પહેલું ઘર ખરીદવા માટે આ રીતે કરો નાણાકીય આયોજન, આ ટિપ્સ આવશે ખૂબ કામ
ઘર ખરીદવું એ દરેકનું સપનું હોય છે, પરંતુ તેના માટે યોગ્ય નાણાકીય આયોજન જરૂરી છે. મોટું ડાઉન પેમેન્ટ તમારા લોનની રકમ અને વ્યાજના બોજને ઘણું ઘટાડી શકે છે. મિલકતના મૂલ્યના ઓછામાં ઓછા 20-30%ની બચતનું લક્ષ્ય રાખવું જોઈએ.
ઘર ખરીદવામાં કેટલાક એવા ખર્ચ આવી શકે છે, જેની તમને પહેલાંથી જાણ ન હોય.
જ્યારે તમે અભ્યાસ પૂરો કરીને કરિયરની શરૂઆત કરો છો, ત્યારે પોતાનું ઘર ખરીદવાનું સપનું સાકાર કરવાની ઇચ્છા જાગે છે. મોટાભાગના લોકો ઈચ્છે છે કે તેમનું પોતાનું ઘર હોય. આ માટે તમારે પૂરતી તૈયારી અને આયોજન કરવું પડે છે. જો તમે પહેલી વખત ઘર ખરીદવાનું વિચારી રહ્યા છો, તો કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે, જેથી ભવિષ્યમાં કોઈ મુશ્કેલી ન આવે.
પોતાની નાણાકીય ક્ષમતા સમજો
પહેલું ઘર ખરીદતા પહેલા તમારે તમારી નાણાકીય સ્થિતિનું મૂલ્યાંકન કરવું જોઈએ. તમારી આવક, ખર્ચ અને બચતનો હિસાબ કરો. નક્કી કરો કે તમે માસિક હપ્તા (ઈએમઆઈ) માટે કેટલું નાણું સરળતાથી ફાળવી શકો છો. ટાટા હાઉસિંગના જણાવ્યા મુજબ, સામાન્ય નિયમ એ છે કે તમારી ઈએમઆઈ તમારી ચોખ્ખી આવકના 30%થી વધુ ન હોવી જોઈએ.
ડાઉન પેમેન્ટ માટે બચત કરો
ઘર ખરીદતી વખતે શક્ય હોય તેટલું વધારે ડાઉન પેમેન્ટ કરવું જોઈએ અને બાકીની રકમ માટે હોમ લોન લેવી જોઈએ. મોટું ડાઉન પેમેન્ટ તમારા લોનની રકમ અને તેના પરના વ્યાજના બોજને ઘટાડે છે. મિલકતના મૂલ્યના 20-30%ની બચતનું લક્ષ્ય રાખો. આ રકમ એકઠી કરવા માટે તમે રિકરિંગ ડિપોઝિટ કે સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન (એસઆઈપી) જેવા વિકલ્પો પર વિચાર કરી શકો છો.
હોમ લોનના વિકલ્પો શોધો
જો ડાઉન પેમેન્ટ ઉપરાંત તમને હોમ લોનની જરૂર હોય, તો વિવિધ બેંકો અને ધિરાણકર્તાઓની માહિતી લો. વ્યાજ દર, લોનની મુદત અને છુપાયેલા શુલ્કોની તુલના કરો. સરકાર દ્વારા સમર્થિત પ્રધાન મંત્રી આવાસ યોજના જેવી યોજનાઓ વધારાના લાભ આપી શકે છે.
છુપાયેલા ખર્ચનું ધ્યાન રાખો
ઘર ખરીદવામાં કેટલાક એવા ખર્ચ આવી શકે છે, જેની તમને પહેલાંથી જાણ ન હોય. આથી સ્ટામ્પ ડ્યુટી, રજિસ્ટ્રેશન ફી, મિલકત વેરો અને જાળવણી ખર્ચ જેવા ખર્ચાઓને ધ્યાનમાં રાખો. આ માટે બજેટ તૈયાર કરવું તમને નાણાકીય મુશ્કેલીઓથી બચાવશે.
કાનૂની નિષ્ણાતની સલાહ લો
રિયલ એસ્ટેટ અને હોમ ફાઇનાન્સની જટિલ દુનિયામાં નેવિગેટ કરવું મુશ્કેલ હોઈ શકે છે. આથી નાણાકીય સલાહકાર કે કાનૂની નિષ્ણાતની મદદ લેવી ફાયદાકારક રહેશે. તેઓ બજારના રુઝાન, કાનૂની મુદ્દાઓ અને ટેક્સ લાભોને સમજવામાં તમારી મદદ કરી શકે છે. આ ટિપ્સનું પાલન કરીને તમે તમારા પહેલા ઘરની ખરીદીને સરળ અને તણાવમુક્ત બનાવી શકો છો.