હવે ઘરે બેઠા જ PF ખાતામાં નામ અને જન્મતારીખ સહિતની ભૂલો સુધારી શકાશે! જાણી લો આ 5 સરળ ઓનલાઈન સ્ટેપ્સ | Moneycontrol Gujarati
Get App

હવે ઘરે બેઠા જ PF ખાતામાં નામ અને જન્મતારીખ સહિતની ભૂલો સુધારી શકાશે! જાણી લો આ 5 સરળ ઓનલાઈન સ્ટેપ્સ

EPFO New Update: શું તમારા PF ખાતામાં નામ કે જન્મતારીખમાં ભૂલ છે? હવે EPFO મેમ્બર પોર્ટલ પર ઓનલાઈન 'જોઈન્ટ ડિક્લેરેશન' દ્વારા ઘરે બેઠા માત્ર 5 સરળ સ્ટેપ્સમાં ભૂલ સુધારો. જાણો સંપૂર્ણ રીત.

અપડેટેડ 05:19:47 PM Nov 09, 2026 પર
Story continues below Advertisement
આ સુવિધાની મદદથી હવે પીએફ ખાતાધારકો પોર્ટલ પર જાતે જઈને પોતાની વ્યક્તિગત અને નોકરી સાથે જોડાયેલી વિગતો કોઈપણ ઝંઝટ વગર ઘરે બેઠા સુધારી શકે છે.

EPFO New Update: કર્મચારી ભવિષ્ય નિધિ (EPF)ના ખાતામાં પોતાનું નામ, જન્મતારીખ કે પિતાના નામ જેવી વ્યક્તિગત માહિતીમાં થયેલી એક નાનકડી ભૂલ પણ તમને મોટી મુશ્કેલીમાં મૂકી શકે છે. ખાતામાં ખોટી વિગતો હોવાને કારણે પીએફ ક્લેમ રિજેક્ટ થવા, પીએફના પૈસા ટ્રાન્સફર ન થવા અને પેન્શન સેવાઓનો લાભ લેવામાં ભારે હાલાકીનો સામનો કરવો પડે છે.

કર્મચારીઓને આ સમસ્યામાંથી રાહત આપવા માટે EPFO એ પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર 'ઓનલાઈન જોઈન્ટ ડિક્લેરેશન' સુવિધાની વિગતો શેર કરી છે. આ સુવિધાની મદદથી હવે પીએફ ખાતાધારકો પોર્ટલ પર જાતે જઈને પોતાની વ્યક્તિગત અને નોકરી સાથે જોડાયેલી વિગતો કોઈપણ ઝંઝટ વગર ઘરે બેઠા સુધારી શકે છે.

PF ખાતામાં રહેલી ભૂલો સુધારવાના 5 સરળ ઓનલાઈન સ્ટેપ્સ


EPFO મેમ્બર પોર્ટલ મારફતે તમારી વિગતોમાં સુધારો કરવા માટે નીચે આપેલા 5 સરળ સ્ટેપ્સ અનુસરો:

1. EPFO પોર્ટલ પર લોગિન કરો: સૌપ્રથમ સત્તાવાર 'EPFO Member Portal' પર જાઓ. ત્યાં તમારા UAN (યુનિવર્સલ એકાઉન્ટ નંબર), પાસવર્ડ અને કેપ્ચા કોડની મદદથી પોર્ટલ પર લોગિન કરો.

2. Joint Declaration વિકલ્પ પસંદ કરો: લોગિન કર્યા બાદ મેનૂમાં આપવામાં આવેલા 'Joint Declaration facility' વિકલ્પ પર જાઓ અને તેના પર ક્લિક કરીને પ્રક્રિયા શરૂ કરો.

3. સુધારો કરવાની વિગતો સિલેક્ટ કરો: સ્ક્રીન પર દેખાતી વ્યક્તિગત અથવા નોકરી (એમ્પ્લોયમેન્ટ) સાથે જોડાયેલી જે વિગતો (જેમ કે નામ, જન્મતારીખ, પિતાનું નામ, નોકરીમાં જોડાયાની તારીખ વગેરે) માં તમે સુધારો કરવા માંગો છો, તેને પસંદ કરો.

