવાર 1 કરોડનો પોર્ટફોલિયો બનાવીને ભૂલી જવાથી કામ નહીં ચાલે. જેમ-જેમ તમારી ઉંમર વધે છે, તમારા નાણાકીય લક્ષ્યો નજીક આવે છે અથવા બજારના ટ્રેન્ડ બદલાય છે, તેમ-તેમ સમયસર પોર્ટફોલિયોને રીબેલેન્સ કરતા રહેવું ખૂબ જ જરૂરી છે.
ડિસ્ક્લેમર: આ માહિતી માત્ર જાણકારીના હેતુથી આપવામાં આવી છે. અહીં જણાવવું જરૂરી છે કે શેરબજારમાં રોકાણ એ બજારના જોખમોને આધીન છે. રોકાણકારોએ કોઈપણ જગ્યાએ નાણાં રોકતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લેવી જોઈએ. મનીકંટ્રોલ દ્વારા ક્યારેય પણ કોઈને રોકાણ કરવાની સલાહ આપવામાં આવતી નથી.