અમદાવાદ નવરાત્રી 2026: ગરબા આયોજકો માટે પોલીસના 44 કડક નિયમો, રાત્રે 12 વાગ્યા સુધી જ વગાડી શકાશે સ્પીકર
Ahmedabad Navratri 2026: અમદાવાદમાં નવરાત્રી 2026 માટે પોલીસ કમિશનરે 44 નિયમો જાહેર કર્યા છે. રાત્રે 12 વાગ્યા સુધી જ સ્પીકર વગાડી શકાશે. ગરબામાં સુરક્ષા, ટ્રાફિક અને નશા મુક્તિ અંગેના લેટેસ્ટ નિયમો અહીં વાંચો.
પોલીસે પાર્ટી પ્લોટ, ક્લબ, સોસાયટીઓ અને શેરી ગરબાના આયોજકો માટે કુલ 44 નિયમો બનાવ્યા છે. જેમાં પરવાનગી માટે 12 અને વ્યવસ્થા જાળવવા માટે 32 નિયમોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
Ahmedabad Navratri 2026: અમદાવાદમાં આગામી 11થી 20 ઓક્ટોબર દરમિયાન નવરાત્રી અને દશેરાના પર્વની ભવ્ય ઉજવણી થવા જઈ રહી છે. ખેલૈયાઓ અને આયોજકો અત્યારથી જ ગરબાની તૈયારીઓમાં લાગી ગયા છે. આ ઉત્સવ દરમિયાન શહેરમાં શાંતિ જળવાઈ રહે, ટ્રાફિકની સમસ્યા ન સર્જાય અને મહિલાઓ સુરક્ષિત રીતે ગરબા રમી શકે તે માટે અમદાવાદ પોલીસ કમિશનરે સત્તાવાર જાહેરનામું બહાર પાડ્યું છે.
પોલીસે પાર્ટી પ્લોટ, ક્લબ, સોસાયટીઓ અને શેરી ગરબાના આયોજકો માટે કુલ 44 નિયમો બનાવ્યા છે. જેમાં પરવાનગી માટે 12 અને વ્યવસ્થા જાળવવા માટે 32 નિયમોનો સમાવેશ કરવામાં આવ્યો છે. ચાલો જાણીએ આ વર્ષે ગરબાના આયોજન માટે કયા કયા નિયમોનું પાલન કરવું પડશે.
માઈક અને લાઉડ સ્પીકર માટે સમય મર્યાદા
પોલીસના નવા નિયમ મુજબ, કોઈપણ ગરબા આયોજનમાં રાત્રે 12 વાગ્યા સુધી જ માઈક, લાઉડ સ્પીકર કે સાઉન્ડ સિસ્ટમનો ઉપયોગ કરી શકાશે. 12 વાગ્યા પછી ફરજિયાતપણે સિસ્ટમ બંધ કરવી પડશે. આ ઉપરાંત હોસ્પિટલ, શૈક્ષણિક સંસ્થાઓ અને કોર્ટની આસપાસ આવતા સાયલન્ટ ઝોનમાં લાઉડ સ્પીકર વગાડવા પર પ્રતિબંધ રહેશે. સાઉન્ડ સિસ્ટમ ભાડે આપનારની તમામ વિગતો આયોજકોએ પોલીસને આપવાની રહેશે અને જો સાઉન્ડને લગતી કોઈ ઘટના બનશે તો આયોજક અને સિસ્ટમના માલિક બંને જવાબદાર ગણાશે.
પરવાનગી કોની પાસેથી લેવાની રહેશે?
શેરી ગરબા: સોસાયટીઓ અને શેરી ગરબા જે બિનવ્યાવસાયિક છે, તેના માટે લાઉડ સ્પીકરની મંજૂરી સ્થાનિક પોલીસ સ્ટેશનના પી.આઈ. (PI) દ્વારા સરળતાથી આપવામાં આવશે. પોલીસ અને પબ્લિક વચ્ચે સંકલન રહે તે માટે આયોજકોએ બે મેન્ટર અને પોલીસે એક મેન્ટરની નિમણૂક કરવાની રહેશે.