4. સાચી માહિતી ભરો અને ડોક્યુમેન્ટ અપલોડ કરો: હવે નવી અને સાચી માહિતી દાખલ કરો તથા સ્પેલિંગ બરાબર ચેક કરી લો. ત્યારબાદ તમારી ઓળખ અને માહિતીની ખરાઈ કરવા માટે માંગવામાં આવેલા જરૂરી સપોર્ટિંગ ડોક્યુમેન્ટ્સ (જેમ કે આધાર કાર્ડ, પાન કાર્ડ, પાસપોર્ટ વગેરે) અપલોડ કરો.

5. સબમિટ કરો: દાખલ કરેલી તમામ વિગતો ધ્યાનપૂર્વક તપાસ્યા બાદ છેલ્લે 'Submit' બટન પર ક્લિક કરી દો. તમારી અરજી આગળની પ્રોસેસિંગ અને એમ્પ્લોયર (કંપની) તથા EPFO ના વેરિફિકેશન માટે સબમિટ થઈ જશે.

ઓક્ટોબરમાં EPFO એ 2.36 લાખથી વધુ ફરિયાદોનો કર્યો નિકાલ

શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ, EPFO એ ઓક્ટોબર 2026 માં ચલાवવામાં આવેલા 1 મહિના લાંબા 'વિશેષ અભિયાન 6' દરમિયાન કુલ 2,36,021 જન ફરિયાદોનું નિરાકરણ લાવ્યું છે. EPFO એ પોતાના 2,05,000 ફરિયાદોના લક્ષ્યાંક કરતા આશરે 15% વધુ કેસોનો નિકાલ કર્યો છે:

EPFiGMS દ્વારા ઉકેલ: કુલ ફરિયાદોમાંથી 2,02,984 ફરિયાદોનો નિકાલ EPFO ના પોતાના ફરિયાદ નિવારણ પોર્ટલ (EPFiGMS) મારફતે કરવામાં આવ્યો છે.

CPGRAMS દ્વારા રાહત: જ્યારે બાકીની 33,037 ફરિયાદોનો યોગ્ય ઉકેલ કેન્દ્રીય પોર્ટલ CPGRAMS દ્વારા લાવવામાં આવ્યો છે.

હવે WhatsApp પર પણ ચેક કરો PF બેલેન્સ અને પાસબુક

પોતાની ડિજિટલ સેવાઓનો વિસ્તાર કરતા EPFO એ સભ્યો માટે સુવિધાઓ હજુ વધુ સરળ બનાવી દીધી છે. હવે પીએફ ખાતાધારકો EPFO ની વેરિફાઈડ WhatsApp સેવા દ્વારા સરળતાથી નીચેની વિગતો મેળવી શકે છે:

* પોતાના PF ખાતાનું બેલેન્સ ચેક કરી શકે છે.

* છેલ્લા 5 ટ્રાન્ઝેક્શન (લેવડ-દેવડ) ની વિગતો જોઈ શકે છે.

* પોતાની પાસબુકની માહિતી મેળવી શકે છે.

નિષ્ણાતોની સલાહ છે કે પીએફ ખાતામાં કોઈપણ પ્રકારની મુશ્કેલી અને ક્લેમ રિજેક્શનથી બચવા માટે પોતાની વિગતો હંમેશા અપડેટેડ અને ભૂલ વગરની રાખવી ખૂબ જ જરૂરી છે. સભ્યોએ સમયાંતરે પોતાની વિગતો તપાસતા રહેવું જોઈએ અને કોઈ ભૂલ જણાય તો તરત જ સુધારા માટે ઓનલાઈન રિક્વેસ્ટ મૂકવી જોઈએ.

આ પણ વાંચો- કાર કે બાઈકના વીમામાં ‘ઝીરો ડેપ કવર' કેમ છે જરૂરી? જાણો સામાન્ય વીમા કરતા આ એડ-ઓન કવરમાં કેટલો થાય છે ફાયદો

MoneyControl News

MoneyControl News

First Published: Nov 09, 2026 5:19 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચાર, પર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.