યુ-ટ્યુબર્સને મોટો ઝટકો! કમાણી કરવા માટે વોચ ટાઈમ અને વ્યૂઝનો ટાર્ગેટ ડબલ, જાણો YPPના નવા નિયમો
યુટ્યુબ પર વીડિયો અને શોર્ટ્સ બનાવીને કમાણી કરતા નવા ક્રિએટર્સ માટે માઠા સમાચાર છે. યુટ્યુબે મોનેટાઈઝેશનના નિયમો ડબલ કરી દીધા છે. જાણો ચેનલ મોનેટાઇઝ કરવાના નવા ટાર્ગેટ અને નિયમો.
યુટ્યુબ ઇચ્છે છે કે ક્રિએટર્સ માત્ર જાહેરાત પર જ નિર્ભર ન રહે. તેથી 1 કરોડથી ઓછા શોર્ટ્સ વ્યૂઝવાળી ચેનલ માટે નવા પ્રોગ્રામ લાવવામાં આવી રહ્યા છે, યુટ્યુબ શોપિંગ દ્વારા પ્રોડક્ટ્સ વેચવા પર હવે એક્સ્ટ્રા બોનસ મળશે.
યુટ્યુબ પર વીડિયો અને શોર્ટ્સ બનાવીને કમાણી કરવાનું સપનું જોતા નવા ક્રિએટર્સ માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે. યુટ્યુબે પોતાના યુટ્યુબ પાર્ટનર પ્રોગ્રામ દ્વારા થતી કમાણી અને જાહેરાતોના નિયમોમાં મોટો ફેરફાર કર્યો છે. આ નિર્ણયથી નવા કન્ટેન્ટ ક્રિએટર્સને મોટો ઝટકો લાગ્યો છે, કારણ કે હવે પૈસા કમાવવા માટેની શરતો એકદમ કડક અને બમણી કરી દેવામાં આવી છે.
નવા ક્રિએટર્સ માટે શું બદલાયા નિયમો?
આ નવા નિયમો 1 ફેબ્રુઆરી 2027 થી લાગુ થવા જઈ રહ્યા છે. જે અંતર્ગત મોનેટાઈઝેશનનો ટાર્ગેટ સીધો ડબલ કરી દેવામાં આવ્યો છે. જો હવે કોઈ નવો ક્રિએટર જાહેરાતો અને યુટ્યુબ પ્રીમિયમથી કમાણી કરવા માંગે છે, તો તેણે નીચેની બે માંથી એક શરત ફરજિયાત પૂરી કરવી પડશે:
Long-form Video: છેલ્લા 365 દિવસમાં 8000 ક્વોલિફાઈડ વોચ અવર્સ પૂરા કરવા પડશે. અગાઉ આ લિમિટ માત્ર 4000 કલાકની જ હતી.
YouTube Shorts: છેલ્લા 90 દિવસમાં 2 કરોડ ક્વોલિફાઈડ શોર્ટ્સ વ્યૂઝ લાવવા પડશે. જે પહેલા માત્ર 1 કરોડ વ્યૂઝ હતા.
કંપનીએ સ્પષ્ટ કર્યું છે કે 2018 પછી YPP માં થયેલો આ સૌથી મોટો ફેરફાર છે. જોકે, એક રાહતની વાત એ છે કે આ નવો નિયમ માત્ર નવા ક્રિએટર્સ માટે છે. જે ક્રિએટર્સ પહેલેથી જ YPP નો હિસ્સો છે, તેમના પર આ નવા ટાર્ગેટની કોઈ અસર થશે નહીં.
નવો ટાર્ગેટ પૂરો ન થાય તો શું?
