EPFO On WhatsApp: PF ખાતાધારકો માટે મોટા સમાચાર, હવે વોટ્સએપ પર જ મળશે તમામ અપડેટ્સ
જો તમારું પણ PF કપાય છે તો આ સમાચાર તમારા માટે છે. EPFO એ તેની સત્તાવાર WhatsApp ચેનલ અને 138 પ્રાદેશિક હેલ્પલાઈન શરૂ કરી છે. UAN અને KYC ની માહિતી હવે સીધી વોટ્સએપ પર મેળવો.
PFO ના આંકડા મુજબ, આ હેલ્પલાઈન દ્વારા અત્યાર સુધીમાં 3.94 લાખથી વધુ ફરિયાદો મળી હતી, જેમાંથી 3.91 લાખ જેટલી ફરિયાદોનો સફળતાપૂર્વક નિકાલ કરવામાં આવ્યો છે.
EPFO On WhatsApp: જો તમે નોકરીયાત છો અને દર મહિને તમારા પગારમાંથી PF કપાય છે, તો તમારા માટે એક ખૂબ જ સારા અને કામના સમાચાર છે. હવે તમારે તમારા PF ખાતાને લગતી માહિતી, નવી યોજનાઓના અપડેટ્સ કે કોઈ નવી જાહેરાત જાણવા માટે વારંવાર સરકારી પોર્ટલના ધક્કા ખાવાની જરૂર નહીં પડે.
કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠનએ પોતાના તમામ સભ્યોને અપીલ કરી છે કે તેઓ સાચી અને સત્તાવાર માહિતી સીધી તેમના મોબાઈલ પર મેળવવા માટે EPFOની સત્તાવાર વોટ્સએપ ચેનલને ફોલો કરે. ચાલો જાણીએ આ ચેનલ પર તમને શું ફાયદો થશે અને તમે તેમાં કેવી રીતે જોડાઈ શકો છો.
EPFO વોટ્સએપ ચેનલ પર શું-શું માહિતી મળશે?
EPFO દ્વારા આ ચેનલ પર કોઈ થર્ડ-પાર્ટી એપ કે ફેક ન્યૂઝ વિના, એકદમ સચોટ માહિતી આપવામાં આવે છે. આ ચેનલ પર નીચે મુજબના નિયમિત અપડેટ્સ મળશે.
PF ના નિયમોમાં થતા નવા ફેરફારો અને ફરિયાદ નિવારણ માટેની ગાઈડલાઈન્સ.
વોટ્સએપ ચેનલ સાથે કેવી રીતે જોડાવું? (સ્ટેપ-બાય-સ્ટેપ પ્રોસેસ)
તમારા ફોનમાં આ ચેનલને ફોલો કરવી ખૂબ જ સરળ છે.
સૌથી પહેલા તમારા ફોનમાં WhatsApp ખોલો અને નીચે અથવા ઉપર દેખાતા 'Updates' સેક્શનમાં જાઓ. ત્યાં 'Channels' વિકલ્પની બાજુમાં દેખાતા 'Explore' પર ટેપ કરો. હવે સર્ચ બારમાં 'EPFO' ટાઈપ કરો. બ્લુ ટીક વાળી સત્તાવાર EPFO ચેનલ પર ક્લિક કરો અને ઉપર આપેલા 'Follow' બટન પર ક્લિક કરો.
24 કલાકમાં થશે સમસ્યાનું સમાધાન: 138 હેલ્પલાઇન નંબર શરૂ
વોટ્સએપ ચેનલ ઉપરાંત, EPFO એ તેની તમામ 138 પ્રાદેશિક કચેરીઓ માટે ખાસ વોટ્સએપ હેલ્પલાઈન સુવિધા પણ શરૂ કરી છે. દરેક ઓફિસમાં એક ડેડિકેટેડ ટીમ બનાવવામાં આવી છે, જેનો મુખ્ય હેતુ સભ્યોની ફરિયાદો અને સવાલોનો 24 કલાકની અંદર ઉકેલ લાવવાનો છે.
કઈ-કઈ સમસ્યાઓ માટે હેલ્પલાઈન પર મદદ મળશે?
PF ઉપાડવામાં વિલંબ થવો અથવા તમારો ક્લેમ રિજેક્ટ થઈ જવો.
એક કંપનીમાંથી બીજી કંપનીમાં PF ટ્રાન્સફરકરવામાં પડતી મુશ્કેલીઓ.
કંપની દ્વારા તમારા હિસ્સાનું PF જમા ન કરાવવામાં આવતું હોય.
નામ, જન્મતારીખ કે KYC સુધારવા અને પ્રોફાઈલ અપડેટ કરવામાં આવતી સમસ્યાઓ.
EPFO ના આંકડા મુજબ, આ હેલ્પલાઈન દ્વારા અત્યાર સુધીમાં 3.94 લાખથી વધુ ફરિયાદો મળી હતી, જેમાંથી 3.91 લાખ જેટલી ફરિયાદોનો સફળતાપૂર્વક નિકાલ કરવામાં આવ્યો છે.
આ બાબતોનું ખાસ ધ્યાન રાખો
વોટ્સએપ ચેનલ માત્ર માહિતી અને ન્યૂઝ અપડેટ માટે છે. જ્યારે હેલ્પલાઇન નંબર માર્ગદર્શન માટે છે. જો તમારે ઓનલાઈન ક્લેમ કરવો હોય, ક્લેમનું સ્ટેટસ ચેક કરવું હોય કે PF પાસબુક ડાઉનલોડ કરવી હોય, તો આ ઔપચારિક કામો માટે તમારે હંમેશાની જેમ EPFO પોર્ટલ અથવા UMANG Appનો જ ઉપયોગ કરવો પડશે.
સાયબર ફ્રોડથી બચો: આજકાલ છેતરપિંડીના કિસ્સાઓ વધી રહ્યા છે, તેથી માત્ર 'બ્લુ ટીક' વાળી સત્તાવાર EPFO ચેનલ જ ફોલો કરો. કોઈપણ અજાણ્યા વોટ્સએપ નંબર પર ક્યારેય તમારો UAN નંબર, પાસવર્ડ, આધાર કાર્ડ નંબર કે OTP શેર કરશો નહીં. પ્રાદેશિક હેલ્પલાઇનના નંબર હંમેશા EPFO ની સત્તાવાર વેબસાઇટ પરથી જ લેવા.