પાર્ટી પ્લોટ અને ક્લબ: ટિકિટ કે પાસવાળા કોમર્શિયલ આયોજનો માટે પોલીસ સ્ટેશનનો અભિપ્રાય લીધા બાદ એસીપી ટ્રાફિક (ACP Traffic) દ્વારા મંજૂરી આપવામાં આવશે.
મહિલા સુરક્ષા અને ટ્રાફિક મેનેજમેન્ટ પર ખાસ ભાર
ગરબામાં આવનાર તમામ લોકોના ઓળખ પુરાવા (ID Proof) ચેક કરવાના રહેશે. મહિલાઓની સુરક્ષાને સૌથી વધુ મહત્વ આપવામાં આવ્યું છે, જેના માટે પોલીસની 'શી ટીમ' સાથે આયોજકોએ સતત સંપર્કમાં રહેવું પડશે. ટ્રાફિક જામ ન થાય તે માટે ગરબા સ્થળની બંને બાજુએ 200 મીટર સુધી કોઈ વાહન પાર્ક ન થાય તેની સંપૂર્ણ જવાબદારી આયોજકની રહેશે.
નશાખોરો અને અસામાજિક તત્વોને રોકવા ખાસ વ્યવસ્થા
કોઈપણ વ્યક્તિ નશો કરીને ગરબામાં ન ઘૂસે તે માટે એન્ટ્રી ગેટ પર બ્રેથ એનેલાઈઝર, ડોરફ્રેમ અને હેન્ડ મેટલ ડિટેક્ટર રાખવા ફરજિયાત છે. નશાખોરોને પકડીને પોલીસને જાણ કરવા માટે બે ખાસ વ્યક્તિઓની નિમણૂક કરવાની રહેશે. આ ઉપરાંત અસામાજિક તત્વો પર બાજ નજર રાખવા માટે એ.આઈ. (AI) બેઝ્ડ કેમેરા લગાવવાના રહેશે.
આયોજકોએ ધ્યાનમાં રાખવા જેવા અન્ય અગત્યના નિયમો:
ગરબા સ્થળની ક્ષમતા કરતાં વધારે ટિકિટ કે પાસનું વેચાણ કરવું નહીં. રમનારા અને જોનારા વચ્ચે બેરીકેડિંગ કરવું.
કાર્યક્રમ સ્થળે એન્ટ્રી અને એક્ઝિટ ગેટ અલગ અલગ રાખવા. બેગ કે અન્ય વસ્તુઓ જમા કરવા ટોકન સિસ્ટમ રાખવી.
આયોજનમાં કામ કરતા તમામ સ્ટાફ અને વોલેન્ટિયર્સને આઈ-કાર્ડ આપવા.
ગરબા સ્થળે ચાર વોચટાવર ઉભા કરી વીડિયો રેકોર્ડિંગ કરવું અને પોલીસ સર્વેલન્સ માટે પૂરતા સીસીટીવી લગાવવા.
મેડિકલ ઈમરજન્સી માટે એમ્બ્યુલન્સ આવી શકે તેવો અલગ ગેટ રાખવો. સાથે ફાયર સેફ્ટી અને ઈલેક્ટ્રિક ફિટીંગની યોગ્ય ચકાસણી કરવી.
કોઈપણ વીઆઈપી કે સેલિબ્રિટી આવવાના હોય તો તેની જાણ અગાઉથી પોલીસને કરવી.
ગરબામાં કોઈની ધાર્મિક લાગણી દુભાય તેવા કે અશ્લીલ ગીતો વગાડવા નહીં. ફૂડ સેફ્ટી અને સ્વચ્છતાના નિયમોનું ચુસ્ત પાલન કરવું.
ટેન્ટ બાંધવા માટે સુપ્રીમ કોર્ટના નિયમોનું પાલન કરવું અને સરકારી વિભાગોની લેખિત મંજૂરી લેવી.
આ 44 નિયમોનો મુખ્ય હેતુ એ છે કે નવરાત્રીનો તહેવાર કોઈ પણ પ્રકારની અડચણ વિના, સુરક્ષિત અને ભક્તિમય વાતાવરણમાં ઉજવી શકાય. આયોજકોએ આ તમામ માર્ગદર્શિકાઓનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.