આ એક ખાસ સુવિધા છે જે તમારા સેવિંગ કે કરન્ટ એકાઉન્ટમાં વધારાના પૈસાને આપમેળે FDમાં ફેરવી નાખે છે.
Auto Sweep Service: ઘણા લોકો બેન્કમાં ખાતું ખોલાવે ત્યારે ડેબિટ કાર્ડ લઈને ચૂપચાપ ઘરે આવી જાય છે. ખાતામાં પૈસા જમા કરે અને 2.5થી 3 ટકા વ્યાજ મળે તેમાં ખુશ થઈ જાય. પણ શું તમે જાણો છો કે આ જ પૈસા પર તમે ત્રણ ગણું વ્યાજ મેળવી શકો છો? હા, એ પણ ફિક્સ્ડ ડિપોઝિટ (FD) જેટલું!
આ માટે તમારે બેન્કમાં જઈને ફક્ત એક જ વાત કહેવાની છે: “મારા ખાતામાં ઓટો સ્વીપ સર્વિસ ચાલુ કરો.”
ઓટો સ્વીપ સર્વિસ શું છે?
આ એક ખાસ સુવિધા છે જે તમારા સેવિંગ કે કરન્ટ એકાઉન્ટમાં વધારાના પૈસાને આપમેળે FDમાં ફેરવી નાખે છે. પરિણામે, તે વધારાની રકમ પર તમને FDનું વ્યાજ મળે – જે સામાન્ય રીતે 7થી 8 ટકા હોય છે! સામાન્ય સેવિંગ એકાઉન્ટમાં તમને માત્ર 2.5થી 3 ટકા વ્યાજ મળે છે. પણ ઓટો સ્વીપ ચાલુ થતાં જ વધારાના પૈસા પર ત્રણ ગણું વધુ વ્યાજ મળવા માંડે છે. ઉદાહરણથી સમજીએ માનો કે તમે ઓટો સ્વીપ માટે 30,000 રૂપિયાની લિમિટ સેટ કરી છે. તમારા ખાતામાં 90,000 રૂપિયા જમા છે. પહેલા 30,000 રૂપિયા પર સેવિંગ એકાઉન્ટનું વ્યાજ મળશે (2.5-3%). બાકીના 60,000 રૂપિયા આપમેળે FDમાં જશે અને તેના પર FDનું પૂરું વ્યાજ (7-8%) મળશે! અને સૌથી મોટી વાત – આ FDમાંથી તમે ગમે ત્યારે પૈસા કાઢી શકો છો. મેચ્યોરિટીની રાહ જોવાની જરૂર નથી!
આ સર્વિસના ફાયદા
- ત્રણ ગણું વ્યાજ – વધારાના પૈસા પર FD જેટલું વળતર.
- કોઈ ઝંઝટ નહીં – દર મહિને FD ખોલાવવાની મેન્યુઅલ કામગીરી નહીં.
- લિક્વિડિટી – પૈસા FDમાં હોવા છતાં ગમે ત્યારે ઉપાડી શકાય.
- વધુ બચતની પ્રેરણા – વધુ પૈસા જમા કરવાની ઈચ્છા વધે.
કેવી રીતે ચાલુ કરવી?
બેન્કમાં જાઓ અને કહો “મારા સેવિંગ એકાઉન્ટમાં ઓટો સ્વીપ સર્વિસ ચાલુ કરો અને લિમિટ તમારી પસંદની રકમ] રાખો.” ઘણી બેન્કો આ સુવિધા મફતમાં આપે છે. કેટલીક બેન્કોમાં નેટ બેન્કિંગ કે મોબાઈલ એપ પરથી પણ ચાલુ કરી શકાય છે. આપને જણાવી દઇએ કે દરેક બેન્કના નિયમો અલગ હોઈ શકે છે. તેથી તમારી બેન્કમાં વ્યાજ દર, લિમિટ અને શરતોની ખાતરી કરી લો.