જો તમે જાહેરાતો દ્વારા કમાણીનો આ મોટો ટાર્ગેટ પૂરો નથી કરી શકતા, તો પણ યુટ્યુબે કમાણીના કેટલાક રસ્તા ખુલ્લા રાખ્યા છે.'સુપર ચેટ', 'સુપર થેંક્સ', 'ચેનલ મેમ્બરશિપ' અને 'યુટ્યુબ શોપિંગ' જેવા ફીચર્સની શરતોમાં કોઈ જ વધારો કરાયો નથી. તેના નિયમો જૂના જ રહેશે. જેઓ પહેલેથી શોર્ટ્સથી કમાઈ રહ્યા છે, તેમણે જાહેરાતોની કમાણી ચાલુ રાખવા છેલ્લા 90 દિવસમાં 1 કરોડ વ્યૂઝનો આંકડો જાળવી રાખવો પડશે. જો કોઈ શોર્ટ્સ ક્રિએટરના વ્યૂઝ 1 કરોડથી ઘટી જશે, તો તેને પ્રોગ્રામમાંથી કાઢી મુકવામાં નહીં આવે. કમાણી થોડા સમય માટે અટકશે, પરંતુ જેવો તે ફરી 1 કરોડનો આંકડો પાર કરશે, તેની કમાણી આપમેળે શરૂ થઈ જશે.
યુટ્યુબે આવો આકરો નિર્ણય કેમ લીધો?
યુટ્યુબના ઓફિશિયલ બ્લોગ મુજબ, આ નિર્ણય લેવા પાછળનું મુખ્ય કારણ પ્લેટફોર્મનો અસાધારણ વિકાસ છે. આજે દરરોજ યુટ્યુબ શોર્ટ્સ પર 200 અબજથી વધુ વ્યૂઝ આવે છે અને ટીવી સ્ક્રીન પર દરરોજ 1 અબજ કલાકથી વધુનું કન્ટેન્ટ જોવાય છે. હાલમાં 30 લાખથી વધુ સક્રિય ક્રિએટર્સ આ પ્રોગ્રામ સાથે જોડાયેલા છે. યુટ્યુબ હવે એક એવી સિસ્ટમ બનાવવા માંગે છે જે સૌથી બેસ્ટ અને ગુણવત્તાયુક્ત કન્ટેન્ટ બનાવતા ક્રિએટર્સને વધુ સારું વળતર આપી શકે. કંપનીનો દાવો છે કે, તેઓ 2026ની સરખામણીમાં 2027માં ક્રિએટર્સને વધુ પેમેન્ટ કરશે.
વિજ્ઞાપન સિવાય કમાણીના નવા રસ્તાઓ
યુટ્યુબ ઇચ્છે છે કે ક્રિએટર્સ માત્ર જાહેરાત પર જ નિર્ભર ન રહે. તેથી 1 કરોડથી ઓછા શોર્ટ્સ વ્યૂઝવાળી ચેનલ માટે નવા પ્રોગ્રામ લાવવામાં આવી રહ્યા છે, યુટ્યુબ શોપિંગ દ્વારા પ્રોડક્ટ્સ વેચવા પર હવે એક્સ્ટ્રા બોનસ મળશે.
નવા ટ્રેન્ડ સેટ કરવા અને બ્રાન્ડ સાથે કામ કરતા ક્રિએટર્સ માટે ખાસ અર્નિંગ બૂસ્ટ અપાશે. યુટ્યુબ પોતાનો 'પ્રીમિયમ લાઈટ' પ્લાન તમામ દેશોમાં લોન્ચ કરી રહ્યું છે. જેની કુલ સબસ્ક્રિપ્શન આવકમાંથી 60% હિસ્સો ક્રિએટર્સના પૂલમાં જશે. આ પૂલમાંથી લોંગ વીડિયો બનાવનારને 55% અને શોર્ટ્સ બનાવનારને 45% હિસ્સો આપવામાં આવશે.
સોશિયલ મીડિયા પર નાના ક્રિએટર્સમાં નિરાશા
યુટ્યુબની આ મોટી જાહેરાત બાદ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર નાના ક્રિએટર્સ ભારે ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. તેમનું માનવું છે કે આટલા મોટા ટાર્ગેટને કારણે નવા લોકો માટે યુટ્યુબ પરથી કમાણી શરૂ કરવી હવે ખૂબ મુશ્કેલ બની જશે. શરૂઆતના તબક્કામાં કોઈ જ આવક વિના 8000 કલાકનો વોચ ટાઈમ ભેગો કરવો તે એક લોઢાના ચણા ચાવવા સમાન કઠિન સાબિત થશે.