શુક્રવારે બેન્કો રહેશે બંધ: 75,000 કર્મચારીઓ હડતાળ પર, 5400 શાખાઓમાં કામકાજ થશે ઠપ; જાણો શું છે માગ | Moneycontrol Gujarati
Get App

શુક્રવારે બેન્કો રહેશે બંધ: 75,000 કર્મચારીઓ હડતાળ પર, 5400 શાખાઓમાં કામકાજ થશે ઠપ; જાણો શું છે માગ

Bank Strike Gujarat: ગુજરાતમાં 11 સપ્ટેમ્બરે 75,000 બેન્ક કર્મચારીઓ 5 દિવસીય બેન્કિંગની માંગ સાથે હડતાળ પર ઉતરશે. 5400 શાખાઓ બંધ રહેવાથી 15,000 કરોડના વ્યવહારો અટકશે. જાણો વિગત.

અપડેટેડ 12:07:18 PM Sep 10, 2026 પર
Story continues below Advertisement
આગામી 11 સપ્ટેમ્બરે ગુજરાતના આશરે 75,000 બેન્ક કર્મચારીઓ એક દિવસ માટે કામકાજથી અળગા રહેશે.

Bank Strike Gujarat: જો તમારે બેન્કનું કોઈ અગત્યનું કામ બાકી હોય, તો તેને વહેલી તકે પતાવી લેજો. આગામી 11 સપ્ટેમ્બર શુક્રવારના રોજ ગુજરાત સહિત દેશભરના બેન્ક કર્મચારીઓ મોટી હડતાળ પર ઉતરવાના છે. અઠવાડિયામાં માત્ર 5 દિવસ બેન્ક ચાલુ રાખવાની મુખ્ય માંગ સાથે આ આંદોલનનું એલાન કરવામાં આવ્યું છે.

હડતાળની અસર: કરોડોના વ્યવહારો અટકશે

આગામી 11 સપ્ટેમ્બરે ગુજરાતના આશરે 75,000 બેન્ક કર્મચારીઓ એક દિવસ માટે કામકાજથી અળગા રહેશે. આ હડતાળને કારણે રાજ્યની 5400 જેટલી બેન્ક શાખાઓમાં તાળા વાગેલા જોવા મળશે. બેન્કો બંધ રહેવાથી અંદાજે 15,000 કરોડ રૂપિયાના આર્થિક વ્યવહારો ખોરવાઈ જવાની પૂરેપૂરી શક્યતા છે. રાષ્ટ્રીય સ્તરે આ હડતાળમાં 7 લાખથી વધુ બેન્ક કર્મીઓ જોડાશે.

શું છે કર્મચારીઓની મુખ્ય માંગ?

બેન્ક કર્મચારીઓ લાંબા સમયથી માંગ કરી રહ્યા છે કે તેમને અઠવાડિયામાં માત્ર 5 દિવસ (સોમવારથી શુક્રવાર) જ કામ કરવાની મંજૂરી આપવામાં આવે અને શનિ-રવિ સંપૂર્ણ રજા રહે. હાલમાં મહિનાના બીજા અને ચોથા શનિવારે જ બેન્કોમાં રજા હોય છે.


આ માંગણીના બદલામાં કર્મચારીઓએ દરરોજ નિર્ધારિત સમય કરતા 40 મિનિટ વધારે કામ કરવાની તૈયારી પણ દર્શાવી હતી. સરકાર સાથે 2 વર્ષ પહેલા આ અંગે MOU (કરાર) પણ થયા હતા અને માર્ચ 2024 માં આ માંગણી સ્વીકારી લેવામાં આવી હતી. પરંતુ હજુ સુધી તેનો અમલ ન થતાં કર્મચારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. દિલ્હીમાં લેબર કમિશનર સાથે સતત 2 દિવસ સુધી બેઠકો થઈ, પરંતુ કોઈ ઉકેલ ન આવતા આખરે હડતાળનો રસ્તો અપનાવવો પડ્યો છે.

આંદોલનની આગળની રણનીતિ

બેન્ક યુનિયનોએ ચીમકી આપી છે કે જો 11 સપ્ટેમ્બરની હડતાળ પછી પણ સરકાર તેમની માંગણીઓ નહીં સંતોષે, તો આંદોલન વધુ ઉગ્ર બનશે.

28થી 30 સપ્ટેમ્બર: ત્રણ દિવસની સળંગ હડતાળ કરવામાં આવશે.

26 ઓક્ટોબરથી: જો ત્યાં સુધીમાં ઉકેલ નહીં આવે, તો અચોક્કસ મુદતની હડતાળ શરૂ કરી દેવાશે.

આ હડતાળમાં કયા યુનિયનો જોડાશે?

આ રાષ્ટ્રવ્યાપી હડતાળમાં દેશના મોટાભાગના બેન્ક યુનિયનોએ ટેકો જાહેર કર્યો છે, જેમાં નીચે મુજબના સંગઠનો સામેલ છે:

* ઓલ ઇન્ડિયા બેન્ક એમ્પ્લોઇઝ (AIBEA)

* ઓલ ઇન્ડિયા બેન્ક ઓફિસર્સ કોન્ફેડરેશન (AIBOC)

* નેશનલ કોન્ફેડરેશન ઓફ બેન્ક એમ્પ્લોઇઝ (NCBE)

* બેન્ક એમ્પ્લોઇઝ ફેડરેશન ઓફ ઇન્ડિયા (BEFI)

* ઇન્ડિયન નેશનલ બેન્ક ઓફિસર્સ કોંગ્રેસ (INBOC)

* ઇન્ડિયન નેશનલ બેન્ક એમ્પ્લોઇઝ ફેડરેશન (INBEF)

* ઓલ ઇન્ડિયા બેન્ક ઓફિસર્સ એસોસિએશન (AIBOA)

બેન્ક કર્મચારીઓ અને સરકાર વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલી આ ખેંચતાણને કારણે સામાન્ય જનતાને ભારે હાલાકીનો સામનો કરવો પડી શકે છે. આગામી તહેવારો અને આર્થિક લેવડદેવડને ધ્યાનમાં રાખીને ગ્રાહકોએ પોતાનું બેન્કિંગનું કામ અગાઉથી જ પ્લાન કરી લેવું હિતાવહ છે.

આ પણ વાંચો - Appleનો મોટો ઝટકો, iPhone 18 Pro સિરીઝ અને ફોલ્ડેબલ iPhone Duo લોન્ચ થતા જ જૂના મોડલ 65000 સુધી મોંઘા થયા

MoneyControl News

MoneyControl News

First Published: Sep 10, 2026 12:07 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચાર, પર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.