પ્રાઈવેટ નોકરી કરતા લોકો માટે ખુશખબર, રિટાયરમેન્ટ પછી PF ખાતામાંથી દર મહિને મળી શકે છે 34,375ની આવક, મૂળ રકમ પણ રહેશે સુરક્ષિત
પ્રાઈવેટ સેક્ટરમાં કામ કરતા લોકો માટે ખુશખબર છે. EPFO એ નવા સિસ્ટમેટિક વિથડ્રોઅલ પ્લાનને મંજૂરી આપી છે, જેનાથી રિટાયરમેન્ટ પછી PF ના વ્યાજમાંથી દર મહિને 34,375 સુધીની આવક મળી શકે છે.
સભ્ય પોતાના મૂળ PF ફંડને હાથ લગાડ્યા વગર માત્ર તેના પર મળતું વ્યાજ જ નિયમિત ઉપાડી શકશે.
EPFO SWP Plan: પ્રાઈવેટ સેક્ટરમાં કામ કરતા કરોડો કર્મચારીઓ માટે એક ખૂબ જ સારા સમાચાર સામે આવ્યા છે. કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠનએ નવા સિસ્ટમેટિક વિથડ્રોઅલ પ્લાનને મંજૂરી આપી દીધી છે. આ નવી સુવિધાથી કર્મચારીઓને રિટાયરમેન્ટ પછી તેમના પીએફ ખાતામાં જમા થયેલા પૈસામાંથી નિયમિત રીતે માસિક આવક મળતી રહેશે. સૌથી ખાસ વાત એ છે કે આ આવક PFમાં જમા પૈસા પર મળતા વ્યાજમાંથી થશે, એટલે કે કર્મચારીએ રિટાયરમેન્ટ પછી પોતાના જરૂરી ખર્ચાઓ માટે PF ની મૂળ રકમ ઉપાડવી પડશે નહીં.
મૂળ રકમ સુરક્ષિત રહેશે અને દર મહિને મળશે 34,375 સુધીનું વ્યાજ
આ સુવિધાની સૌથી મોટી ખાસિયત એ છે કે નિવૃત્તિ પછી સભ્યના PF ખાતામાં જમા થયેલી મૂળ રકમ જેમની તેમ સુરક્ષિત પડી રહેશે. તેને એક સરળ ઉદાહરણ દ્વારા સમજી શકાય છે.
માની લો કે કોઈ કર્મચારીના PF ખાતામાં રિટાયરમેન્ટ સમયે 50 લાખ રૂપિયા જમા છે. જો EPF પર વાર્ષિક 8.25 ટકાના દરે વ્યાજ મળે છે, તો આ 50 લાખ રૂપિયા પર આખા વર્ષમાં લગભગ 4.12 લાખ રૂપિયા વ્યાજ બનશે.વ્યાજના આ પૈસા દર મહિને સબસ્ક્રાઈબરના બેંક ખાતામાં ટ્રાન્સફર કરી શકાય છે. આ હિસાબે દર મહિનાની સરેરાશ વ્યાજની રકમ લગભગ 34,375 રૂપિયા થશે.
વ્યાજ દર બદલાશે તો માસિક આવકમાં પણ થશે ફેરફાર
જોકે, અહીં એ ધ્યાનમાં રાખવું ખૂબ જ જરૂરી છે કે 34,375 રૂપિયાને EPFO તરફથી દર મહિને મળતું ફિક્સ પેન્શન કે નિશ્ચિત ચુકવણી માનવી જોઈએ નહીં. આ માત્ર હાલના વાર્ષિક વ્યાજ દર (8.25%) ના આધારે કરવામાં આવેલી એક અંદાજિત ગણતરી છે. સરકાર સમયાંતરે EPFના વ્યાજ દરોની સમીક્ષા કરે છે, તેથી જો ભવિષ્યમાં વ્યાજ દરમાં કોઈ ફેરફાર થાય છે, તો દર મહિને મળતી વ્યાજની રકમમાં પણ ફેરફાર થઈ શકે છે.
સબસ્ક્રાઈબર્સને મળશે પૈસા ઉપાડવાના આ 3 વિકલ્પો
EPFO ની આ નવી વિથડ્રોઅલ સિસ્ટમ હેઠળ સભ્યો પોતાની જરૂરિયાત મુજબ અલગ-અલગ વિકલ્પો પસંદ કરી શકશે.
સભ્ય પોતાના મૂળ PF ફંડને હાથ લગાડ્યા વગર માત્ર તેના પર મળતું વ્યાજ જ નિયમિત ઉપાડી શકશે. જો માસિક ખર્ચ વધુ હોય, તો વ્યાજની સાથે મૂળ રકમમાંથી પણ થોડો હિસ્સો હપ્તા પેટે લઈ શકાશે. રિટાયરમેન્ટ સમયે શરૂઆતમાં થોડી રકમ એકસાથે ઉપાડીને બાકીના પૈસા નિયમિત હપ્તાઓમાં ઉપાડવાનો વિકલ્પ પણ મળશે.
કોના માટે સૌથી વધુ ફાયદાકારક છે આ યોજના?
જો કોઈ નિવૃત્ત કર્મચારી માત્ર વ્યાજની રકમ ઉપાડવાનો વિકલ્પ પસંદ કરે છે, તો તેનું મૂળ PF ભંડોળ ખાતામાં જ જમા રહેશે અને ખાતામાં જેટલી પણ રકમ બચી હશે તેના પર સતત વ્યાજ મળતું રહેશે. PF માં જમા થયેલા પૂરેપૂરા પૈસા એકસાથે ઉપાડી લેવાને બદલે હપ્તામાં ઉપાડવાનો આ વિકલ્પ એવા લોકો માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે, જેમને નિવૃત્તિ પછી નિયમિત આવકની જરૂર છે અને જેઓ પોતાની મૂળ બચતને લાંબા સમય સુધી સુરક્ષિત રાખવા માંગે છે.