એમેઝોન અને ફ્લિપકાર્ટ સેલ: કયા કાર્ડ પર મળશે સૌથી વધુ ડિસ્કાઉન્ટ? ઓનલાઈન શોપિંગ કરતા પહેલા જાણી લો આ 3 કામની વાતો
એમેઝોન અને ફ્લિપકાર્ટ સેલમાં 10% ડિસ્કાઉન્ટની પાછળની અસલિયત જાણો. SBI, ICICI અને Axis બેંકના ક્રેડિટ કાર્ડનો સાચો ઉપયોગ કરી મહત્તમ બચત કેવી રીતે કરવી તે વિશેની લેટેસ્ટ માહિતી અહીં વાંચો.
GyFTR ના સીઈઓ અને કો-ફાઉન્ડર અરવિંદ પ્રભાકરના જણાવ્યા અનુસાર, કંપનીઓ ભલે 10% ડિસ્કાઉન્ટની જાહેરાત કરતી હોય, પણ તમારી અસલી બચત કાર્ડની લિમિટ અને ઓર્ડરની કિંમત પર આધાર રાખે છે.
Amazon vs Flipkart Bank Discounts: ઈ-કોમર્સ દિગ્ગજ કંપનીઓ એમેઝોન અને ફ્લિપકાર્ટની બમ્પર ફેસ્ટિવલ સેલ શરૂ થવા જઈ રહી છે. બંને પ્લેટફોર્મ પર 10% બેંક ડિસ્કાઉન્ટનો જોરશોરથી પ્રચાર કરવામાં આવી રહ્યો છે. પરંતુ શું ખરેખર આ 10% ની પૂરેપૂરી છૂટ તમારા ખિસ્સા સુધી પહોંચે છે?
મોટાભાગના ગ્રાહકો માત્ર 10% લખેલું જોઈને ખરીદી કરી લે છે, પરંતુ મિનિમમ ઓર્ડર વેલ્યૂ, મેક્સિમમ ડિસ્કાઉન્ટ લિમિટ અને 'ઈન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ વિરુદ્ધ કેશબેક' જેવી છુપી શરતોને કારણે ગણતરી ઘણીવાર બદલાઈ જતી હોય છે. એક્સપર્ટ પાસેથી જાણીએ કે તમારા બેંક કાર્ડનો સાચો ઉપયોગ કરીને તમે કેવી રીતે સૌથી વધુ બચત કરી શકો છો.
ડિસ્કાઉન્ટનું સાચું ગણિત સમજો
GyFTR ના સીઈઓ અને કો-ફાઉન્ડર અરવિંદ પ્રભાકરના જણાવ્યા અનુસાર, કંપનીઓ ભલે 10% ડિસ્કાઉન્ટની જાહેરાત કરતી હોય, પણ તમારી અસલી બચત કાર્ડની લિમિટ અને ઓર્ડરની કિંમત પર આધાર રાખે છે. ખરીદી કરતા પહેલા કાર્ટમાં રહેલી વસ્તુઓ પર રૂપિયામાં કેટલો ફાયદો થાય છે તેની ગણતરી જાતે જ કરવી જોઈએ. સાથે જ એ પણ ચેક કરો કે ડિસ્કાઉન્ટ દરેક ટ્રાન્ઝેક્શન પર મળશે કે પછી આખા સેલ દરમિયાન કાર્ડ પર માત્ર એક જ વાર મળશે.
ઓનલાઈન શોપિંગ કરતા પહેલા ધ્યાનમાં રાખો આ 3 બાબતો
1. એમેઝોન અને ફ્લિપકાર્ટ પર કઈ બેંકની ઓફર છે?
બંને ઈ-કોમર્સ પ્લેટફોર્મ્સે અલગ-અલગ બેંકો સાથે પાર્ટનરશિપ કરી છે. તમારી પાસે કયું કાર્ડ છે તેના પરથી નક્કી થશે કે તમને ક્યાં વધુ ફાયદો મળશે.
એમેઝોન : અહીં SBI ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ અને ક્રેડિટ કાર્ડ EMI ટ્રાન્ઝેક્શન પર 10% ઈન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ આપવામાં આવશે.
ફ્લિપકાર્ટ : ફ્લિપકાર્ટના ઓફિશિયલ પાર્ટનર Axis Bank અને ICICI Bank છે. અહીં 10% સુધીનું ડિસ્કાઉન્ટ પ્રોડક્ટની કેટેગરી અને મિનિમમ ઓર્ડર વેલ્યૂ પર નિર્ભર રહેશે.
2. ઈન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ અને કો-બ્રાન્ડેડ કાર્ડનું કન્ફ્યુઝન
સામાન્ય બેંક કાર્ડ અને કો-બ્રાન્ડેડ કાર્ડના ફાયદા અલગ હોય છે, તે સમજવું ખૂબ જરૂરી છે.
Amazon Pay ICICI કાર્ડ: આ કાર્ડ પર પ્રાઈમ મેમ્બર્સને 5% અને નોન-પ્રાઈમ મેમ્બર્સને 3% અનલિમિટેડ કેશબેક મળે છે. ધ્યાન રાખો કે આ પૈસા પેમેન્ટ કરતી વખતે તરત ઓછા નથી થતા, પરંતુ પ્રોડક્ટની ડિલિવરી થયા પછી એમેઝોન પે બેલેન્સમાં જમા થાય છે. જ્યારે SBI કાર્ડની લિમિટ પૂરી થઈ જાય ત્યારે આ કાર્ડનો ઉપયોગ કરવો સૌથી બેસ્ટ છે.
Flipkart Axis કાર્ડ: આ કાર્ડ પર મળતું અનલિમિટેડ કેશબેક એ તેનો રેગ્યુલર ફાયદો છે. તેને સેલનું સ્પેશિયલ 10% ઈન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ સમજવાની ભૂલ ન કરવી.
3. બધા કાર્ડ પર ડિસ્કાઉન્ટ નથી મળતું
જો તમારી પાસે પાર્ટનર બેંકનું કાર્ડ હોય, તો પણ તેનો મતલબ એ નથી કે તમને ડિસ્કાઉન્ટ મળશે જ. ઉદાહરણ તરીકે, SBI Cashback Card, Paytm SBI Card અને કોર્પોરેટ ક્રેડિટ કાર્ડ્સને સામાન્ય રીતે આવા સેલની ઓફર્સમાંથી બહાર રાખવામાં આવે છે.