Dearness Allowance News: મોદી સરકાર કેન્દ્રીય કર્મચારીઓને જુલાઈ 2025થી મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો આપવાની તૈયારી કરી રહી છે. આ વધારા બાદ કર્મચારીઓનો DA હાલના 55 ટકાથી વધીને 59 ટકા થઈ જશે. આ વધારો જુલાઈથી અમલમાં આવશે, પરંતુ તેની સત્તાવાર જાહેરાત ફેસ્ટિવ સીઝન નજીક એટલે કે સપ્ટેમ્બર કે ઓક્ટોબરમાં થઈ શકે છે.
DAની ગણતરી કેવી રીતે થાય છે?
મોંઘવારી ભથ્થાની ગણતરી ઓલ ઈન્ડિયા કન્ઝ્યુમર પ્રાઈસ ઈન્ડેક્સ ફોર ઈન્ડસ્ટ્રિયલ વર્કર્સ (AICPI-IW)ના આધારે થાય છે. મે 2025માં આ ઈન્ડેક્સ 0.5 ટકા વધીને 144 પર પહોંચ્યો છે. છેલ્લા ત્રણ મહિનામાં ઈન્ડેક્સમાં સતત વધારો જોવા મળ્યો છે. માર્ચ 2025માં 143, એપ્રિલમાં 143.5 અને મેમાં 144. જો જૂનમાં આ ઈન્ડેક્સ 144.5 પર પહોંચે, તો AICPI-IWનું 12 મહિનાનું સરેરાશ 144.17 થવાની શક્યતા છે. સાતમા પગાર પંચના ફોર્મ્યુલા મુજબ, આના આધારે DA 58.85 ટકા થાય છે, જેને રાઉન્ડ ઓફ કરીને સરકાર 59 ટકા કરી શકે છે.
સાતમા પગાર પંચ હેઠળ આ DAમાં છેલ્લો વધારો હશે, કારણ કે તેની મુદત 31 ડિસેમ્બર 2025એ પૂર્ણ થઈ રહી છે. સરકારે આ વર્ષની શરૂઆતમાં આઠમા પગાર પંચની જાહેરાત કરી હતી, પરંતુ હજુ સુધી તેના ચેરમેન અને સભ્યોની નિમણૂક બાકી છે. આગામી સમયમાં આ દિશામાં પ્રગતિની અપેક્ષા છે.